ડરો મત…. સાવચેતી જરૂરી: કોરોના કાચીંડાની જેમ રંગ બદલી રહ્યો છે!!!
સાવધાન: ગુજરાતમાં પાંચ દિવસમાં કોરોનાના કેસમાં 141 ટકાનો ઉછાળો: 97 દિવસ બાદ રાજયમાં કોરોનાની સદી; 111 કેસ નોંધાયા: સતત વધતા સંક્રમણથી જનતા ફરી ભયભીત
અબતક, અમદાવાદ
રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 111 નવા કોરોના સંક્રમિત દર્દીઓ નોંધાયા છે. મહત્વપૂર્ણ બાબત છે કે, છેલ્લા પાંચ જ દિવસમાં સંક્રમિતોની સંખ્યામાં 141%નો ઉછાળો નોંધાયો છે. એકતરફ તહેવારોની મોસમ માથે છે, જન્માષ્ટમીના મેળા તેમજ નવરાત્રીના આયોજનોની મોટાપાયે શરૂ કરી દેવામાં આવી છે ત્યાં બીજી બાજુ ફરીવાર કોરોનાના સળવળાટને લીધે તંત્ર અને પ્રજા બંનેની ચિંતામાં વધારો થઈ રહ્યો છે. જો આવી જ રીતે કોરોનામાં ઉછાળો નોંધાય તો ચોક્કસ ફરીવાર નિયંત્રણો અમલી બની શકે છે. એક મહત્વપૂર્ણ બાબત એ પણ છે કે, જે રીતે કોરોના કેસોમાં વધારો થયો છે ત્યારે હવે રાજ્યભરમાં ટેસ્ટિંગ પ્રક્રિયા પુરજોશમાં ચલાવવામાં આવશે અને જો આવજ થયું તો ચોક્કસથી કેસોમાં ધરખમ ઉછાળાના એંધાણ છે.
ઉનાળુ વેકેશનમાં દેશ-વિદેશમાં ધુમી ફરી આનંદ ઉઠાવનારી ગુજરાતની જનતાએ ફરી સાવધાન બની જવાની આવશ્યકતા છે. રાજયમાં ફણી કોરોનાનું સંક્રમણ જેટ ગતિએ વધી રહ્યું છે. છેલ્લા પાંચ દિવસમાં ગુજરાતમાં કોરોનાના કેસમાં 141 ટકાથી પણ વધુનો તોતીંગ ઉછાળો નોંધાયો છે. 97 દિવસ બાદ રાજયમાં ફરી કોરોનાએ સદી ફટકારી છે. બુધવારે ગુજરાતમાં કોવીડના નવા 11 કેસો નોંધાયા છે. વધતાસંક્રમણ સામે હવે સરકાર પણ સતર્ક થઈ ગઈ છે. રાજયભરમાં ટેસ્ટીંગનું પ્રમાણ વધારવા આદેશ આપવામા આવ્યો છે. જોકે એક પણ દર્દી વેન્ટીલેટર પર નથી મૃત્યુનું પ્રમાણ પણ શૂન્ય હોવાથી થોડી રાહત અનુભવાય રહી છે.
ગુજરાતમાં ગઈકાલે બુધવારે છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 111 કેસ નોંધાયા છે. ગત માર્ચ મહિના બાદ એટલે કે 97 દિવસના લાંબા અંતરાળ બાદ રાજયમાં કોરોનાએ સદી ફટકારી છે. ગત શુક્રવારે કોરોનાના 46 કેસ નોંધાયા હતા. દરમિયાન છેલ્લા પાંચ દિવસમાં કોરોનાના કેસમાં 141 ટકાથી પણ વધુનો તોતીંગ ઉછાળો નોંધાયો છે. આઈપીએલની ફાઈનલ જોવા માટે નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં એકત્રીત થયેલી મેદની બાદ અમદાવાદમાં કોરોનાનું સંક્રમણ સતત વધી રહ્યું છે.
ગઈકાલે રાજયમાં નોંધાયેલા નવા 111 કેસ પૈકી એકલા અમદાવાદ કોર્પોરેશન વિસ્તારમાં 48 કેસ નોંધાયા હતા. આ ઉપરાંત વડોદરા કોર્પોરેશનમાં 25 કેસ, સુરત કોર્પોરેશનમાં 8 કેસ, રાજકોટ કોર્પોરેશન વિસ્તારમાં 7 કેસ, ગાંધીનગર કોર્પોરેશનમાં નવા પાંચ કેસ, વલસાડ જિલ્લામાં 5 કેસ, અમદાવાદ જિલ્લામાં બે કેસ, આણંદ જિલ્લામાં 2 કેસ, જામનગર કોર્પોરેશન વિસ્તારમાં 2 કેસ, રાજકોટ ગ્રામ્ય વિસ્તારમાં નવા બે કેસ, સુરત જિલ્લામાં બે કેસ જયારે જામનગર જિલ્લો મહેસાણા જિલ્લો અને મોરબી જિલ્લામાં એક એક કેસ નોંધાયા હતા ગઈકાલે 29 દર્દીઓ કોરોનાને મ્હાત આપવામાં સફળ રહ્યા છે. વેરિઅન્ટની ચકાસણી માટે હવે જીનોમ સિકવન્સીંગ ટેસ્ટ કરવામા આવી રહ્યા છે. કોરોનાથી સાજા થવાનો દર 99.07 ટકા છે. 12,14,309 લોકો કોરોનાને હરાવવામાં સફળ રહ્યા છે.
