- શોર્ટ સર્કિટની દુર્ઘટના ખાળવા પીજીવીસીએલ એક્શનમાં
- રાજકોટનો લોકમેળો, તરણેતરનો મેળો, નાગેશ્વર, ઘેલા સોમનાથ, વિરપુર, સાળંગપુર, માતાનો મઢ, કોટેશ્વર, પરબ, બગદાણા સહિતના 97 સ્થળોએ અન્ડર ગ્રાઉન્ડ કેબલ ફિટ કરાશે
- પીજીવીસીએલ દ્વારા અંડર ગ્રાઉન્ડ લાઈનનું નેટવર્ક ઊભું કરવા માટે 20 કરોડની ફાળવણી સૌથી વધુ રાજકોટ ગ્રામ્યમાં 20 અને મોરબી જિલ્લાના 13 ધાર્મિક સ્થળોનો સમાવેશ કરાયો
શોટ સર્કિટની દુર્ઘટના ખાળવા પીજીવીસીએલ એક્શનમાં આવી છે. હવે મેળાઓએ અને યાત્રાધામોમાં અન્ડરગ્રાઉન્ડ વીજ કેબલ જ નાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. સૌરાષ્ટ્ર-કચ્છના કુલ 97 સ્થળો આ માટે ફાઇનલ કરવામાં આવ્યા છે.તાજેતરમાં સર્જાયેલ રાજકોટના ગેમઝોન અગ્નિકાંડ બાદ તમામ વિભાગો એક્શનમાં આવ્યા છે. પીજીવીસીએલ દ્વારા પણ ખાસ આ માટે સતર્કતાના ભાગરૂપે પગલાં લેવામાં આવ્યા છે. ધાર્મિક સ્થળો અને ખાસ કરીને આગામી જન્માષ્ટમીના તહેવારમાં જ્યાં મેળાનું આયોજન થાય છે. તેવા સ્થળોએ અંડર ગ્રાઉન્ડ કેબલ નાખવાના પ્રોજેક્ટને મંજૂરી આપી દેવામાં આવી છે.
પીજીવીસીએલ દ્વારા આગામી જન્માષ્ટમીના તહેવાર દરમિયાન જ્યાં ધાર્મિક સ્થળ હોય અને મેળાનું આયોજન થતું હોય અથવા તો મોટી સંખ્યામાં જનમેદની એકત્ર થતી હોય તેવા સ્થળોએ અંડરગ્રાઉન્ડ કેબલ નાખવાનું આયોજન કરવામાં આવ્યું છે. આ માટે પીજીવીસીએલ દ્વારા તમામ સર્કલ ઓફિસ પાસેથી ધાર્મિક સ્થળો અને યાત્રાધામોની યાદી મંગાવવામાં આવી હતી. કુલ 105 દરખાસ્ત માંથી 97 દરખાસ્તને મંજૂરી આપી દેવામાં આવી છે.
પ્રથમ તબક્કામાં સૌરાષ્ટ્રના પ્રખ્યાત યાત્રાધામ જેવા કે, નાગેશ્વર, ઘેલા સોમનાથ, વિરપુર, સાળંગપુર, રણુજા, જૂનું દ્વારકાધીશ મંદિર,પરબ, બગદાણા, કોટેશ્વર, માતાના મઢ સહિતના સ્થળોનો સમાવેશ કરવામાં આવ્યો છે. આગામી દિવસોમાં સૌરાષ્ટ્રના વિશ્વવિખ્યાત તરણેતરનો ભાતીગળ લોકમેળાનું આયોજન થનાર છે. આ મેળામાં પણ અંડર ગ્રાઉન્ડ કેબલ નાખવામાં આવશે.
