સાબરકાંઠાના સલાલ ગામેથી પસાર થતી કર્કવૃતના ભૌગોલીક મહત્વ વિશે જાગૃતિ લાવવા સાયન્સ પાર્ક વિકસાવાશે
રાજય સરકારે બજેટમાં વિજ્ઞાન અને પ્રૌદ્યોગીક વિભાગ માટે રૂ. 563 કરોડની જોગવાઈ કરી છે. જેમાં ભારત નેટ પ્રોજેકટ હેઠળ વધુ 7522 ગ્રામ પંચાયતોને કનેકટીવીટી પૂરી પાડવાની જાહેરાત કરવામાં આવી છે. આ સાથે સાબરકાંઠાના સલાલ ગામેથી પસાર થતી કર્કવૃતના ભૌગોલીક મહત્વ વિશે જાગૃતિ લાવવા ત્યાં સાયન્સ પાર્ક વિકસાવવાની પણ જાહેરાત કરવામાં આવી છે.
નાણામંત્રી નીતીન પટેલે જણાવ્યું કે નાગરીકોને જિલ્લા અને તાલુકા કક્ષાએ પ્રાપ્ત થતી પનાગરીકલક્ષી સેવાઓ પોતાના ગામમાં જ મળી રહે એ હેતુથી મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી દ્વારા ડિજીટલ સેવા સેતુ કાર્યક્રમની શરૂઆત કરવામાં આવેલ છે. આ નવતર કાર્યક્રમ થકી 55 જેટલી વિવિધ સેવાઓનો લભા 9112 ગામડાઓમાં ત્રીસ લાખથી વધારે લોકોને આપવામાં આવેલ છે. આ વ્યવસ્થાને સુદ્ઢ બનાવવા માટે રૂ.16 કરોડની જોગવાઈ કરી છે.
ભારતનેટ પ્રોજેકટ હેઠળ ફેઈઝ વનમાં અત્યાર સુધીમાં રાજયની 6460 ગ્રામ પંચાયતોને હાઈબેન્ડવીથ પૂરી પાડવાની કામગીરી પૂર્ણ કરવામાં આવેલ છે. ફેઈઝ ટુમાં વધુ 7522 ગ્રામ પંચાયતોને કનેકટીવીટી પૂરી પાડવા માટે રૂ.154 કરોડની જોગવાઈ કરી છે.
સાયન્સ સીટી ખાતે ફેઝ-1 પ્રોજેકટ અંતર્ગત આઈમેકસ થીયેટર, મ્યુઝીકલ ફાઉન્ટેન અને કેફેટેરિયાના નવીનીકરણ માટે તથા ફેઝ 2 પ્રોજેકટ હેઠળ એકવેટીક અને રોબોટિકસ ગેલેરી તથા એસ્ટ્રોનોમિ અને સ્પેસ સાયન્સ ગેલેરીમાં બાંધકામ માટે રૂ.80 કરોડની જોગવાઈ કરી છે.
રાજય સરકાર દ્વારા આપવામાં આવતી ઓનલાઈન સેવા સંદર્ભે ડેટા રિકવરી સેન્ટરની સ્થાપના માટે રૂ.65 કરોડની જોગવાઈ કરી છે. બાયોટેકનોલોજી ક્ષેત્રે ચાલતા સંશોધનથી ઉદ્યોગ, પર્યાવરણ મરીન અને જીનોમ જેવા ક્ષેત્રોને લાભ મળે તે માટે રૂ.2 કરોડની જોગવાઈ કરી છે. સાબરકાંઠા જિલ્લાનાં સલાલ ગામમાંથી પસાર થતા કર્કવૃતના ભૌગોલિક મહત્વ વિશે જાગૃતિ લાવવાના ઉદેશથી આ સ્થળે સાયન્સ પાર્ક વિકસાવવામાં આવશે.