રાજયમાં હાલ કોરોનાના 445 એકિટવ કેસ છે જોકે તે પૈકી એકપણ દર્દી હાલ વેન્ટીલેટર પર નથી તમામ દર્દીઓની હાલત હાલ સ્થીર છે. કોરોનાથી રાજયમાં અત્યાર સુધીમાં 10944 વ્યકિતઓના મોત નિપજયા છે. મોટાભાગની વસ્તીને વેકિસનના બંને ડોઝ આપી દેવામાં આવ્યા છે. છેલ્લા એક સપ્તાહથી કોરોનાના કેસમાં સતત વધારો નોંધાય રહ્યો હોય રાજય સરકાર દ્વારા ટેસ્ટીંગનું પ્રમાણ વધારવા આદેશ આપી દેવામાં આવ્યા છે. એરપોર્ટ પર માસ્ક ફરજીયાત કરી દેવામાં આવ્યું છે. આગામી દિવસોમાં જો કોરોનાના કેસમાં વધારા ચાલુ રહેશે તો કોવિડ નિયંત્રણો વધુ આકરા બનાવવામા આવે તેવી સંભાવના પણ નકારી શકાતી નથી. અમદાવાદવાસીઓ માટે ચિંતા વધી છે. કારણ કે રાજયમાં નોંધાતા કુલ કેસ પૈકી 50 ટકા જેટલા કેસ એકલા અમદાવાસમાં નોંધાય છે.
જાણી જોઈને માસ્ક નહીં પહેરનારાઓને પ્લેનમાં બેસવા નહીં દેવાય!!
કેન્દ્રીય નાગરિક ઉડ્ડયન મંત્રાલય હેઠળના ડિજીસીએ વિભાગે હવાઈ પ્રવાસીઓ માટે એક ગાઈડલાઈન્સ જાહેર કરી છે જેમાં પ્રવાસીઓને એરપોર્ટ પર અને ફ્લાઈટની અંદર ફરજિયાત માસ્ક પહેરવાની એડવાઈઝરી જાહેર કરી છે. ગાઈડલાઈન્સમાં એવું જણાવાયું છે કે એરપોર્ટ અને ફ્લાઈટની અંદર પ્રવાસીઓ ફરજિયાત માસ્ક પહેરવુ પડશે, માસ્ક ન પહેરનાર પ્રવાસીઓ પાસેથી દંડ વસૂલવામાં આવશે. ગાઈડલાઈન્સમાં એવું પણ કહેવામાં આવ્યું છે કે જે પ્રવાસીઓ માસ્ક નહીં પહેરે તેમને અણઘડ અને બેજવાબદાર ગણવામાં આવશે અને તેમની પાસે દંડ વસૂલવામાં આવશે. જો વિમાનમાં સવાર કોઈપણ મુસાફર માસ્ક પહેરવાનો ઇનકાર કરે છે અથવા વારંવાર ચેતવણીઓ આપ્યા પછી પણ ‘યાત્રીઓ માટે કોવિડ પ્રોટોકોલ’નું ઉલ્લંઘન કરે છે, તો ફ્લાઇટ દરમિયાન, આવા મુસાફરને ‘અનરુલી પેસેન્જર’ તરીકે ગણવામાં આવશે, ડિજીસીએએ જણાવ્યું હતું. દિલ્હી હાઈકોર્ટના 3 જૂનના આદેશને અનુરૂપ તેના નવીનતમ નિર્દેશો જારી કરવામાં આવ્યા છે.
રસીની રસાખેંચ
સો મણનો સવાલ: રસી તરફનો ‘રસ’ ઓછો પડતા કંપનીઓ પાસે પડેલા કરોડો ડોઝ આપવા કોને?
છેલ્લા કેટલાક મહિનાથી કોરોના મૃતપાય હોવાથી રસીના ડોઝ લેનારાઓની સંખ્યામાં પણ ધરખમ ઘટાડો થયો છે. હાલ કોરોના જાણે એક સામાન્ય ફલૂ બની ગયો હોય તેમ લોકોનો રસી તરફનો રસ ઓછો પડતા હવે કંપનીઓ પાસે જે કરોડો ડોઝ સ્ટોકમાં છે તેનું શું કરવું તેવો સવાલ ઉભો થયો છે. ફક્ત સિરમ ઇન્સ્ટિટયૂટની કોવિશિલ્ડ રસીના જ 20 કરોડ ડોઝ સ્ટોકમાં છે ત્યારે અન્ય કંપનીઓ પાસે પણ બમ્પર સ્ટોક છે. હવે તેવા સમયમાં જો કોરોના ફૂંફાડા નાખે તો કદાચ આ ડોઝ તરફનો લોકોનો ’રસ’ વધશે અને સ્ટોકનો નિકાલ થશે.
શું ચોથી લહેર ટુંક સમયમાં દસતક દેશે?
હાલ જે રીતે ફરીવાર કોરોનાએ માથું ઉંચકયું છે ત્યારે હવે ટૂંક સમયમાં ચોથી લહેર આવશે કે કેમ? તેવો સવાલ ઉઠવા પામ્યો છે. હાલ ચીન સહિત વિશ્વના અનેક દેશોમાં કોરોનાએ ફરીવાર કહેર મચાવ્યો છે ત્યારે ભારતના અનેજ રાજ્યોમાં પણ કોરોના કેસો વધ્યા છે તો શું ટૂંક સમયમાં ચોથી લહેર આવશે કે કેમ? તેવો સવાલ ઉઠ્યો છે. જો કે, લોકોએ ડરવાની જરૂરિયાત નથી પરંતુ બેખૌફ લોકોની બેવકૂફી કોરોનાને નોતરું આપી શકે છે ત્યારે સાવચેતી રાખવી ખૂબ જ જરૂરી છે.