સૌપ્રથમવાર જગત મંદિર દ્વારકાથી આ પ્રયોગની અમલવારી કરવામાં આવી છે. દ્વારકામાં 30 કરોડના ખર્ચે અન્ડરગ્રાઉન્ડ કેબલ પ્રોજેક્ટ વર્ષ 2018-19માં શરૂ કરવામાં આવ્યો હતો. તેમાં એચ.ટી. લાઈન પણ અન્ડરગ્રાઉન્ડ કરવામાં આવી છે. પીલગ્રીમેજ સ્કીમ હેઠળ કુલ કી.મી. વર્ક : 30 કી.મી. કેબલ બિછાવામાં આવ્યો છે. જેનો ખર્ચ ખર્ચ : 12.73 કરોડ રૂપિયા થાય છે. જ્યારે એલ.ટી. (લાઈન અન્ડરગ્રાઉન્ડ કરવામાં આવી છે. ઈન્ટીગ્રેટેડ પાવર ડેવલપમેન્ટ સ્કીમ કુલ કી.મી. વર્ક : 48 કી.મી. નો કેબલ બીછાવામાં આવ્યો છે. તેનો ખર્ચ : 17.94 કરોડ રૂપિયા થાય છે. તેમજ આર.એમ.યુ. રીંગ મેઈન યુનિટનો 94 નંગ ઉપયોગ ટ્રાન્સફોર્મરમાં એક સાઈડ થી પાવર આવતો હોય તો એના ઓપ્શન તરીકે બીજી સાઈડથી પાવર સપ્લાય આપી શકાય તે માટે કરવામાં આવ્યો છે.
- મેળામાં સ્ટોલ અને રાઈડનું ફિટનેસ સર્ટી નહિ મળે ત્યાં સુધી કનેકશન નહિ અપાય
રાજકોટના રેસકોર્સ મેદાનમાં યોજાતા જન્માષ્ટમીના લોકમેળામાં વીજ કંપની દ્વારા અંડર ગ્રાઉન્ડ કેબલ નાખવા માટે અત્યારથી જ 23 જેટલા વીજ ટ્રાન્સફોર્મર મેદાનમાં લગાવી દેવામાં આવ્યા છે. અને મેળામાં સ્ટોલ અને પ્લોટ ધારકોને ત્યાં સુધી ફિટનેસ સર્ટિફિકેટ રજુ નહીં કરે ત્યાં સુધી વીજ કંપની દ્વારા લાઇટ કનેક્શન આપવામાં આવશે નહીં તેવા સખત કાયદા પણ બનાવવામાં આવ્યા છે. આ નિયમનો સમગ્ર સૌરાષ્ટ્ર-કચ્છમાં અમલવારી કરવામાં આવશે.
- લોકમેળામાં પ્લોટ માટે સંભવત: ગુરૂવારથી ફોર્મનું વિતરણ શરૂ
- પ્લોટના ભાડામાં 10 ટકાનો ભાવ વધારો આવે તેવી શકયતા : સાંજે તૈયારીઓને લઈને બેઠક
અબતક, રાજકોટ : રાજકોટના લોકમેળામાં પ્લોટ માટે સંભવત: આગામી ગુરૂવારથી ફોર્મનું વિતરણ શરૂ કરવામાં આવનાર છે. સાંજે કલેકટરની અધ્યક્ષતામાં આ સંદર્ભે બેઠક મળવાની છે. જેમાં પ્લોટના ભાડામાં 10 ટકાનો ભાવ વધારો નક્કી કરવામાં આવે તેવી પણ શકયતા સેવાઈ રહી છે.
આગામી જન્માષ્ટમીના તહેવાર નિમિત્તે રાજકોટ ખાતે 24 થી 28 ઓગસ્ટ દરમિયાન લોકમેળો યોજાનાર છે. જિલ્લા કલેક્ટર પ્રભવ જોષીએ સલામતીની તમામ બાબતોનું ચુસ્તપણે પાલન કરવાના તથા મેળાના સુચારુ આયોજન માટે બનાવાયેલી તમામ 19 સમિતિઓના અધ્યક્ષો મેળાની તૈયારીમાં લાગી ગયા છે. લોકમેળામાં તમામ સ્ટોલમાં સીસીટીવી અને ફાયરના સાધનો ફરજિયાત રાખવા, ફિટનેસ સર્ટિફિકેટ વગર એક પણ સ્ટોલને મંજૂરી ન આપવા, એક પ્લોટમાં એક જ રાઈડને મંજૂરી આપવા સહિતના નિર્ણયો લેવામાં આવ્યા છે.
