સુરત બાદ હવે બોટાદમાં ટ્રેન ઉથલાવવાનો પ્રયાસ થયો હોવાનો બનાવ સામે આવ્યો છે. તેમાં બોટાદના કુંડલી ગામ નજીક રેલવે ટ્રેક પર કોઈએ મોડી રાત્રીના રેલવે ટ્રેક પર 4 ફૂટ ઊંચા લોખંડના પાટાનો ટુકડો ઊભો કરી દીધો હતો. તેના કારણે બોટાદના કુંડલી ગામ નજીક રેલવે ટ્રેક પર મોડી રાત્રીના ઓખાથી ભાવનગર જતી ટ્રેનનું એન્જિન બંધ થયું હતું. જો કે આ દુર્ઘટનામાં ટ્રેન સહીસલામત રીતે રેલવે ટ્રેક પર ઊભી રહી જતા હજારો જીવ બચી ગયા હતા અને કોઈ જાનહાનિ થઈ ન હતી . આ ઘટનાને લઈને રેલવે બોટાદ SP, DYSP, રેલવે અધિકારીઓ અને રેલવે પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી.
તેમાં પોલીસે ટ્રેન ઉથલાવાનો પ્રયાસ થયો હોય તેવી આશંકાએ તપાસ હાથ ધરી છે. રેલવે ટ્રેક પરથી લોખંડના ટુકડા મળ્યા હોવાની પ્રાથમિક વિગતો હાલ સામે આવી છે. હાલમાં જ બોટાદ પોલીસ, LCB, SOG સહિતની ટીમે આ બનાવ કઈ રીતે બન્યો તે અંગે ડ્રોન કેમેરાની મદદથી તપાસ હાથ ધરી છે.
ટ્રેનને પાટા પરથી ઉતારવાના વધી રહેલા પ્રયાસોને ધ્યાનમાં રાખીને કેન્દ્ર સરકાર રેલવે એક્ટમાં સુધારો કરવા જઈ રહી છે. આ અંગે ટૂંક સમયમાં નોટિફિકેશન બહાર પાડવામાં આવી શકે છે. આ અંતર્ગત અકસ્માતનું ષડયંત્ર રચવા બદલ કેસ નોંધવામાં આવશે. તેમજ આજીવન કેદથી લઈને મૃત્યુદંડ સુધીની સજાની જોગવાઈ પણ હશે.
રેલવે બોર્ડના એક અધિકારીએ જણાવ્યું કે, ટ્રેક પર બેરિકેડ લગાવવાના કાવતરાનો સામનો કરવા માટે સંવેદનશીલ વિસ્તારોમાંથી પસંદગીની પેસેન્જર ટ્રેનો પસાર કરતા પહેલાં પાઇલટ લોકો ચલાવવામાં આવે છે. આ સાથે રેલવે ટ્રેક પર પોલીસ અને ગેંગમેનની તપાસ વધારી દેવામાં આવી છે. આ સાથે રેલવે આગામી દિવસોમાં સંવેદનશીલ સ્થળોએ કેમેરા લગાવવાની તૈયારી કરી રહ્યું છે. તેમજ રેલવે એન્જિન પર પણ કેમેરા લગાવવાની યોજના છે, જેથી રિયલ ટાઈમ મોનિટરિંગ થઈ શકે. આવી સ્થિતિમાં ટ્રેક પર અવરોધની સ્થિતિમાં ડ્રાઇવરો અગાઉથી ટ્રેનને રોકી શકશે.