Abtak Media Google News
  • વ્યાજંકવાદીઓ સામે લડત સ્વરૂપ લોક દરબારમાં પીડિતો ઉમટ્યા:વિષચક્રમાં ફસાયેલાંઓની વ્યથા સાંભળતા અધિકારીઓ
  • વ્યાજખોરોથી 5ીડિતોની વ્હારે આવતી પોલીસ

શહેરમાં ગેરકાયદે નાણાં ધીરધાર કરી જરૂરિયાતમંદ લોકો પાસેથી તગડુ વ્યાજ વસુલતા અને પઠાણી ઉઘરાણી કરતા વ્યાજખોરો વિરુદ્ધ ઝુંબેશના ભાગરૂપે પોલીસે લોક દરબારનું આયોજન કર્યું હતું. જેમાં પીડિતો મુક્તમને પોતાની વ્યથા પોલીસને કહી શકશે અને પોલીસ યોગ્ય કાર્યવાહી કરી પીડિતોને વ્યાજખોરોના ચૂંગાલમાંથી બહાર કાઢશે તેવા કોલ સાથે યોજાયેલ લોક દરબારમાં પોલીસ કમિશ્નર બ્રજેશ ઝા સહિતના અધિકારીઓ, વિવિધ બેંકના પ્રતિનિધિઓ તેમજ પ્રજાજનો હાજર રહ્યા હતા. લોક દરબારમાં પોલીસ કમિશ્નર બ્રજેશ ઝાએ જણાવ્યું હતું કે, ગેરકાયદે નાણાં ધીરનાર વિરુદ્ધ શહેર પોલીસ દાખલારૂપ કાર્યવાહી કરી સમાજમાંથી વ્યાજના દુષણને અટકાવશે.

બેફામ બનેલા વ્યાજખોરોના ત્રાસથી અનેક લોકોના પરિવારનો માળો પિંખાઇ ગયાના અનેક બનાવો સામે આવી ચુક્યા છે. પઠાણી ઉઘરાણી સાથે વ્યાજખોરોના ત્રાસથી કંટાળી અનેક લોકોએ આપઘાત કરવા મજબુર થવું પડ્યું છે અને પોલીસની પણ વરવી ભૂમિકા હોવાના આક્ષેપ થયા છે. ત્યારે વ્યાજખોરોથી લોકોને બચાવવા પોલીસ દ્વારા ગઈકાલે લોકદરબારનું આયોજન કરવામાં આવ્યું હતું. આ લોકદરબારમાં બીમાર બાળકની સારવાર માટે વ્યાજે લીધેલા નાણાની પઠાણી ઉઘરાણીથી કંટાળી દિવ્યાંગ બાળકને લઈ પરિવાર ન્યાય માટે પહોંચ્યો હતો.

રાજકોટ શહેરના ટાગોર રોડ પર હેમુગઢવી હોલ ખાતે શહેર પોલીસ દ્વારા વ્યાજખોરો સામે કડક કાર્યવાહી કરવાના ભાગરૂપે લોકો પાસે સામે ચાલી પહોંચી લોકદરબારનું આયોજન કરવામાં આવ્યું હતું. લોકદરબારમાં વ્યાજખોરોનાં ત્રાસથી પીડાતા લોકો પોતાની અરજી અને ફરિયાદ સાથે તેમના નાના નાના બાળકો સાથે આવી પહોંચ્યા હતા તો કેટલાક વૃદ્ધો પણ વ્યાજખોરોથી બચવા માટે ન્યાયની માગ સાથે પોલીસ પાસે પહોંચ્યા હતા.

અકલ્પનીય તગડુ વ્યાજ વસૂલતા વ્યાજખોરો નાણાં વસૂલવા માટે કાયદો હાથમાં લેતા પણ ખચકાતા નથી. કેટલાક કિસ્સામાં વ્યાજખોરો રૂપિયા વ્યાજે લેનારને માર મારી ઘર કે ઓફિસ પહોંચી ધાક-ધમકી આપતા હોય છે જેથી ગભરાઇને અગાઉ અનેક લોકોએ આપઘાત કર્યાની ઘટના બની છે. વ્યાજખોરો સામે ફરિયાદ નોંધવામાં પોલીસ સ્ટેશન સ્ટાફ દ્વારા ગલ્લા-તલ્લા કરવામાં આવતા હોવાના પણ આક્ષેપો થયા છે. ત્યારે લોકો બિન્દાસ્તપણે વ્યાજખોરો અંગે ફરિયાદ કરી શકે તે માટે પોલીસ કમિશનર દ્વારા લોકદરબારનું આયોજન કરવામાં આવ્યું હતું. લોકદરબારમાં અરજદારો આવી પહોંચ્યા હતા જેમની અરજી પોલીસે સ્વીકારી હતી અને ફરિયાદ આપવા ઈચ્છતા લોકોની આગામી દિવસોમાં ફરિયાદ લઇ વ્યાજખોર સામે ફરિયાદ નોંધવા કાર્યવાહી હાથ ધરવમાં આવશે.

