હલકી ગુણવત્તા ચલાવી લેવાશે નહી: રૂપાણી, ફૂડ રીસર્ચ લેબનો મુખ્યમંત્રીના હસ્તે પ્રારંભ
તાજેતરમાં ગુજરાત સ્ટેટ સિવિલ સપ્લાય કોર્પોરેશન કવોલીટી કંટ્રોલ અને ફોરેન્સિક સાયંસ ડીપાર્ટમેન્ટ વચ્ચે થયેલા એમ.ઓ.યૂ. અંતર્ગત હવેથી મધ્યાન ભોજન યોજનામાં સરકારી ગોડાઉનમાંથી સપ્લાય થતું અનાજ તેલ વિગેરે ફોરેન્સિક સાયંસની ટીમ ચકાસણી કરશે.
મતલબ કે ફોરેન્સીક સાયસ મધ્યાન ભોજનની લાલીયાવાડી અટકાવશે મધ્યાન ભોજનની કવોલીટી બાબતે અગાઉ થયેલા અનુભવોને આધારે આમ કરવામાં આવ્યું છે.
ત્યારબાદ, મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ પણ કહ્યું હતુ કે ખાધાન્ન અનાજ સામગ્રીમાં હલકી ગુણવતા ચલાવી નહી લેવાય.તેમના હસ્તે ગાંધીનગરમાં અધતન ફૂડ રીસર્ચ લેબનો પ્રારંભ થયો. તેમણે કહ્યું કે ફૂડ રીસર્ચ લેબમાં કવોલીટીની ચકાસણી કરી શુધ્ધ ગુણવતાયુકત અનાજ પૂરવઠો પૂરો પાડવા રાજય સરકાર પ્રતિબધ્ધ છે. ટૂંકમાં હવેથી કોઈપણ પ્રકારે મ.ભો. યોજનામાં ‘લાલીયાવાડી’ નહી ચાલે કેમકે હવે કંટ્રોલ આવી ગયા છે!
અહીં ખાસ ઉલ્લેખનીય છે કે મધ્યાન ભોજન યોજનાના ૩૯ લાખ બાળકો, આંગણવાડીનાં ૬૫ લાખ ભૂલકાઓને કવોલિટી ફૂડ ગ્રેન મળશે.
મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ રાજ્યમાં જાહેર વિતરણ વ્યવસ્થા અન્વયે વિતરીત થતા અનાજ અને ખાદ્ય પદાર્થોની ગુણવત્તા-કવોલિટી ઉચ્ચકક્ષાની મળી રહે તેવી વ્યવસ્થા સુનિશ્ચિત કરવાનું નવતર સોપાન ગાંધીનગરમાં પ્રારંભ કરાવ્યું છે.
મુખ્યમંત્રીશ્રીએ ગુજરાત રાજ્ય નાગરિક પુરવઠા નિગમ લીમીટેડ અને ફોરેન્સીક સાયન્સ લેબોરેટરીના સહયોગથી ગાંધીનગરમાં રૂ. ૧ કરોડના ખર્ચે નિર્માણ પામેલી અદ્યતન ફૂડ રિસર્ચ લેબોરેટરીનો કાર્યારંભ કરાવ્યો હતો.
વિજયભાઇ રૂપાણીએ આ ફૂડ રિસર્ચ લેબોરેટરી સ્ટેટ ઓફ ધ આર્ટ કક્ષાની બની રહેશે તેવો વિશ્વાસ વ્યકત કરતાં કહ્યું કે દેશના અન્ય રાજ્યો તેમજ વિદેશોમાંથી પણ આ ફૂડ રિસર્ચ લેબોરેટરીના નવતર પ્રયોગ પ્રત્યે જિજ્ઞાસા જાગી છે.
મુખ્યમંત્રીશ્રીએ સ્પષ્ટપણે જણાવ્યું કે, રાજ્યમાં ૧૭ હજાર ઉપરાંત વાજબી ભાવની સસ્તા અનાજની દુકાનો પરથી રાહત દરે ખાદ્યાન્ન, તેલ, કઠોળ મેળવતા ૩.૮૪ કરોડ લાભાર્થીઓ તેમજ ૩૩ હજાર મધ્યાન્હ ભોજન કેન્દ્રોના ૩૯ લાખ બાળકો અને પ૩ હજાર આંગણવાડીના ૬પ લાખ જેટલાં ભુલકાંઓને શુધ્ધ-ગુણવત્તાયુકત અનાજ-કઠોળ-તેલ વગેરે મળી રહે તે માટે કવોલિટીમાં કોઇ જ કોમ્પ્રોમાઇઝ ન થાય અને ફૂડ રિસર્ચ લેબોરેટરીમાં ટેસ્ટ થયેલ પ્રમાણિત પુરવઠો જ મળે તેવો સરકારનો ધ્યેય રહ્યો છે.
વિજયભાઇ રૂપાણીએ જરૂરતમંદોને અપાતા ખાદ્યાન્નની ગુણવત્તામાં ભેળસેળ-હલકી કક્ષા સામે ઝિરો ટોલરન્સ માટે આ ફૂડ રિસર્ચ લેબોરેટરી એક સક્ષમ માધ્યમ બનશે તેવો દ્રઢ વિશ્વાસ દર્શાવ્યો હતો.
તેમણે સમગ્ર લેબોરેટરીના વિવિધ વિભાગોની પ્રત્યક્ષ મુલાકાત લઇ રજેરજની વિગતો મેળવી હતી.
અત્રે એ નિર્દેશ કરવો આવશ્યક છે કે ગુજરાત નાગરિક પુરવઠા નિગમ દ્વારા અનાજની ગુણવત્તા હાઇકવોલિટીની મળી રહે તેની ચોકસાઇ માટે ડાયરેકટરેટ ઓફ ફોરેન્સીક સાયન્સ સાથે મળીને આ સ્ટેટ ઓફ ધ આર્ટ ફૂડ રિસર્ચ લેબોરેટરી શરૂ કરવા માટેના ૧૦ વર્ષના ખજ્ઞઞ થયા છે.
આ લેબોરેટરીના પ્રારંભ વેળાએ કાયદો-ન્યાયતંત્ર મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા, અન્ન-નાગરિક પુરવઠા મંત્રી જયેશભાઇ રાદડીયા, ગૃહ રાજ્યમંત્રી પ્રદિપસિંહ જાડેજા, નાગરિક પુરવઠા નિગમના અધ્યક્ષ રાજેશ પાઠક તેમજ અન્ન-નાગરિક પુરવઠા વિભાગના વરિષ્ઠ સચિવો, ફોરેન્સીક સાયન્સ યુનિવર્સિટીના અધિકારીઓ પણ જોડાયા હતા.