મુખ્યમંત્રી મોટી મોટી વાતો કરે છે પરંતુ તેઓના હોમટાઉન એવા રાજકોટ સહિત સૌરાષ્ટ્રમાં મ્યુકરમાકોસીસ રોગની દવા-ઈન્જેક્શન ન મળવાથી દર્દીઓ હેરાન પરેશાન થઈ રહ્યા છે તેમ ગુજરાત મહિલા કોંગ્રેસ પ્રમુખ ગાયત્રીબા વાઘેલાએ જણાવ્યું હતું. કોરોનાના દર્દીઓને ચાલુ સારવારે અથવા ત્યાર પછીના સમયમાં ફંગલ ઈન્જેક્શનથી થતા મ્યુકરમાકોસીસ નામના રોગનું પ્રમાણ હાલ ઘણુ વધારે જોવા મળે છે.આ રોગની સારવારમાં જરુરી એન્ટીફંગલ ઈન્જેક્શન “એમ્ફોટેરીસીન -બી” તીવ્ર અછત વર્તાય છે. જાણવા મળ્યા મુજબ હાલ ગુજરાતમાં આવા ઈન્જેક્શન “એમ્ફોમુલ” બ્રાન્ડથી એકલ દોકલ ફાર્મા કંપની બનાવે છે જે સરકારી હોસ્પિટલને માંડ પુરાપાડી શકે છે.
પ્રાઈવેટ હોસ્પિટલોને આવા ઈન્જેક્શનો મળતા નથી. મેડીકલ સ્ટારમાં પણ મળતા નથી.જેથી મ્યુકરમાકોસીસની સારવારમાં ખુબ અડચણ આવે છે.જેના લીધે મ્યુકરમાકોસીસના દર્દીઓને ખુબ ભોગવવુ પડે છે, ઘણા દર્દીઓ ઈન્જેક્શનના અભાવે મોતને પણ ભેટી રહ્યા છે. આવી સ્થિતિમાં પણ નિંભર તંત્ર કે “સંવેદનશીલ” મુખ્યમંત્રીના પેટનું પાણી હલતુ નથી. મ્યુકરમાકોસીસના દર્દીઓનું પ્રમાણ દિવસે દિવસે ચિંતાજનક રીતે વધતુ જાય છે ત્યારે આના માટે જરુરી દવા તથા ઈન્જેક્શનો દર્દીઓને સહેલાઈથી મળી રહે એવી વ્યવસ્થા કરવાની માંગણી ગુજરાત મહિલા કોંગ્રેસ ગાયત્રીબા વાઘેલાએ કરી છે.