ડોક્ટરને માનસિક ત્રાસ આપી સમાજમાં બદનામ કરવાના કાવતરા બદલ મહિલા નર્સ પર કાર્યવાહીના આદેશ
તબીબી વ્યવસાયમાં ડોકટર-નર્સ વચ્ચેનો સબંધ હંમેશા વિશ્વસનીયતા પર ટકેલો હોય છે. નર્સનો વ્યવસાય તો હંમેશથી વિશ્વાસ પર નભેલો હોય છે. ભારતમાં મધર ટેરેસા જેવા મહાન નર્સ પણ થઈ ચૂક્યા છે. જેમની સેવાના મૂલ્યોને આજ સુધી યાદ કરવામાં આવે છે. કોઈ પણ સામાન્ય નાગરિક નર્સને એક વિશ્વસનીય અને જવાબદાર વ્યક્તિ તરીકે જુએ છે અને ઘણીવાર તબીબી વ્યવસાયમાં ડોકટર પણ જરૂરી સારવાર આપ્યા બાદ સાર-સંભાળ માટે નર્સ પર વિશ્વાસ રાખતાં હોય છે ત્યારે હવે જે રીતે કિસ્સાઓ પ્રકાશમાં આવી રહ્યા છે તેને જોતા સ્પષ્ટ સવાલ ઉદભવી રહ્યો છે કે, શું ડોકટર-નર્સના સંબંધો જોખમી બની રહ્યા છે?
આવો જ એક કિસ્સો બનાસકાંઠા જિલ્લાના સુઇગામ ખાતે સામે આવ્યો છે. સુઇગામના સીએચસી સેન્ટર ખાતે ફરજ બજાવતી નર્સની બેદરકારી અને દર્દીના પરિજનોને ખાનગી હોસ્પિટલમાં જવા દુશ્પ્રેરણા સહિતની અશોભનીય ભૂમિકા ડોકટરના ધ્યાને આવી હતી. ડોકટર આ બાબતોની રજુઆત ઉપલા ધોરણે કરશે અને તેના કારણે નોકરી જવા સુધીના પગલાંઓથી બચવા “ન રહેગા બાંસ, ન બજેગી બાંસુરી’ની જેમ નર્સે તબીબ પર જાતીય સતામણી અને અભદ્ર માંગણીનો આક્ષેપ કરતી ફરિયાદ દાખલ કરી હતી. મહિલા નર્સે ઇન-ચાર્જ અધિક્ષક ડો. અશોક ચૌધરી પર જાતીય સતામણીની ફરિયાદ કરી હતી. નર્સે આક્ષેપ કર્યો હતો કે, તબીબે તેણીના ખંભે હાથ મૂકીને તેના ખાનગી અંગોને સ્પર્શ કરવાનો પ્રયત્ન કર્યો હતો. તેણીએ ના પાડી દેતા તબીબે ધમકી દીધાનો આક્ષેપ પણ કરાયો હતો.
સમગ્ર મામલો કોર્ટ સુધી પહોંચતા કોર્ટે મહિલા નર્સને જરૂરી પુરાવા રજૂ કરવા જણાવ્યું હતું પરંતુ ’આગ લગી હી નહીં તો ધુંઆ કૈસા?’ ની જેમ પુરાવા મળવા અશક્ય હતા. જે બાદ કોર્ટે તમામ પાસાઓ ધ્યાને લેતા સ્પષ્ટ થયું હતું કે, ફક્ત તબીબને ફંસાવવામાં માટે નર્સે આ પ્રકારના પાયા વિહોણા આક્ષેપ કરી બદનામ કરવાનો પ્રયાસ કર્યો હતો.
ઘટના સ્પષ્ટ થતા સામે આવ્યું હતું કે, મહિલા નર્સ પોતે સી.એચ.સી. રૂમમાં રહેતી હતી. સાથોસાથ તેણીના પરિજનો પણ સીએચસી રૂમનો ખાનગી ઉપયોગ કરતા હતા. ઉપરાંત દર્દીઓના પરિજનોને નર્સ દ્વારા સીએચસી ખાતે જરૂરી સાધનો નહીં હોવાનો હવાલો દઈને દર્દીના પરિજનોને અન્ય ખાનગી હોસ્પિટલમાં જવા માટે ફરજ પાડવામાં આવતી હતી. આ તમામ બાબતની જાણ ડોકટરનવા થતા તેઓ નર્સ વિરુદ્ધ જરૂરી પગલાંઓ લેશે તેની ભીતિએ નર્સે આ પ્રકારના આક્ષેપો કરી ડોક્ટરને બદનામ કરવાનો પ્રયાસ કર્યો હતો. જે બદલ કોર્ટે મહિલા નર્સને માહિલાઓને રક્ષણ આપતા કાયદાના દુરુપયોગ કરવા બદલ રૂ. 10 હજારનો દંડ ફટકાર્યો હતો. જો તેણી દંડ ન ભરે તો 30 દિવસની જેલની સજાનો પણ આદેશ આપવામાં આવ્યા છે. સાથોસાથ મહિલા દ્વારા ડોક્ટરને માનસિક ત્રાસ આપવા, લોકોને ખાનગી હોસ્પિટલમાં જવા ફરજ પાડવી તેમજ મહિલાઓને રક્ષણ આપતા કાયદાના ગેરુપયોગ બદલ નર્સ વિરુદ્ધ ગુન્હો દાખલ કરવા કોર્ટે આદેશ આપ્યા છે.