ભારતમાં અમીરોની સંખ્યા સતત વધતી જઈ રહી છે. સામે અમીરોનો ભારત છોડીને બીજા ઠેકાણા શોધવાના દરમાં પણ જોરદાર વધારો થયો છે. એક રિપોર્ટ અનુસાર આખા વર્ષ દરમિયાન ભારતના 8,000 કરોડપતિઓએ દેશ છોડ્યો છે. આ આંકડાની સાથે હવે ભારત અમીરોના પલાયનના મામલે ટોપ-3 દેશોમાં સામેલ થઈ ગયુ છે. દેશમાં એવા ઘણા કારણો છે કે લોકો  તેના કારણે દેશ છોડી રહ્યા છે. સરકારે આ બાબત ઉપર ગંભીરતા દાખવવાનો સમય હવે પાકી ગયો છે.

એક તરફ વિશ્વના ટોચના અમીરોની લિસ્ટમાં ભારતીય ઉદ્યોગપતિઓનો ડંકો વાગી રહ્યો છે, બીજી તરફ મોટી સંખ્યામાં ભારતીય અમીરોનો દેશ પરથી મોહભંગ થતો જોવા મળી રહ્યો છે. વર્ષ 2022માં જ હજારો કરોડપતિઓએ ભારતને અલવિદા કહી દીધુ છે. રિપોર્ટ અનુસાર ભારત દુનિયાના તે 3 દેશોમાં સામેલ છે. જ્યાંથી કરોડપતિઓ સૌથી વધુ પલાયન થયા છે. આ યાદીમાં પહેલા નંબરે રશિયા, જ્યારે બીજા નંબરે ચીનનું નામ આવે છે.

ભારત સહિત અમુક દેશોના કરોડપતિ પોતાનો દેશ છોડીને બીજા દેશોમાં વસવા માટેની પસંદગી કરી રહ્યા છે. રિપોર્ટમાં દર્શાવેલા આંકડા અનુસાર ભારતમાંથી 8,000 કરોડપતિઓએ વર્ષ 2022માં પલાયન કર્યુ છે. જ્યારે આ મામલે સૌથી આગળ રશિયામાંથી નીકળીને બીજા દેશોમાં વસનારા કરોડપતિઓની સંખ્યા આ વર્ષે 15,000 રહી છે, જ્યારે ચીનમાંથી આ સમયગાળામાં 10,000 કરોડપતિએ પલાયન કર્યુ છે.

રિપોર્ટ અનુસાર રશિયા-ચીન અને ભારત જ નહીં, પરંતુ હોંગકોંગ એસએઆર, યુક્રેન, બ્રાઝિલ, મેક્સિકો, બ્રિટન, સાઉદી અરેબિયા અને ઈન્ડોનેશિયા જેવા દેશોમાંથી પણ કરોડપતિઓનું પલાયન ચાલુ છે અને આના દરમાં વધારો થઈ રહ્યો છે. છેલ્લા 10 વર્ષમાં કરોડપતિઓનો દેશ છોડવાનો દર સતત વધ્યો છે. કોરોના કાળ દરમિયાન 2020-21 માં આ દરમાં ઘટાડો જોવા મળ્યો હતો. રિપોર્ટમાં રશિયાના હુમલા વેઠી રહેલા યુક્રેન વિશે કહેવામાં આવ્યુ છે કે 2022ના અંત સુધી યુક્રેનના હાઈ નેટવર્થ વાળા 42 ટકા લોકો દેશ છોડી શકે છે.

કોવિડ-19 મહામારીના સમયમાં હાઈ નેટવર્થવાળા લોકોના દેશ છોડવાના પ્લાન પર બ્રેક લાગી ગઈ હતી પરંતુ હવે ફરીથી અમીરોએ વિદેશમાં વસવાનો નિર્ણય કરી લીધો છે અને તાજેતરના આંકડા આ વાતનું ઉદાહરણ છે. ઉલ્લેખનીય છેકે હાઈ નેટવર્થવાળા લોકોમાં એવા અમીર સામેલ હોય છે, જેમની પાસે એક મિલિયન ડોલર કે તેનાથી વધારે સંપત્તિ હોય છે. જોકે, આ પલાયનની સાથે જ ભારતમાં નવા કરોડપતિઓની સંખ્યામાં પણ વધારો જોવા મળી રહ્યો છે. આ સાથે જ રિપોર્ટમાં એ આશા પણ વ્યક્ત કરાઈ છેકે સ્ટાન્ડર્ડ ઓફ લિવિંગ શ્રેષ્ઠ થયા બાદ દેશ છોડનાર આ અમીર ભારતમાં બીજીવાર પાછા આવી શકે છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.