આરબીઆઈ દ્વારા એનબીએફસી બેંકો માટે નિયમો કરાયા હળવા: તરલતામાં વધારો થતા એનબીએફસી ક્ષેત્ર થશે બેઠું
ભારતની અર્થવ્યવસ્થાને બેઠી કરવા માટે અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું જે સપનું છે કે, દેશની અર્થ વ્યવસ્થા ૫ ટ્રિલીયન ડોલરે પહોંચે અને જીડીપી ૮ ટકાએ રહે તે માટે તમામ પ્રયત્નો હાથ ધરવામાં આવી રહ્યાં છે ત્યારે કેન્દ્ર સરકાર દ્વારા એક મહત્વપૂર્ણ પગલું લેવામાં આવ્યું છે જેમાં રીઝર્વ બેંક ઓફ ઈન્ડિયાએ એનબીએફસી ક્ષેત્રને ખુબ જ મોટી રાહત આપી છે અને વિદેશી ધિરાણો માટેનો જે સમય મર્યાદા નિર્ધારિત કરાઈ હતી તેમાં વધારો કરી ૭ વર્ષનો સમય નકકી કરવામાં આવ્યો છે જેથી એનબીએફસી ક્ષેત્રમાં તરલતાનો પણ વધારો થશે અને એનબીએફસી ક્ષેત્ર પાસે જે લોન લેનાર ડિફોલ્ટરો છે તેને પણ રાહત મળી રહેશે.
સરકાર દ્વારા તમામ પ્રયત્નો આર્થિક સ્થિરતા અને અર્થવ્યવસ્થાને મજબુત કરવા માટે લેવામાં આવી રહ્યાં છે ત્યારે દેશની અર્થવ્યવસ્થા માટે નોન બેન્કિંગ ફાયનાન્સ કંપનીનું મહત્વ ખુબ જ વધું છે ત્યારે ભારતમાં એનબીએફસી ક્ષેત્ર સહેજ પણ બેઠું થયું ન હતું અને વિલફુલ ડિફોલ્ટરોનાં કારણે એનબીએફસી ક્ષેત્રની બેંકોમાં એનપીએમાં પણ વધારો જોવા મળતો હતો ત્યારે જે ભરોસો લોકોને સર્વેપ્રથમ નોન બેન્કિંગ ફાયનાન્સ કંપની તરફ રહેતો હતો તે હવે ઓછો જોવા મળી રહ્યો છે પરંતુ રીઝર્વ બેંક ઓફ ઈન્ડિયા દ્વારા જે નવા નિયમો એનબીએફસી માટે લાગુ કરવામાં આવ્યા છે તે જોતાં તે વાત સ્પષ્ટ થાય છે કે, એનબીએફસી ફરીથી બેઠું થશે અને લોકોની સહાયતામાં પોતાનો અહમ ભાગ ભજવશે.
રીઝર્વ બેંક ઓફ ઈન્ડિયા દ્વારા જે નોનબેન્કિંગ ફાયનાન્સ કંપની માટે નિયમો હળવા કર્યા છે જેમાં મુખ્ય મુદ્દો જે ચર્ચામાં આવી રહ્યો છે તે એ છે કે, હવે એનબીએફસી ક્ષેત્ર વિદેશી ધિરાણોને ૭ વર્ષ સુધી તેનો વપરાશ કરી શકશે જેથી બજારમાં તરલતા પણ જોવા મળશે. દેશમાં જયારે ૫ ટ્રિલીયન ડોલર ઈકોનોમીની વાત કરવામાં આવી રહી છે ત્યારે તે સ્તર પર પહોંચવા માટે ઈનોવેશન ઈન્ફ્રાસ્ટ્રકચર ડેવલોપમેન્ટ સહિત અનેક મુદાઓ પર દેશે ધ્યાન કેન્દ્રિત કરવું પડશે પરંતુ મુખ્ય મુદ્દો તો એ છે કે, જો બજારમાં તરલતા નહીં હોય તો વિકાસ કઈ રીતે કરવો તે મુખ્ય પ્રશ્ર્ન ઉદભવિત થઈ શકશે જેના માટે સર્વપ્રથમ બજારમાં રૂપિયો ફરતો થશે એટલે કે તરલતા જોવા મળશે. પટકાયેલા તમામ વિકાસનાં કામો ફરીથી ચાલુ થશે અને અર્થવ્યવસ્થાને વેગ મળશે જેના માટે આરબીઆઈ દ્વારા સર્વપ્રથમ એનબીએફસી ક્ષેત્રને બેઠુ કરવા માટે આ મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. બજારમાં રૂપિયો ખુબ જ ઓછો હોવાથી એનબીએફસી ક્ષેત્રએ અન્ય બેંકો પર આધાર અને મદાર રાખવો પડતો હતો પરંતુ નવા નિયમો બાદ તેમને મળતાં ફંડને અન્ય જગ્યા પર રોકી વધુ વળતર મેળવી શકશે. સાથોસાથ રીઝર્વ બેંક ઓફ ઈન્ડિયાએ એનબીએફસીને ૭૫૦ મિલીયન ડોલર પ્રતિ એક નાણાકીય વર્ષ માટે વિદેશથી લેવા માટે સમતી દાખવી છે. પંજાબ નેશનલ બેંક હાઉસીંગે માહિતી આપતા જણાવ્યું હતું કે, તેઓએ ગત પાંચ વર્ષમાં ઈન્ટરનેશનલ ફાયનાન્સ કોર્પોરેશન પાસેથી ૧૦૦ મિલીયન ડોલરની સહાય લીધી હતી
ત્યારે હવે એનબીએફસી ક્ષેત્ર ફરીથી બેઠું થશે અને જે તરલતાનો અભાવ જોવા મળતો હતો તે પણ પ્રશ્ન હવે નહીં રહે.