ભાજપનો ચૂંટણીલક્ષી એજન્ડા: જન આશિર્વાદ યાત્રા થકી નવા મંત્રીઓની ઓળખ પરેડ: રૂટ ફાઈનલ કરવા બેઠકોનો ધમધમાટ

ગુજરાતમાં સત્તાધારી પાર્ટી ભાજપ દ્વારા નેતૃત્વ પરિવર્તન કરવામાં આવ્યું છે. નવનિયુક્ત મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ સરકારના પ્રધાન મંડળની ઓળખ પરેડ કરાવવા માટે આગામી ગુરૂવારથી રાજ્ય સરકાર દ્વારા જન આશિર્વાદ યાત્રા કાઢવામાં આવશે. જેમાં અલગ અલગ પ્રધાનો અલગ અલગ વિસ્તારોમાં જઈ લોકોને સરકારી યોજનાઓનો લાભ અંગે માહિતગાર કરશે. ભાજપની આ ચૂંટણીલક્ષી જન આશિર્વાદ યાત્રા 30 સપ્ટેમ્બરથી 3 ઓકટોબર અને 8 ઓકટોબરે યોજાશે. જેમાં 25 ગાડીઓનો કાફલો પણ જોડાશે. આજે સાંજ સુધીમાં મંત્રીઓની જન આશિર્વાદ યાત્રાનો રૂટ ફાઈનલ કરી દેવામાં આવશે.

સૌરાષ્ટ્રની વાત કરવામાં આવે તો ગુરુવારે જૂનાગઢ જિલ્લામાં રાજ્ય સરકારના મંત્રી આર.સી.મકવાણા અને ભાવનગર જિલ્લામાં વિનુભાઈ મોરડીયાની યાત્રા યોજાશે. 1લી ઓકટોબરના રોજ ગીર સોમનાથ જિલ્લામાં આર.સી.મકવાણાની જ્યારે જૂનાગઢ જિલ્લામાં દેવાભાઈ માલમની જન આશિર્વાદ યાત્રા યોજાશે. બીજી ઓકટોબરના રોજ સુરેન્દ્રનગર જિલ્લામાં દેવાભાઈ માલમની ત્રીજી ઓકટોબરે અમરેલી જિલ્લામાં આર.સી.મકવાણાની, મોરબી જિલ્લામાં બ્રિજેશ મેરજાની, ભાવનગર શહેરમાં જિતુભાઈ વાઘાણી, સુરેન્દ્રનગરના લીંબડીમાં કિરીટસિંહ રાણા અને રાજકોટ જિલ્લામાં જીતુભાઈ વાઘાણીની જન આશિર્વાદ યાત્રા નિકળશે જ્યારે ત્રીજી ઓકટોબરે અરવિંદભાઈ રૈયાણી મોરબી અને રાજકોટ શહેરમાં લોકોના આશિર્વાદ લેવા નિકળશે. પોરબંદર ખાતે બ્રિજેશ મેરજાની યાત્રા યોજાશે. બાદ ત્રણ દિવસ વિરામ રહેશે અને 8મી ઓકટોબરના રોજ જૂનાગઢ શહેરમાં રાઘવજીભાઈ પટેલ, બોટાદમાં અરવિંદભાઈ રૈયાણી અને સુરેન્દ્રનગરમાં બ્રિજેશભાઈ મેરજાની જન આશિર્વાદ યાત્રા નિકળશે.

અત્રે ઉલ્લેખનીય છે કે, ગત મહિને ગુજરાતમાં કેન્દ્રીય મંત્રીઓની જન આશિર્વાદ યાત્રા યોજાઈ હતી. જેને પગલે હવે રાજ્યના નવનિયુક્ત મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલે પણ પોતાના તમામ મંત્રીઓની જનતા સમક્ષ ઓળખ પરેડ કરાવવા માટે જન આશિર્વાદ યાત્રા કાઢવાનું નક્કી કર્યું છે. જેનો આરંભ આગામી ગુરુવારથી થશે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.