પાકિસ્તાનના જૈશ-એ-મહમદનો દેશમાં ડ્રગ્સ ઘુસાડવાના કારસ્તાનનો પર્દાફાશ
અફઘાનિસ્તાનમાં અફીણનું ઉત્તપાદન કરી પાક.ના બહાવલપુરમાં પ્રોસેસથી
હેરોઈન બનાવાયા બાદ ભારત અને યુરોપમાં મોકલાય છે
દેવભૂમિ દ્વારકાના સલાયામાંથી ગુજરાત એન્ટી-ટેરેરીઝમ સ્કવોર્ડ (એટીએસ) દ્વારા તાજેતરમાં ૫ કિલો હેરોઈનનું કન્સાંઈમેન્ટ ઝડપાયું હતું. આ જથ્થો ભારતમાં ઘુસાડવા પાછળ પાકિસ્તાનથી આતંકવાદી સંગઠન જૈસ એ મહમદનું ષડયંત્ર હોવાનો ઘટસ્ફોટ થયો છે. એટીએસના અધિકારીઓ હેરોઈન કૌભાંડમાં પાકિસ્તાનના આતંકીઓનો હાથ હોવાની શંકા કરી રહ્યાં હોવાનું જાણવા મળે છે.
દાણચોરી માટે કુખ્યાત એવા સલાયાના સોડસલા ગામની સીમમાંથી રૂ.૧૫ કરોડનું હેરોઈન પકડાયું હતું. જામખંભાળિયા તાલુકાના સલાયાથી ચાર કિ.મી. દૂર આવેલા આ ગામની વાડી પાસેના એક વોકળામાં માદક પર્દાનો જથ્થો છુપાવવામાં આવ્યો હોવાની બાતમીના આધારે એટીએસએ કાર્યવાહી કરી હતી. આ હેરોઈનકાંડનું પગે આતંકી સંગઠન અને પાકિસ્તાન સુધી પહોંચ્યું છે.
વિગતો અનુસાર અફઘાનિસ્તાનમાં અફીણનું ઉત્પાદન કરવામાં આવ્યા બાદ તેને પાકિસ્તાનના બહાવલપુરમાં પ્રોસેસ કરવામાં આવે છે જયાં અફીણમાંથી હેરોઈન બનાવાય છે અને ભારત તેમજ યુરોપના દેશોમાં ઘુસાડવામાં આવે છે.
ચાર માસ પૂર્વે માંડવી ખાતે કેટલાક શખ્સોએ રૂ.૩૦૦ કરોડના હેરોઈનનો જથ્થો ઉતાર્યો હતો. આ જથ્થા પૈકીનો રૂ.૧૫૦૦ કરોડનો જથ્થો સલાયા પાસેથી પકડાયો હતો. જેમા એટીએસ દ્વારા અબ્દુલ અઝીજ બાઘડ અને આરીફ સુમરાની ધરપકડ કરી હતી. બન્ને આરોપીઓની પુછપરછ દરમિયાન અનેક બાબતોનો ઘટસ્ફોટ થયો છે. ચાર મહિના પહેલા પાકિસ્તાનથી એક બોટમાં ૧૦૦ કિલો હેરોઈનનો કન્સાંઈમેન્ટ લવાયું હતું. જે પૈકીનું કેટલુંક ઉત્તર ભારતમાં વેંચી નખાયું હતું.
તપાસમાં જાણવા મળ્યું છે કે, વર્ષ ૨૦૧૪માં ઓસ્ટ્રેલીયન નેવીએ દરીયામાંથી અબજો રૂપિયાની કિંમતનું ૩૫૦ કિલો હેરોઈન ઝડપી પાડયું હતું તે સમયે ડ્રગ્સ ઘુસાડનાર ચેનલ જ આ ૧૦૦ કિલો હેરોઈન ઘુસાડવા પાછળ સક્રિય છે. પાકિસ્તાનના આતંકી સંગઠન જૈન એ મહમદનો હેરોઈનકાંડમાં હાથ હોવાની શંકા છે.