કિસાન સન્માન સમેલનમાં વન નેશન વન ફર્ટિલાઈઝર સ્કીમ લોન્ચ કરતા વડાપ્રધાન
આપણા દેશના ખેડૂતો હંમેશા અર્થતંત્રની કરોડરજ્જુ રહ્યા છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદીની આગેવાની હેઠળની કેન્દ્ર સરકાર ખાતર ક્ષેત્રમાં નવીન પગલાં દ્વારા આ કરોડરજૂને મજબૂત બનાવવા તરફ આગળ વધી રહી છે. જે અંતર્ગત મોદીએ વન નેશન વન ફર્ટિલાઇઝર સ્કીમ પણ લોન્ચ કરી છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સોમવારે પ્રધાનમંત્રી કિસાન સન્માન સંમેલનનું ઉદ્ઘાટન કર્યું. આ ઈવેન્ટનો ઉદ્દેશ્ય દેશભરમાંથી 13500થી વધુ ખેડૂતો અને લગભગ 1500 કૃષિ સ્ટાર્ટઅપ્સને એકસાથે લાવવાનો છે. આ કાર્યક્રમ દરમિયાન વડાપ્રધાને વન નેશન વન ફર્ટિલાઇઝર સ્કીમ પણ લોન્ચ કરી હતી. જેમાં ભારત બ્રાન્ડની યુરિયા બેગ પણ લોન્ચ કરવામાં આવી હતી.
વન નેશન વન ફર્ટિલાઇઝર સ્કીમ હેઠળ ખેડૂતોને સસ્તા અને ગુણવત્તાયુક્ત ખાતર મળશે. તે ભારત બ્રાન્ડ હેઠળ ઉપલબ્ધ થશે. પીએમ મોદીએ કહ્યું કે આ યોજનાથી ખેડૂતને તમામ પ્રકારની મૂંઝવણોમાંથી મુક્તિ મળશે. આ સાથે વધુ સારું ખાતર પણ ઉપલબ્ધ થશે. હવે દેશમાં એક જ નામ, સમાન બ્રાન્ડ અને સમાન ગુણવત્તાનું યુરિયા વેચવામાં આવશે. તેનાથી ખાતરના માર્કેટિંગમાં પણ મદદ મળશે.
3.5 લાખ દુકાનોને પ્રધાનમંત્રી કિસાન સમૃદ્ધિ કેન્દ્રોમાં ફેરવવામાં આવશે
વડાપ્રધાને રસાયણ અને ખાતર મંત્રાલય હેઠળ 600 પ્રધાન મંત્રી કિસાન સમૃદ્ધિ કેન્દ્રો પણ શરૂ કર્યા. આ કેન્દ્રો દ્વારા ખેડૂતોની જરૂરિયાતો પૂરી કરવામાં આવશે. અહીં માત્ર ખાતર જ નહીં, પરંતુ બિયારણ, સાધનો, માટી પરીક્ષણ, તમામ પ્રકારની માહિતી, ખેડૂતને જે જોઈએ તે આ કેન્દ્રો પર માત્ર એક જ જગ્યાએ ઉપલબ્ધ થશે. આ માટે દેશમાં 3.3 લાખથી વધુ છૂટક ખાતરની દુકાનોને પ્રધાન મંત્રી કિસાન સમૃદ્ધિ કેન્દ્રોમાં રૂપાંતરિત કરવામાં આવશે.
વડાપ્રધાન મોદીના હસ્તે ઈ-મેગેઝિન પણ લોન્ચ
આ ઉપરાંત વડાપ્રધાને ઘરેલું અને આંતરરાષ્ટ્રીય ખાતરની સ્થિતિની માહિતી આપતું ઈ-મેગેઝિન ઈન્ડિયન એજ પણ લોન્ચ કર્યું હતું. ઈ-મેગેઝિનમાં તાજેતરના વિકાસ, કિંમતના વલણોનું વિશ્લેષણ, ઉપલબ્ધતા અને વપરાશ, ખેડૂતોની સફળતાની વાર્તાઓનો સમાવેશ થાય છે.