રાજકોટ પોલીસ કમિશનર બ્રજેશ ઝાએ લોકોને પ્રવચન આપતા જણાવ્યું હતું કે, ગુજરાતીમાં કહેવત છે કે જેટલી ચાદર હોય તેટલા પગ પસારીએ… એટલે કે આપણે કોઈ પણ બર્થડે પાર્ટી હોય કે લગ્ન પ્રસંગ હોય આપણે આપણી કેપેસીટી મુજબ આયોજન કરવું જોઈએ. આજુ બાજુમાં લોકો કરોડો રૂપિયા ખર્ચે તો આપણે પણ કરોડો ખર્ચવા એવું ન જોવું જોઈએ. આ સાથે વ્યાજે રૂપિયા ન લેવા જોઈએ જરૂરિયાત હોય તો બેન્કમાંથી લેવા જોઈએ અથવા તો કોઈ જગ્યાએથી રૂપિયા વ્યાજે લેવામાં આવે તો તેનું ચોક્કસ લખાણ કરવું જોઈએ જેમાં કેટલા રૂપિયા કેટલી કિંમતે શું કન્ડિશનથી લેવામાં આવે તે અને પરત આપતી વખતે પરત આપ્યાનું લખાણ પણ કરવું જોઈએ અને વ્યવહારો ચેકથી જ કરવા જોઈએ જેથી તમામ પુરાવા મેળવી શકાય અને ગુનો બને તો ફરિયાદ પણ કરી શકાય.

વ્યાજખોરો સામે કડક કાર્યવાહી કરવા પોલીસ તૈયાર આ સાથે તેમને વધુમાં જણાવ્યું હતું કે, વ્યાજખોરો સામે કડક કાર્યવાહી કરવા માટે પોલીસ તૈયાર છે. પાછલા વર્ષે લોકદરબારનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં 60 જેટલી અરજી મળી હતી અને આ પૈકી 47 અરજીમાં ફરિયાદ દાખલ કરવામાં આવી હતી અને 65 આરોપીઓની ધરપકડ કરી 2 આરોપીઓ સામે પાસા હેઠળ ધકેલી કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. આ વખતે પણ આ ઝુંબેશ એક મહિના સુધી ખાસ ચલાવવામાં આવશે. જેટલી અરજીઓ મળશે તેમાં અભ્યાસ કરી ફરિયાદ દાખલ કરી આરોપીઓ સામે કડક કાર્યવાહી હાથ ધરવામાં આવશે.

જનસંપર્ક સભા અંતર્ગત અધિક પોલીસ કમિશ્નર મહેન્દ્ર બગડીયા તથા નાયબ પોલીસ કમિશ્નર સજ્જનસિંહ પરમાર ઝોન-1 તથા નાયબ પોલીસ કમિશ્નર જગદીશ બાંગરવા ઝોન-2, નાયબ પોલીસ કમિશ્નર (ટ્રાફીક) પુજા યાદવ, શહેરના તમામ મદદનીશ પોલીસ કમિશ્નર, તમામ પોલીસ સ્ટેશનના તમામ પોલીસ ઇન્સ્પેકટર, જોઇન્ટ કમિશ્નર ઓફ ઇન્ડસ્ટ્રીઝ અને જનરલ મેનેજર ઉધોગ કેન્દ્ર કે.વી.મોરી, જીલ્લા રજીસ્ટ્રાર ઓફ મનીલેન્ડર્સ વિશાલ કપુરીયા, રાજકોટ નાગરિક સહકારી બેન્કના ડીરેકટર હંસરાજભાઈ ગજેરા, રાજકોટ ડીસ્ટ્રીકટ કો ઓપરેટીવ બેન્કના સી.ઈ.ઓ. વી.એમ.સખીયા, રાજ બેન્કના ડેપ્યુટી જનરલ મેનેજર સંજીવ વીરપરીયા હાજર રહેલ હતા.

