જુનિયર ક્લાર્કનું પેપર ફૂટ્યા બાદ હવે સરકાર પદ્ધતિમાં ફેરફાર લાવવાના મૂડમાં,
કેબિનેટમાં સ્પર્ધાત્મક પરીક્ષાને લઈને મહત્વની ચર્ચાઓ
જુનિયર ક્લાર્કનું પેપર ફૂટ્યા બાદ હવે સરકાર પદ્ધતિમાં ફેરફાર લાવવાના મૂડમાં દેખાઈ રહી છે. કેબિનેટમાં મુખ્યમંત્રીના અધ્યક્ષ સ્થાને સ્પર્ધાત્મક પરીક્ષાને લઈને મહત્વની ચર્ચાઓ કરવામાં આવી હતી. જેમાં અનેક જોગવાઈઓ વિશે ચર્ચાઓ કર્યા બાદ નવો કાયદો અમલમાં આવે ત્યારબાદ જ આગામી પરીક્ષા યોજવાનું નક્કી કરવામાં આવ્યું હતું.
રાજ્યમાં જુનીયર કલાર્કની પરીક્ષાના પેપર લીક થયા બાદ ઠેર ઠેર નારાજગી જોવા મળી હતી. જેને જોતા રાજય સરકાર એક્શન મોડમાં આવી છે. સરકાર હવે પેપર લીક સામે નવો કાનુન લાવવા તૈયારી કરી છે અને આજે મળેલી રાજય કેબીનેટની બેઠકમાં આ અંગે ચર્ચા થઈ હતી અને વિધાનસભાના આગામી સત્રમાં પેપર લીક સામે આકરો કાનૂન લવાશે તેવો નિર્ણય લેવાયો હતો.
મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં કેબીનેટની બેઠક યોજવામાં આવી હતી જેમાં હવે તા.23 ફેબ્રુઆરીથી શરુ થનારા વિધાનસભાના બજેટ સત્રમાં પેપર લીકેજનો કાયદાનો પ્રસ્તાવ રજુ કરાશે અને તેને રાજયપાલની મંજુરી મળ્યા બાદ નિયમો નિશ્ચીત થશે અને પછી અમલમાં આવશે. તેવી ચર્ચા કરાઈ હતી.
નવા કાયદામાં પેપર લીકેજ કરનારને 10 વર્ષ સુધીની જેલ અને રૂા.10 લાખનો દંડ કરવાની પણ જોગવાઈ થશે. રાજય સરકાર દ્વારા ફકત એક જ પેપર જે સ્પર્ધાત્મક પરીક્ષા માટે તૈયાર કરવામાં આવે છે તેના બદલે યુનિ. સ્ટાઈલથી પેપરના ત્રણ સેટ તૈયાર કરવામાં આવે અને તેમાંથી કોઈપણ એક પેપર આખરી ઘડીએ મોકલાય અને પ્રિન્ટીંગમાં જાય તે વ્યવસ્થા કરવામાં આવશે. ત્રણેય પેપર અલગ અલગ પેપર સેટર તૈયાર કરશે.
રાજય સરકાર દ્વારા એ પણ નિર્ણય લેવાયો છે કે જયાં સુધી પેપર લીકેજ અંગે નવો કાનુન અમલમાં ન આવી જાય ત્યાં સુધી રાજય સરકાર કોઈ ભરતી સ્પર્ધાત્મક પરીક્ષા યોજશે નહી. આ ઉપરાંત પેપર પ્રિન્ટીંગ સમયે જ લીક થાય છે અને તેથી હવે સરકારી પ્રેસમાં ઉચ્ચ અધિકારીની જવાબદારી સાથે પેપર પ્રિન્ટીંગ કરાવવાનો વિકલ્પ પણ ચકાસશે.
પેપર લીકેજમાં હવે પેપર લીક કરનાર અને લીક થયેલુ પેપર ખરીદનાર એટલે કે પરીક્ષાર્થી ગુન્હેગાર ગણાશે અને તેમાં જેણે લીક થયેલુ પેપર લીધુ હશેતેને રાજય સરકારની ત્યારબાદની ત્રણ સ્પર્ધાત્મક પરીક્ષામાં બેસવા પર પ્રતિબંધ મુકી દેવામાં આવશે.
રાજસ્થાન અને યુપીના પેપર લીક કાયદાનો અભ્યાસ કરાશે
કેબિનેટ બેઠકમાં સરકાર દ્વારા એવો નિર્ણય કરવામાં આવ્યો છે કે હાલ રાજસ્થાન અને ઉતરપ્રદેશમાં જે પેપરલીક સામે કાયદો છે. તેનો અભ્યાસ ગુજરાત દ્વારા કરવામાં આવે અને બંને રાજય સરકાર પાસેથી ફીડબેક પણ લેવાશે અને તેને આધારે નવો કાનુન તૈયાર કરાશે.
નવા કાયદાની સંભવિત જોગવાઈ ?
પેપર લીક કરનારને 10 વર્ષ સુધીની જેલ સજા, રૂા.10 લાખનો દંડ
પેપર ખરીદનાર અને વેચનાર બંને સમાન ગુનેગારો ગણાશે
સરકાર ત્રણ પેપર સેટ બનાવશે, કોઈપણ એક પેપર સેટ પરીક્ષા માટે અપાશે
ખાનગીની બદલે સરકારી પ્રેસમા જ પેપરનું પ્રિન્ટિંગ કરાશે