• કરણી સેનાના અઘ્યક્ષ રાજ શેખાવતની ભાજપ કાર્યાલયે ધેરાવ કરવાની હાંકલ

રાજા-રજવાડા અંગે કરેલી ટીપ્પણી બાદ બબ્બે વખત માફી માંગવા છતાં રાજકોટ લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર અને કેન્દ્રીય કેબિનેટ મંત્રી પરષોતમભાઇ રૂપાલા સામેનો ક્ષત્રીય સમાજનો વિરોધ શાંત થવાના બદલે દિન પ્રતિદિન ઉગ્ર બની રહ્યો છે. ધંધુકામાં ગઇકાલે ક્ષત્રીય સમાજનું એક વિશાળ સંમેલન મળ્યું હતું. આગામી દિવસોમાં રાજકોટ ખાતે ક્ષત્રીય સમાજનું મહાસંમેલન યોજવાની પણ તૈયારી કરવામાં આવી રહી છે. દરમિયાન કરણી સેનાના અગ્રણી રાજ શેખાવતે આવતીકાલે પ્રદેશ ભાજપ કાર્યાલય કમલમ ખાતે ઘેરાવ કરવાની ચીમકી આપી છે. ક્ષત્રીયો કેસરી ઝંડા અને મજબૂત ડંડા લઇને કમલમ ખાતે પહોંચે તેવી હાંકલ કરવામાં આવી છે. રાજયભરમાં ભાજપ કાર્યાલય ખાતે પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે.

ભાજપ દ્વારા પરષોતમભાઇ રૂપાલાની ટિકીટ રદ કરવામાં આવે તેવી માંગણી પર ક્ષત્રીય સમાજ અડગ છે. બબ્બે વાર માફી માંગવા છતા કશું જ નમતું તોળવા ક્ષત્રીયો તૈયાર નથી. હવે વાત વટ પર આવી ગઇ છે. બન્ને તરફ હવે વટનો સવાલ થઇ ગયો હોય તેવું લાગી રહ્યું છે. હાલ શાંતિપુર્ણ માહોલમાં આંદોલન ચલાવી રહેલો ક્ષત્રીય સમાજ હવે આંદોલનને વધુ ઉગ્ર બનાવવાની રણનીતી ઘડી રહ્યા છે. ગઇકાલે ધંધુકા સાથે યોજાયેલા સંમેલનને સફળતા મળ્યા બાદ હવે રાજકોટ ખાતે મહાસંમેલન યોજવાની તૈયારીઓ કરવામાં આવી છે. દરમિયાન કરણી સેનાના રાજ શેખાવતે આવતીકાલે બપોરે બે કલાકે પ્રદેશ ભાજપ કાર્યાલય કમલમનો ધેરાવ કરવાનું  આહવાન કર્યુ છે. ક્ષત્રીય સમાજના લોકોને કેસરિયા ઝંડા અને મજબૂત ડંડા લઇ કમલમ ખાતે પહોચવા હાંકલ કરવામાં આવી છે.

આ ચિમકીના પગલે ભાજપ કાર્યાલય ખાતે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. માત્ર પ્રદેશ કાર્યાલય કમલમ ખાતે જ નહી રાજયભરમાં ભાજપ કાર્યાલય અને ભાજપના ચુંટણી મઘ્યસ્થ કાર્યાલયે પણ પોલીસ ગોઠવી દેવામાં આવ્યો છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.