વધૂમાં આ વખતે સ્ટોલની સંખ્યા ઘટાડવામાં આવી હોવાથી પ્લોટના ભાડામાં 10 ટકાનો વધારો થાય તેવી શકયતા સેવાઈ રહી છે. તો બીજી તરફ સંભવત: તારીખ 18થી 25 દરમિયાન મેળાના ફોર્મનું વિતરણ કરવામાં આવશે તેવું જાણવા મળ્યું છે. સાંજે આ માટે બેઠકનું પણ આયોજન કરવામાં આવ્યું છે. જેમાં તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવશે.
- દેશના ઈઅૠ ગિરીશચંદ્ર મુર્મુ બુધવારથી ત્રણ દિવસ રાજકોટમાં
- કલેકટર તંત્રને જાણ થતાં તૈયારીઓ શરૂ, એજી ઓફિસ તથા તેના નવા બની
- રહેલા ટ્રેનિંગ સેન્ટર સંદર્ભે રાજકોટની મુલાકાત લેવાના હોવાનુ અનુમાન
દેશના સીએજી ગિરીશચંદ્ર મુર્મુ બુધવારથી ત્રણ દિવસ રાજકોટમાં પડાવ નાખવાના છે. આ અંગે કલેકટર તંત્રને જાણ થતાં તૈયારીઓ શરૂ કરી દેવાઈ છે. બીજી તરફ એજી ઓફિસ તથા તેના નવા બની રહેલા ટ્રેનિંગ સેન્ટર સંદર્ભે તેઓ રાજકોટની મુલાકાત લેવાના હોવાનુ અનુમાન લગાવવામાં આવી રહ્યું છે.
તા.17એ કોમ્પ્ટ્રોલર એન્ડ ઓડિટર જનરલ – (સીએજી) ગિરિશશ્ચંદ્ર મુર્મુ સાંજે 7 વાગ્યે રાજકોટ આવી પહોંચવાના છે. તેઓ તા.19ના રોજ રાજકોટથી રિટર્ન થશે. અગાઉ તેઓએ રાજકોટમાં આવી એજી ઓફિસમાં ઇન્ટરનેશનલ ટ્રેનિંગ સેન્ટરનું ખાતમુહૂર્ત કર્યું હતું. આ ટ્રેનિંગ સેન્ટરમાં હાલ 90 ટકા કામ પૂર્ણ થઈ ગયું છે. આ સેન્ટરમાં ઓફિસરોને તાલીમ અપાશે. આ સેન્ટરની સાથે સ્વિમિંગ પુલ, બાસ્કેટ બોલ ગ્રાઉન્ડ અને ગાર્ડન પણ બનાવવાનું આયોજન છે. ટ્રેનિંગ સેન્ટરની કામગીરી પૂર્ણ થયા બાદ તેનું કામ હાથ ઉપર લેવામાં આવશે.
એજી ઓફિસના સૌરાષ્ટ્રના તમામ સ્ટાફનું ડિસેમ્બર 2024માં ગાંધીનગર ખાતેની ઓફિસમાં શિફ્ટિંગ કરવામાં આવશે. જેના ઉપલક્ષમાં આ મુલાકાત લેવામાં આવનાર હોવાનું જાણવા મળે છે.
