લાખ વિવાદ કરવા છતાં કંગનાની ‘સિમરન’ બેસી ગઈ: વીક એન્ડમાં પણ ચિલ્લર જ હાથ લાગ્યું!
હવે ફિલ્મવાળા બરાબર સમજી લે કે કોન્ટ્રોવર્સીથી ફિલ્મ ચાલવાની નથી જ. લાખ વિવાદ કરવા છતાં કંગના રનૌટની ‘સિમરન’ બેસી ગઈ. વીક એન્ડ (શનિ-રવિ)માં પણ ચિલ્લર જ હાથ લાગ્યું ! શુક્ર-શનિવાર એમ બે દિવસનો સિમરનનો વકરો માત્ર રૂ.૬.૫૩ કરોડ હતો. રવિવારે તેમાં થોડો વધારો થયો. રવિવારે કલેકશન રૂ.૪.૧૨ કરોડ થયું. એ સાથે સિમરન ત્રણ દિવસમાં માત્ર રૂ. ૧૦.૬૫ કરોડ ભેગા કરી શકી.કંગના રનૌટ પોતે પોતાના માટે, પોતાને ધ્યાનમાં રાખીને ફિલ્મ ‘સિમરન’ની સ્ક્રિપ્ટ લખી. સિમરનના પાત્રમાં પોતાને ઈમેજીન કરીને ડાયલોગ લખાવડાવ્યા. એટલું જ નહીં ‘કવીન’નો કોન્સેપ્ટ પણ વાપર્યો. આમ છતાં દર્શકોએ ફિલ્મને ફેંકી દીધી. બાય ધ વે, કંગનાએ ન્યૂયોર્કની ફિલ્મ ઈન્સ્ટીટયૂટમાં સ્ક્રિપ્ટ રાઈટીંગનો કોર્સ કર્યો છે.કંગના રનૌટે ‘સિમરન’ની રીલીઝને ધ્યાનમાં રાખીને વાતમાં કાંઈ માલ નથી તે ઋતિક રોશન કાંડ જાણી જોઈને ચગાવ્યો. એટલું જ નહીં ગોઠવણ કરીને એક ટીવી શોમાં તેના આકસ બોયફ્રેન્ડસ ઋતિક રોશન, આદિત્ય પંચોલી અને અધ્યયન સુમન સામે આંગળી ચીંધી. આવી બધી ફોગટની પબ્લિસિટી મેળવીને કિમિયો તો લોકોને સિમરન જોવા મજબૂર કરવાનો જ હતો. પરંતુ આ કિમિયો કારગત નિવડયો નથી. કંગના પોતાને અત્યારે સુપરસ્ટાર ગણાવે છે પરંતુ તેણે સમજી લેવું જોઈએ કે અહીં દરેક વખતે સફળતા સાબિત કરવી પડે છે. કેમ કે, હવે માહૌલ જ એવો છે કે દર શુક્રવારે સુપરસ્ટારના નામની તકતી બદલાય છે ને નવા સમીકરણો રચાય છે. જુઓને, દર્શકોએ શાહરુખ જેવા શાહરુખને પણ રીજેકટ કરી દીધો અને ગુમાનમાં રાચતા સલમાન ખાનને ય અસલીયત દેખાડી દીધી.એકંદરે, આમીર ખાને થ્રી ઈડિયટ્સમાં કીધું તેમ તમારામાં ટેલેન્ટ હોય તો કામિયાબી જખ મારીને પાછળ પાછળ આવે. બોલીવૂડની આલુ એટલે આલિયા ભટ્ટે કપૂર એન્ડ સન્સ, ઊડતા પંજાબ અને ડિઅર ઝીંદગી થકી આ વાત સાબિત કરી દીધી છે. બાકી, વિવાદ ચગાવીને સમાચારમાં ચમકવું સાવ સહેલું છે. તેનો કારકિર્દીને કોઈ જ ફાયદો પહોંચતો નથી. તે કંગનાએ કે તેના જેવા કલાકારોએ બરાબર સમજી લેવાનો સમય હવે પાકી ગયો છે.