ઘૂસવાની ફીરાકમાં ૧૩ આતંકી ઠાર એલઓસી નજીક ઠાર કરાયેલા પાંચ આતંકી ફીદાઇન
જમ્મુ-કાશ્મીરમાં કેટલાક સ્થાનિક લોકો દ્વારા આતંકીઓને પનાહ આપવામાં આવી રહી હોવાની વાત જગજાહેર છે. આતંકીઓ જમ્મુ કાશ્મીર સહિતના ભારતીય ક્ષેત્રોમાં જાન-માલનું નુકશાન કરી કાશ્મીર-ખીણના મકાનોમાં આશરો લે છે. પરિણામે આવા આતંકીઓને શોધી કાઢવા મુશ્કેલ બને છે. આતંકીઓને પકડવા દરેક મકાનની તલાશી લેવી પડે છે. જેમાં સ્થાકિનો પણ પરેશાન થાય છે. અલબત, હવે આ લાંબી પ્રક્રિયાની જગ્યાએ હવે સૈન્ય દિવ્ય ચક્ષુ એટલે કે વોલ રડારથી મકાનોમાં છુપાયેલા આતંકીઓને દબોચી લેવાની કામગીરી કરી રહ્યું છે. સૈન્ય પાસે હાલ અમેરિકાથી ઇમ્પોર્ટ થયેલી આવી વોલ રડાર પહોંચી ગઇ છે.
સંવેદનશીલ વિસ્તારોમાં કોમ્બીંગ દરમ્યાન સૈન્યના જવાનોને આતંકવાદીઓ શોધવામાં તકલીફ પડતી હોય છે. આ નવી વોલ રડાર આવા મકાનોમાં છુપાયેલા આતંકીઓને શોધી કાઢે છે. ઘણી વખત મકાનોના ભોંયરા, બોગસ સીલીંગ અને ગુફીયા સ્થળોએ આતંકીને છુપાવી રખાયા હોવાના કિસ્સા સામે આવ્યા છે. જેથી હવે નવી વોલ રડાર સૈન્યની વ્હારે આવશે.
આતંકીઓ એલઓસીથી ભારતમાં ઘુસવા હવાતીયા મારી રહ્યા છે. આવા આતંકીઓને રોકવા સૈન્ય જવાબી કાર્યવાહી કરે છે. આંકડા મુજબ છેલ્લા ચાર દિવસમાં એલઓસી નજીકથી ભારતમાં ઘુસવાનો પ્રયાસ કરી રહેલા ૧૩ આતંકીઓને સૈન્યએ ઠાર કર્યા છે. શુક્રવારે ઉરી સેક્ટરમાં ઠાર કરાયેલા પાંચ આતંકીઓ ફિદાયીન હોવાનો ઘટ્ટસ્ફોટ થયો છે. આ આતંકીઓ બહોળા પ્રમાણમાં વિસ્ફોટકો તેમજ એકે-૪૭ રાઇફલ લઇ ઘુસ્યા હતા અને ભીડભાડવાળા વિસ્તાર અથવા આર્મી કેમ્પ ઉપર હુમલો કરવાની ફિરાકમાં હતા. અલબત, સૈન્ય દ્વારા આતંકીઓના નાપાક મનસુબા કામયાબ થતા રોકવામાં આવ્યા હતા.