ટ્રેન અકસ્માતની ઘટનાઓમાં ઘટાડો કરવા પથ્થર વિનાના ટ્રેક વિકસાવાશે!!
હાલ સુધી રેલવે ટ્રેકમાં પથ્થર પાથરવામાં આવતા હતા. જેનો સામાન્ય રીતે રેલવે ટ્રેકને સ્થિરતા આપવા માટે ઉપયોગ કરવામાં આવે છે. પરંતુ આ પથ્થરોનું સતત નિરીક્ષણ કરવું તેમજ સમયાંતરે આ પથ્થર બદલાવવા પડે છે. જો પથ્થર બદલાવવામાં કચાસ રહી જાય તો અકસ્માત થવાની પ્રબળ દહેશત રહેતી હોય છે. ત્યારે હવે રેલવે દ્વારા એક મહત્વપૂર્ણ પગલું ભરવામાં આવી રહ્યું છે જે હેઠળ હવે રેલ્વે ટ્રેકને પથ્થર મુક્ત કરી દેવામાં આવશે અને હવે રેલવે ટ્રેક સ્લેબ ટ્રેકમાં પરિવર્તિત થવા જઈ રહ્યા છે.
રેલવે મંત્રાલયના આ નિર્ણય અંગે અમુક સત્તાવાર સુત્રોએ જણાવ્યું છે કે, આ નિર્ણય બે મહત્વના પરિબળોને ધ્યાનમાં રાખીને લેવામાં આવ્યો છે. એક તરફ અકસ્માતની સંખ્યામાં મહત્તમ ઘટાડો કરવા તેમજ બીજી તરફ રેલવે ટ્રેકને સ્વચ્છ રાખવા માટે રેલવે મંત્રાલય દ્વારા આ નિર્ણય લેવામાં આવ્યો છે. અમુક મહિના બાદ હવે રેલવે ટ્રેક પર જોવા મળતા પથ્થર ભૂતકાળ બની જાય તેવી પ્રબળ શકયતા છે.પ્રથમ તબક્કામાં આ નિર્ણયની અમલવારી મોટા સ્ટેશન તેમજ પ્રવાસન ધરાવતા સ્ટેશનો પર કરવામાં આવશે. એક અધિકારીએ જણાવ્યું છે કે આ નિર્ણય સ્વચ્છતાને ધ્યાનમાં રાખીને પણ લેવામાં આવ્યો છે. પથ્થરયુક્ત ટ્રેકને સાફ કરવું હતી મુશ્કેલ હોય છે જ્યારે સ્લેબ ટ્રેક સિમેન્ટ કે કોંક્રીટના બનેલા હોવાથી તેની સફાઈ સરળતાથી કરી શકાય છે.
આગામી સમયમાં રેલવેને વધુ સુરક્ષિત બનાવવા માટે સતત રેલવે મંત્રાલય દ્વારા પ્રયત્નો હાથ ધરવામાં આવ્યા છે. જેના ભાગરૂપે મળતી માહિતી મુજબ રેલવે દ્વારા કવચ એટલે કે ઓટોમેટીક એકસીડન્ટ પ્રોટેક્શન સિસ્ટમની પણ માંગણી કરવામાં આવી છે. જે સંભવિત અકસ્માતની અગાઉથી જ ચેતવણી આપી દેવા સક્ષમ હશે. જેના લીધે સજાગતા અને સમય સૂચકતાથી મહદઅંશે અકસ્માત નિવારી શકાશે.