- કેન્દ્રના કાયદા વિભાગે પરિપત્ર જાહેર કર્યો : કોઈ નોટરી આ પ્રકારની કાર્યવાહી કરશે તો પગલાં લેવાશે
કેન્દ્રના કાયદા વિભાગે તાજેતરમાં મહત્ત્વનો પરિપત્ર જાહેર કરી આદેશ આપ્યો છે કે, હવેથી નોટરી લગ્ન કે છૂટાછેડા અંગેના એફિડેવિટ કરી શકશે નહીં. આ આદેશ જાહેર કર્યા પછી જો કોઇ નોટરી લગ્ન કે છૂટાછેડા અંગેના કરારો કરશે તો તેમની સામે કાયદાકીય પગલા લેવામાં આવશે તેવું સ્પષ્ટ પરિપત્રમાં જણાવવામાં આવ્યું છે.
સામાન્ય રીતે લગ્ન કે છૂટાછેડા માટે નોટરી પાસેથી કરાર કરી લેવામાં આવતો હોય છે. આ પ્રકારે કરાર કરનારો વર્ગ ખુબ મોટો છે પણ હવે લગ્ન કે છૂટાછેડા અંગેનો કરાર નોટરી કરી શકશે નહિ તેવો આદેશ કેન્દ્ર સરકારના કાયદા વિભાગે જાહેર કર્યો છે. કાયદા વિભાગે જણાવ્યુ છે કે, નોટરીએ મેરેજ ઓફિસર નથી જેથી તેઓ હવે આ પ્રકરના એફિડેવિટ કરી શકશે નહિ. જો કોઈ આ આદેશનો ભંગ કરશે તો કાયદેસરના પગલાં લેવામાં આવશે.
નોટરીના કાર્યો અને ફરજો નોટરી એક્ટ 1952ની કલમ 8 માં દર્શાવેલ છે. નોટરી દ્વારા વેપારનો વ્યવહાર નોટરી નિયમો 1956ના નિયમ 11 દ્વારા નિયંત્રિત થાય છે. લગ્ન અથવા છૂટાછેડાની એફિડેવિટને અમલ નોટરીનું કાર્ય નથી. નોટરીને લગ્ન અથવા છૂટાછેડાનું સોગંદનામું નોટરાઇઝ કરવા માટે અધિકૃત કરતા નથી. નોટરી લગ્ન અથવા છૂટાછેડા ખતને અમલમાં મૂકવા માટે સક્ષમ નથી. લગ્ન અધિકારી તરીકે નોટરીની નિમણૂક કરાઈ નથી. જેને ધ્યાનમાં રાખી નોટરીએ લગ્ન-છૂટાછેડાના કાર્યો કરવાથી પોતે દૂર રહેવું જોઈએ. તેઓ મેરેજ ઓફિસર તરીકે નિયુકત થયા નથી. તેમના તરફથી આવી ક્રિયાઓ હાલના કાયદાની વિરુદ્ધ છે.
સમાજની એક વર્ગ એવો છે કે, જે સમાજમાં પંચ ભેગુ થઇને છૂટાછેડાનો નિર્ણય લે છે. એવા સમાજોની સંખ્યા વિશાળ છે. આ લોકોએ હવે સબ રજિસ્ટ્રાર ઓફિસમાં છૂટાછેડા માટે ફરજિયાત રજિસ્ટ્રેશન કરાવવું પડશે. નોટરીને લગ્ન નહીં કરાવવા તેમજ છૂટાછેડા નહીં કરવાની સત્તા પર કેન્દ્રે કાપ મૂક્યો છે. જેની સૌથી વધુ અસર સમાજમાં પંચ દ્વારા છૂટાછેડા માન્ય રખાય છે એવા લોકોના કામ અટકી જશે.
રૂઢિગત ચાલી આવતા પરંપરામાં છુટ અપાશે કે કેમ તે જોવું રહ્યું : પ્રકાશસિંહ ગોહિલ
રાજકોટ નોટરી એસોસીએશનના પ્રમુખ પ્રકાશસિંહ ગોહિલ અબતક સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, હાલ સુધી લગ્ન અને છૂટાછેડાના કરાર નોટરી કરી રહ્યા હતા પણ હવે તે અંગે કાયદા વિભાગે પોતાનો આદેશ જાહેર કર્યો છે. તેમણે જણાવ્યું હતું કે, સમાજનો એક ચોક્કસ વર્ગ છે કે જે રૂઢિચુસ્ત રીતે ચાલતો આવ્યો છે. આ વર્ગ લગ્ન કે છૂટાછેડાનો કરાર નોટરી મારફત કરી લેતા હોય છે ત્યારે હવે આવા કેસોમાં છુટ આપવામાં આવશે કે કેમ? તે જોવું રહ્યું. તેમણે વધુમાં જણાવ્યું હતું કે, હાલના તબક્કે એક બાબત સ્પષ્ટ છે કે, નોટરીએ એલર્ટ થઇ જવાની જરૂરિયાત છે.
નોટરીના કરાર પર બ્રેક મારવાનું કારણ શું?
નિષ્ણાંતોના જણાવ્યા અનુસાર ઘણીવાર બળજબરીથી કે પછી સ્ત્રી પાત્રને અંધારામાં રાખીને નોટરાઇઝ લખાણ પર સહી લઇ લેવામાં આવતી હોય છે. જેથી છૂટાછેડાનો કરાર થઇ જતો હોય છે હવે આવી પરિસ્થિતિમાં સ્ત્રી પાત્રને છૂટાછેડા થઇ ગયાંની જાણ સુધા પણ હોતી નથી ત્યારે આવી ઘટનાઓને રોકવા માટે કાયદા વિભાગે ફફ નિર્ણય લીધાનું નિષ્ણાંતો જણાવી રહ્યા છે.