- શ્રીલંકા, મોરેશિયસ, ભૂટાન, નેપાળ, યુએઈ, કેનેડા અને ફ્રાંસ બાદ ગ્રીસે પણ યુપીઆઈ સિસ્ટમને સ્વીકૃતિ આપી
ભારતની યુપીઆઈ પેમેન્ટ સિસ્ટમની હવે ધીમે ધીમે ગ્લોબલી બની રહી છે. હવે યુરોપિયન દેશ ગ્રીસે પણ યુપીઆઈ પેમેન્ટ સિસ્ટમને સ્વીકૃતિ આપી દીધી છે.
ડિજિટલ પેમેન્ટ કરવા માટેની આ સિસ્ટમ ભારત બહાર શ્રીલંકા, મોરેશિયસ, ભૂટાન, નેપાળ, યુએઈ અને કેનેડામાં તો પ્રચિલત છે જ પણ હવે યુરોપમાં ફ્રાંસ બાદ ગ્રીસે પણ આ સિસ્ટમને અપનાવવાનુ એલાન કર્યુ છે. તાજેતરમાં ગ્રીસના વડાપ્રધાન કિરિયાકોસ મિત્સોટાકિસ ભારતના પ્રવાસે આવ્યા હતા અને પીએમ મોદી સાથે મુલાકાત કરી હતી. એ પછી બંને દેશોએ યુપીઆઈ પેમેન્ટ સિસ્ટમ માટે એમઓયુ પણ કર્યુ છે.
આ કરાર હેઠળ બંને દેશો પોત-પોતાની સત્તા હેઠળના ક્ષેત્રોમાં ફંડના પેમેન્ટ માટે, કોઈ વિવાદના સમાધાન માટે પણ યુપીઆઈનો ઉપયોગ કરી શકશે. ખાસ કરીને ગ્રીસમાં રહેતા ભારતીય મૂળના લોકો યુપીઆઈ થકી ભારતમાં આસાનીથી રકમ મોકલી શકશે. યુપીઆઈ સિસ્ટમનુ સંચાલન કરતી નેશનલ પેમેન્ટસ કોર્પોરેશન ઓફ ઈન્ડિયાની આંતરરાષ્ટ્રીય બ્રાન્ચ એનપીસીઆઈ ઈન્ટરનેશનલ પેમેન્ટ્સ લિમિટેડે ગ્રીસની યુરોબેન્ક સાથે નવી દિલ્હી સ્થિત ગ્રીસના દૂતાવાસમાં એમઓયુ પર સહી કરી છે. જેના કારણે ગ્રીસમાં રહેતા પ્રવાસી ભારતીયો માટે ભારતમાં પૈસા મોકલવાનુ આસાન થઈ જશે.
દરમિયાન રેલવે અને ટેકનોલોજી મંત્રી અશ્વિની વૈષ્ણવે ભારત અને ગ્રીસ વચ્ચે થયેલા કરાર અંગેની જાણકારી સોશિયલ મીડિયા પર શેર કરી છે.