પોસ્ટ ઓફિસોને વિવિધ સેવાઓનું કેન્દ્ર બનાવવા માટે ખાસ બીલને રાજ્યસભાની મંજૂરીની મહોર લાગી છે. રાજ્યસભાએ સોમવારે વોઇસ વોટ દ્વારા પોસ્ટ ઓફિસ બિલ, 2023ને મંજૂરી આપી હતી. તેનો ઉદ્દેશ્ય ભારતીય પોસ્ટ ઓફિસ એક્ટ, 1898ને રદ્દ કરવાનો અને દેશમાં પોસ્ટ ઓફિસો સંબંધિત કાયદાને એકીકૃત કરવા અને તેમાં સુધારો કરવાનો છે.
પોસ્ટ ઓફિસ બીલ રાજ્યસભામાં પસાર: 125 વર્ષ જૂના પોસ્ટ ઓફિસ કાયદામાં થશે ધરખમ સુધારા
પોસ્ટ ઓફિસોની વિકસતી ભૂમિકાને ધ્યાનમાં રાખીને પ્રસ્તાવિત ફેરફારો કરવામાં આવ્યા છે. તેમને નાગરિક કેન્દ્રિત સેવાઓના કેન્દ્રો તરીકે વિકસાવવાની યોજના છે. આ બિલ 125 વર્ષ જૂના પોસ્ટ ઓફિસ કાયદામાં સુધારો કરવા માટે લાવવામાં આવ્યું છે. દેશભરમાં પોસ્ટ, પોસ્ટ ઓફિસ અને પોસ્ટમેન પર ભરોસો છે. પોસ્ટ ઓફિસ બિલ (2023) 10 ઓગસ્ટ 2023ના રોજ રાજ્યસભામાં રજૂ કરવામાં આવ્યું હતું. તે ભારતીય પોસ્ટ ઓફિસ એક્ટ (1898)નું સ્થાન લેશે. તેના નેટવર્ક દ્વારા વિવિધ નાગરિક-કેન્દ્રિત સેવાઓની ડિલિવરીનો સમાવેશ કરવા માટે તેને લાવવામાં આવ્યું છે.
સરકાર પોસ્ટ ઓફિસોને પુન:જીવિત કરવામાં વ્યસ્ત છે જે લાંબા સમયથી પ્રાસંગિકતા ગુમાવી રહી છે. તે તેમને સેવા આપતી સંસ્થા બનાવવા માંગે છે. તેને બેંકોમાં રૂપાંતરિત કરવા માટે છેલ્લા નવ વર્ષમાં અનેક પ્રયાસો કર્યા છે. પોસ્ટ ઓફિસો વ્યવહારીક રીતે બેંકોમાં પરિવર્તિત થઈ ગઈ છે. જો આપણે પોસ્ટ ઓફિસના વિસ્તરણ પર નજર કરીએ તો 2004 થી 2014 વચ્ચે 660 પોસ્ટ ઓફિસ બંધ થઈ ગઈ હતી. તે જ સમયે, 2014 થી 2023 ની વચ્ચે, લગભગ 5,000 નવી પોસ્ટ ઓફિસો ખોલવામાં આવી હતી અને લગભગ 5746 પોસ્ટ ઓફિસો ખોલવાની પ્રક્રિયામાં છે.
પોસ્ટ ઓફિસમાં ત્રણ કરોડથી વધુ સુક્ધયા સમૃદ્ધિ ખાતા ખોલવામાં આવ્યા છે. તેમાં એક લાખ 41 હજાર કરોડ રૂપિયા જમા થયા છે. અશ્વિની વૈષ્ણવના જણાવ્યા અનુસાર, પોસ્ટ ઓફિસ એક્સપોર્ટ ફેસિલિટી એક એવી સુવિધા છે જેમાં દેશના દૂરના ભાગમાં રહેતો કોઈપણ વ્યક્તિ વિશ્વમાં ક્યાંય પણ પોતાનો માલ એક્સપોર્ટ કરી શકે છે. હાલમાં 867 પોસ્ટલ એક્સપોર્ટ સેન્ટર ખોલવામાં આવ્યા છે. જેમાંથી રૂ.60 કરોડથી વધુની નિકાસ કરવામાં આવી છે. આ બિલ લાવવાનો મુખ્ય ઉદ્દેશ્ય પોસ્ટ ઓફિસોને પત્ર સેવામાંથી સેવા પ્રદાતાઓમાં પરિવર્તિત કરવાનો અને પોસ્ટ ઓફિસોને બેંકોમાં રૂપાંતરિત કરવાનો છે.
બિલની મુખ્ય વિશેષતાઓ
- અત્યંત સ્પર્ધાત્મક સ્થાનિક કુરિયર ક્ષેત્રમાં પોસ્ટ વિભાગને અગ્રેસર રાખવું
- પોસ્ટલ ઓફિસર્સની સત્તા વધશે, કોઈ પાર્સલ ઉપર શંકા હોય તો તે પાર્સલ કસ્ટમ અધિકારીને મોકલી શકશે
- કેન્દ્ર સરકાર અધિકારીની નિમણૂક કરશે. જો તે અધિકારીને લાગે છે કે કોઈ પાર્સલ રાષ્ટ્રની સુરક્ષાની વિરુદ્ધ છે તો તે અધિકારી પાર્સલને રોકી શકે છે ચેક પણ કરી શકે છે.
- લોકોનું પાર્સલ ખોવાઈ જાય અથવા વિલંબ થાય અથવા નુકસાન થાય તો પોસ્ટલ અધિકારી સામે કેસ દાખલ કરવો પડે છે. પરંતુ, બિલ કાયદો બન્યા બાદ આ શક્ય નહીં બને
- પોસ્ટ ઓફિસને ટપાલ ટિકિટ બહાર પાડવાનો અધિકાર મળશે.
પોસ્ટ વિભાગના ખાનગીકરણનો કોઈ પ્રયાસ નથી: મંત્રીની સ્પષ્ટતા
અશ્વિની વૈષ્ણવે પોસ્ટ ઓફિસના ખાનગીકરણ અંગે વિપક્ષી સભ્યોની આશંકાઓને ફગાવી દીધી છે. તેમણે કહ્યું છે કે આનો સવાલ જ ઊભો થતો નથી. ટપાલ સેવાઓના ખાનગીકરણ માટે બિલમાં ન તો કોઈ જોગવાઈ છે કે ન તો સરકારનો એવો કોઈ ઈરાદો છે. તેમણે કહ્યું કે આ કાયદા દ્વારા ઘણી પ્રક્રિયાઓને સરળ બનાવવામાં આવી છે. સુરક્ષા સંબંધિત પગલાં પણ લેવામાં આવ્યા છે. વૈષ્ણવના મતે, આ પ્રક્રિયાને પારદર્શક બનાવશે. આ બિલનો હેતુ ટપાલ સેવાઓનો વિસ્તાર કરવાનો છે.