સરકારી ઈજનેરી- ફાર્મસી તથા પોલિટેકનિકના અધ્યાપકોને હવે ઉચ્ચ અભ્યાસ માટે અભ્યાસ રજા મળશે. છેલ્લા કેટલાક સમયથી આ રજાઓ બંધ કરી દેવામાં આવી હોવાના પગલે અધ્યાપકો દ્વારા હાલમાં ચાલી રહેલા આંદોલનમાં આ મુદ્દો પણ સમાવવામાં આવ્યો હતો. જેના પગલે રાજ્યના શિક્ષણ વિભાગ દ્વારા અધ્યાપોકને અભ્યાસ રજા મંજુર કરવા માટે ઠરાવ પ્રસિધ્ધ કર્યો છે. જેમાં અધ્યાપકોને એમ.ઈ.-એમ.ટેક.- એમ.ફાર્મ. અને પીએચડી માટે અભ્યાસ રજા મળશે. જોકે, સમગ્ર નોકરી દરમિયાન 2 વર્ષની જ અધ્યાપકોને ઉચ્ચ અભ્યાસ માટે અભ્યાસ રજા આપવામાં આવશે.
અધ્યાપકોને એમ.ઈ.-એમ.ટેક.- એમ.ફાર્મ. અને પીએચડી અભ્યાસ કરવા રજા લઇ શકશે
રાજ્યની સરકારી ઈજનેરી- પોલીટેકનિક કોલેજોના અધ્યાપકોને એમ.ઈ.-એમ.ટેક. અને પીચએડીના ઉચ્ચ અભ્યાસ માટે પ્રતિનિયુક્તિ- અભ્યાસ રજાથી મોકલવાની યોજના અમલમાં હતી. જેમાં ફેરફાર કરી 2016માં વાર્ષિક એમ.ઈ.-એમ.ટેક. માટે 80 અને પીએચડી માટે 50 અધ્યાપકોને અભ્યાસ રજા મંજુર કરવાનું ઠરાવવામાં આવ્યું હતું. જોકે, ત્યારબાદ આ ઠરાવ રદ કરવામાં આવ્યો હતો. જેથી સરકારી ઈજનેરી- પોલિટેકનિકોના અધ્યાપકોને કેરિયર એડવાન્સમેન્ટ સ્કીમ અંતર્ગત ઉચ્ચ અભ્યાસ મુજબના લાભો મળી રહે તે માટે યોજના અમલમાં મુકવાની સરકારની વિચારણા હતી.
દરમિયાન, સરકાર દ્વારા આ અંગે ઠરાવ બહાર પાડવામાં આવ્યો છે. જે મુજબ સરકારી ઈજનેરી- પોલીટેકનિકલ, ફાર્મસી કોલેજોના અધ્યાપકોને એમ.ઈ.- એમ.ટેક.- એમ.ફાર્મ. અને પીએચડી ડિગ્રીના ઉચ્ચ અભ્યાસ માટે અભ્યાસ રજા મંજુર કરવાની સત્તા ટેક્નિકલ શિક્ષણ કમિશનરની કચેરીને આપવામાં આવી છે.