રાજ્યમાં છેલ્લા કેટલાક સમયથી લાયબ્રેરીમાં વિદ્યાર્થીઓની સંખ્યામાં વધારો જોવા મળી રહ્યો છે. આજના યુવાનોમાં સરકારી નોકરીનો વધુ ક્રેઝ જોવા મળી રહ્યો છે. સ્પર્ધાત્મક પરિક્ષાની તૈયારી કરવા માટે મોટાભાગના યુવાનો પોતાના શહેરમાં આવેલી લાયબ્રેરીનો સહારો લઇ રહ્યાં છે. જો કે ઘણી લાયબ્રેરી વર્ષો જૂની છે. ત્યારે રાજ્યના વાંચન-સાહિત્ય પ્રેમીઓ, યુવાઓ, વિદ્યાર્થીઓને સમયાનુકુલ વાંચન-સંર્દભ સાહિત્ય સાથે ગ્રંથાલયોમાં અદ્યતન સુવિધાઓ પૂરી પાડવાના ઉદેશ્યથી પાંચ જિલ્લા ગ્રંથાલયોને સ્માર્ટ લાયબ્રેરી તરીકે વિકસાવવામાં આવશે.
રાજ્ય સરકાર દ્વારા મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે જેમાં રાજ્યના અમદાવાદ, વડોદરા, રાજકોટ, મહેસાણા અને જૂનાગઢના સરકારી જિલ્લા ગ્રંથાલયો પ્રત્યેક માટે રૂ. ૧ કરોડ પ્રમાણે કુલ રૂ. પાંચ કરોડના ખર્ચે સ્માર્ટ લાયબ્રેરી તરીકેનો અદ્યતન ઓપ આપવાની મંજૂરી આપી છે.
મુખ્યમંત્રી વિજય રૂપાણીના આ નિર્ણય અનુસાર આ પાંચ ગ્રંથાલયોમાં વાંચન તેમજ અભ્યાસ માટે આવનારા યુવાઓ, વાંચન-સાહિત્ય પ્રેમીઓ માટે આ તમામ ગ્રંથાલયોમાં વાઇફાઇ નેટવર્ક, આર.એફ.આઇ.ડી સિસ્ટમ, કોમ્પ્યુટર હાર્ડવેર, સોફટવેર, ઓડિયો વિઝયુઅલ સિસ્ટમની સુવિધા અને સી.સી.ટીવી કેમેરા ઉપલબ્ધ બનાવાશે
આ સ્માર્ટ લાયબ્રેરીમાં વાંચન-અભ્યાસ માટે આવનારા લોકો-યુવા વિદ્યાર્થીઓ માટે અદ્યતન ફર્નિચર, આર.ઓ પ્લાન્ટ, ફાયર સિસ્ટમ અને રિફ્રેશમેન્ટ ઝોન પણ વિકસાવવાની સૈદ્ધાંતિક મંજૂરી મુખ્યમંત્રીએ આપી છે. મુખ્યમંત્રી વિજય રૂપાણીએ રાજ્યના સરકારી ગ્રંથાલયોને અદ્યતન સુવિધાસભર બનાવવાની રાજ્ય સરકારની પ્રતિબદ્ધા રૂપે આ પાંચ જિલ્લા ગ્રંથાલયોને આધુનિક સ્માર્ટ લાયબ્રેરી તરીકે વિકસાવવાનો અભિગમ અપનાવ્યો છે.