ઉલ્લેખનીય છે કે 5મી ઑગસ્ટ 2019ના રોજ જમ્મુ અને કાશ્મીરમાંથી કલમ 370 હટાવ્યા બાદ થોડા સમયમાં ભારત સરકારે જમ્મુ-કાશ્મીરના ઉપ રાજ્યપાલ તરીકે જી.સી. મુર્મુની નિમણૂક કરી હતી. જી.સી.મુર્મુ વર્ષ 1985ની ગુજરાત બેચના આઇએસ અધિકારી છે. નરેન્દ્ર મોદી જ્યારે વર્ષ 2001માં ગુજરાતના મુખ્યમંત્રી બન્યા ત્યારે મુર્મુ રાજ્યના રાહત કમિશનર હતા. ત્યારબાદ તેમની નિમણૂક ખાણ-ખનીજ વિભાગના કમિશનર તરીકે થઈ અને તેઓ વર્ષ 2003 સુધી આ વિભાગમાં રહ્યા. ત્યારબાદ મુર્મની નિમણૂક ગુજરાત મેરીટાઇમ બોર્ડના એમડી તરીકે થઈ હતી.
રાજકોટવાસીઓને જન્માષ્ટમીની રજામાં ઇશ્ર્વરીયામાં બોટિંગ કરવા નહિ મળે!
સતર્કતાના ભાગરૂપે ગુજરાત મેરિટાઇમ બોર્ડ એસઓપી જાહેર કરે ત્યારબાદ જ તે પ્રમાણે બોટિંગ શરૂ કરાશે
અબતક, રાજકોટ : રાજકોટવાસીઓને જન્માષ્ટમીએ ઇશ્વરીયામાં બોટિંગ કરવા નહિ મળે. કારણકે સતર્કતાના ભાગરૂપે ગુજરાત મેરિટાઇમ બોર્ડ એસઓપી જાહેર કરે ત્યારબાદ જ તે પ્રમાણે બોટિંગ શરૂ કરવામાં આવનાર છે. રાજકોટ શહેરની ભાગોળે ઇશ્વરીયા પાર્ક મીની હીલ સ્ટેશન આવેલ છે. જ્યાં જિલ્લાનું એકમાત્ર સ્થળ છે જ્યાં બોટિંગ થાય છે. જન્માષ્ટમીની રજાઓમાં લોકમેળા ઉપરાંત ઇશ્વરીયામાં પણ લોકો ઉમટી પડે છે. અહીં મોટી સંખ્યામાં લોકો બોટિંગનો પણ લ્હાવો માણે છે. જો કે છેલ્લા ઘણા સમયથી અહીં ગાંડી વેલ દૂર કરવા સહિતની કામગીરીને કારણે બોટિંગ બંધ કરવામાં આવ્યું છે. આ દરમિયાન ગેમઝોન અગ્નિકાંડ સહિતની દુર્ઘટના પણ સર્જાઈ હોય તંત્ર સતર્કતાના ભાગરૂપે તમામ આયોજનો ઉપર સલામતીમાં કોઈ પણ બાંધછોડ કરવા તૈયાર નથી. આ ઉપરાંત હરણીકાંડ બાદ બોટિંગ ઉપર પણ સરકાર એલર્ટ બની છે. હાલ ગુજરાત મેરિટાઇમ બોર્ડ દ્વારા બોટિંગને લઈને નવી ગાઈડલાઈન તૈયાર કરવામાં આવી રહી છે. જિલ્લા કલેકટર તંત્ર દ્વારા અહીં બોટિંગ શરૂ કરવા માટે મેરિટાઇમ બોર્ડનો અભિપ્રાય પણ લેવામાં આવ્યો હતો. મેરિટાઇમ બોર્ડ દ્વારા એસઓપી બની જાય ત્યાં સુધી રાહ જોવાનું સૂચન પણ કર્યું હતું. ઉલ્લેખનીય છે કે ઇશ્વરીયા ખાતે હાલ સુધી તળાવ ખાલી હાલતમાં હતું. તાજેતરમાં જ તળાવમાં પાણીની આવક થઈ છે. પણ જન્માષ્ટમીની રજાઓમાં લોકોએ બોટિંગ વગર જ ઇશ્વરીયા પાર્કમાં ટહેલવું પડશે.