18 વર્ષથી ઉપરનાને 75 દિવસમાં બુસ્ટર ડોઝ આપવાનો લક્ષ્યાંક
આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત સરકારની જાહેરાત આવતીકાલથી વેક્સિનેશન શરૂ, ફ્રીમાં મળશે બુસ્ટર ડોઝ
કેન્દ્ર સરકારે 15 જુલાઈથી 18 વર્ષથી વધુ ઉંમરના લોકો માટે કોરોનાનો બૂસ્ટર ડોઝ ફ્રીમાં આપવાની જાહેરાત કરી છે. કેન્દ્રીય મંત્રી અનુરાગ ઠાકુરે એક પ્રેસ કોન્ફ્રન્સમાં કહ્યું કે, ભારત આઝાદીની 75મી વર્ષગાંઠ ઉજવી રહ્યું છે. આઝાદીના અમૃતકાળ પ્રસંગે સરકારે 15 જુલાઈ, 2022થી આગામી 75 દિવસ સુધી 18 કે તેનાથી વધુ ઉંમરના બધા લોકોને સરકારી કેન્દ્રો પર મફતમાં કોરોનાનો બૂસ્ટર ડોઝ આપવાનો નિર્ણય કર્યો છે.
અહેવાલો મુજબ, હાલમાં 18થી 59 વર્ષના 77 કરોડ પાત્ર લોકોમાંથી એક ટકા કરતા પણ ઓછાને બૂસ્ટર ડોઝ અપાયો છે. જોકે, 60 વર્ષથી વધુ ઉંમરના લગભગ 16 કરોડ લોકો અને આરોગ્ય કર્મચારીઓ તેમજ પ્રથમ હરોળના કર્મીઓમાંથી લગભગ 26 ટકા લોકો બૂસ્ટર ડોઝ લઈ ચૂક્યા છે.
કેન્દ્ર સરકારે ગત સપ્તાહે બધા માટે કોરોનાની રસીના બીજા ડોઝ અને બૂસ્ટર ડોઝની વચ્ચેનું અંતર 9 મહિનાથી ઘટાડી 6 મહિના કરી દેવાયું હતું. રસીકરણ પર નેશનલ ટેકનિકલ એડવાઈઝરી ગ્રુપની ભલામણ પછી આવું કરવામાં આવ્યું હતું.
ઉલ્લેખનીય છે કે આઇસીએમઆર સહિત અનેક ઈન્ટરનેશનલ સંસ્થાઓના અભ્યાસમાં ખ્યાલ આવ્યો છે કે કોરોના વેક્સિનના બંને ડોઝ લીધાને 6 મહિના બાદ શરીરમાં એન્ટીબોડીનું સ્તર ઘટી જાય છે. બૂસ્ટર ડોઝ આપવાથી ઈમ્યૂન રિસ્પોન્સ વધશે. આ કારણે જ સરકાર 75 દિવસ માટે વિશેષ અભિયાન શરૂ કરવા જઈ રહ્યું છે.
આ પહેલાં કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે ગત સપ્તાહે વેક્સિનનોબીજો અને જરૂરી ડોઝ વચ્ચેના અંતરને 9 મહિનાથી ઘટાડીને 6 મહિના કરી દીધો હતો. વેક્સિનેશન ઝડપ લાવવા અને બૂસ્ટર શોટ્સને પ્રોત્સાહન આપવા માટે 1 જૂને તમામ રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોમાં વેક્સિન અભિયાન શરૂ કરાયું હતું. બે મહિનાનો આ કાર્યક્રમ હજુ ચાલી રહ્યો છે.
અત્યાર સુધી બૂસ્ટર ડોઝ માટે આપવા પડતા હતા રૂપિયા
ફુલ્લી વેક્સીનેટેડ એટલે કે કોરોના વેક્સીનનો બીજો ડોઝ લીધાના 6 મહિના પછી જ શરીરમાં એન્ટીબોડીનું સ્તર ઓછું થવા લાગે છે. ફરીથી સંક્રમિત થવાનો ખતરો વધી ગયો છે. જેથી બૂસ્ટર ડોઝ જરૂરી હોય છે. પરંતુ આ ખતરા છતાં લોકો બૂસ્ટર ડોઝ નહોંતા લઈ રહ્યા, જેનું મોટું કારણ કદાચ એ હતું કે, મોટાભાગના રાજ્યોમાં 60 વર્ષથી ઓછી ઉંમરના લોકોને બૂસ્ટર ડોઝ માટે રૂપિયા ખર્ચ કરવા પડી રહ્યા હતા. હવે સરકારે બૂસ્ટર ડોઝને મફત કરવા ઉપરાંત તેના માટે જાગૃતિ અભિયાન શરૂ કરવાનો પણ નિર્ણય કર્યો છે.