પોરબંદર પંથકમાં પણ મ્યુકરમાઈકોસીસનો પગપેસારો થયો છે. ત્યારે પોરબંદરની સરકારી કોવિડ હોસ્પિટલની ૫૦૦ જેટલા ઈન્જેકશનોની માંગ સામે માત્ર ૫૦ જેટલા ઈન્જેકશન જ હોસ્પિટલને ફાળવવામાં આવ્યા છે.
પોરબંદરની સરકારી કોવિડ હોસ્પિટલ ખાતે મ્યુકરમાઈકોસીસના ૮ જેટલા દર્દીઓ નોંધાયા હતા, જેને હાયર સેન્ટર ખાતે રીફર કરવામાં આવ્યા હતા. હાલ સરકારી કોવિડ હોસ્પિટલમાં મ્યુકરમાઈકોસીસના દર્દીઓની સારવાર માટે મહત્વના ગણી શકાય તેવા આધુનિક સાધનો પણ નથી જેના કારણે અન્ય સેન્ટર ખાતે આ દર્દીઓને રીફર કરવા પડે છે.
પ્રાપ્ત માહિતી મુજબ પોરબંદરની ખાનગી હોસ્પિટલે મ્યુકરમાઈકોસીસની સારવાર માટે જિલ્લા કલેકટર પાસે મંજુરી માંગી છે. મંજુરી મળતા જ ટુંક સમયમાં ખાનગી હોસ્પિટલમાં મ્યુકરમાઈકોસીસની સારવાર શરૂ કરવામાં આવશે. સામાન્ય રીતે આવા દર્દીઓને એક દિવસમાં ૩ થી ૪ જેટલા ઈન્જેકશનોની જરૂરીયાત રહેતી હોય છે, રાજ્ય સરકારે સરકારી હોસ્પિટલમાં આ પ્રકારના ઈન્જેકશનો આપવાનો નિર્ણય કર્યો છે અને સરકારી હોસ્પિટલમાં નિયત કરેલી રકમ ચૂકવી ખાનગી હોસ્પિટલના સંચાલકો આ ઈન્જેકશનો મેળવી શકશે.
ત્યારે પોરબંદરની સરકારી હોસ્પિટલ દ્વારા રાજ્ય સરકાર પાસે પ૦૦ જેટલા ઈન્જેકશનોની માંગણી કરવામાં આવી હતી પરંતુ તેની સામે માત્ર ૫૦ જેટલા ઈન્જેકશનો ફાળવવામાં આવ્યા છે.