વ્યાજખોરના ત્રાસથી પિતરાઈ ભાઈની પત્નીએ મોત વ્હાલુ કર્યું

અરજદાર માધુભાઈ ગોહેલએ જણાવ્યું હતું કે, મારા કાકાના દીકરા ભાઈની પત્નીએ મહિલા વ્યાજખોરના કારણે આપઘાત કરી મોત વ્હાલું કરી દીધું છે આમ છતાં પોલીસ દ્વારા કોઈ કાર્યવાહી હાથ ધરવામાં આવી નથી. 2018થી આજ દિવસ સુધીમાં હું ન્યાય માટે અઢી કિલોની ફાઈલ સાથે લઈને લડી રહ્યો છું. લીલીબાઈ ડોડીયા રામનાથ પરા જૂની જેલ પાસે વ્યાજનો ધંધો કરે છે પરંતુ પોલીસ તેની સામે કોઈ કાર્યવાહી કરતી નથી અને મારી ફરિયાદ લેવામાં આવતી નથી. આ સાંભળતા સાથે પોલીસ કમિશનર બ્રજેશ ઝા એ તેમને મંગળવારે રૂબરૂ પોલીસ કમિશનર કચેરી બોલાવી અરજી અને ફરિયાદ આપવા જણાવ્યું હતું.

લોક દરબારમાં પોલીસને 26 અરજીઓ મળી

શહેર પોલીસ દ્વારા વ્યાજંકવાદ અંગે ભોગબનનાર જનસંપર્ક સભા યોજવામાં આવી હતી. જે જનસંપર્ક સભામાં જાહેર જનતાએ ભાગ લીધેલ અને શહેર પોલીસ દ્વારા તેઓને કાયદાથી માહિતગાર કરવામાં આવેલ હતા જે જનસંપર્ક સભામાં 26 અરજીઓ મળવામાં હોય જે ઉચ્ચ અધિકારીના માર્ગદર્શન હેઠળ લાગતા વળગતા પોલીસ સ્ટેશનમાં તપાસ અર્થે મોકલી આપવામાં આવી છે.જે અરજી બાબતે રાજકોટ શહેર પોલીસ દ્વારા ન્યાયીક તપાસ કરી ભોગબનારને ન્યાય અપાવવા માટે કાર્યવાહી કરવામાં આવશે.

જુનાગઢ જીલ્લામાં એક જ દિવસમાં 27 ગુના દાખલ કરી 38 વ્યાજખોરો સામે પગલાંથી ફફડાટ

જુનાગઢ જિલ્લામાં ગેરકાયદેસર રીતે નાણા ધિરધાર કરી સામાન્ય પ્રજાજનો પાસેથી ઉંચા વ્યાજના દર વસુલતા ઇસમો તથા લાયસન્સ વિના નાણા ધિરધારની પ્રવૃતિ કરતા ઇસમો વિરૂધ્ધ કાયદેસરની કાર્યવાહી કરી આવી ગેરકાયદેસર પ્રવૃતિ પર અંકુશ લાવવા સારૂ ખાસ ઝુંબેશના ભાગરૂપે એક જ દિવસમાં 27 જેટલાં ગુના દાખલ કરી 38 વ્યાજખોરો સામે પગલાં લેવામાં આવ્યા છે. પોલીસની ત્વરિત કાર્યવાહીથી વ્યાજખોરોમાં ફફડાટ મચી જવા પામ્યો છે.

બાળકની સારવાર માટે લીધેલા 10 લાખના 8 લાખ ચૂકવ્યા પણ વ્યાજખોરોનું 70 લાખ ચૂકવવા દબાણ

લોક દરબારમાં પિતા-પત્ની અને બાળક સાથે આવેલા ફરિયાદી આદિત્ય વસોયાએ જણાવ્યું હતું કે, 2021માં મારા પુત્રનો જન્મ થયો હતો. ત્યારે મૌલિક રાજાણી અને મોહિત રાજાણી પાસેથી 10 લાખ રૂપિયા બાળકની સારવાર માટે 5 ટકા લેખે વ્યાજે લીધા હતા. જો કે અમે 8 લાખ રૂપિયા પરત આપી દીધા છતાં 70 લાખની માંગણી કરી રહ્યા છે. ઘરે આવી ધાક ધમકી આપી પોલીસ અમારૂં કાંઈ નહિ કરે અમારા સંબંધીઓની લાગવગ છે અને બુકી છે તેવું કહી ધમકીઓ મારે છે. જયારે પીડિતના પત્નીએ કહ્યું હતું કે, મારા પુત્રને સારવાર માટે 6 મહિના દાખલ કરવામાં આવ્યો હતો. જેમાં અમે 25 લાખ રૂપિયાનો ખર્ચ કર્યો છે. તેમ છતાં વ્યાજખોરને અમે 8 લાખ ચૂકવી દીધા છે પણ હવે તે 70 લાખ રૂપિયાની માગ કરે છે.

I AM CRICKTER INDIAN ARMY

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.