નોટબંધી પછી 2000 અને 500 રૂપિયાની નોટોનું ચલણ બહુ વધી ગયું છે. આ મોટી નોટો માર્કેટમાં આવવાથી તેની નકલી નોટો આવવાનો ભય પણ વધી ગયો છે. આ નકલી નોટો એવી રીતે બનાવવામાં આવેલી હોય છે કે તેને ઓળખવી બહુ અઘરી હોય છે. આ કારણે લોકોએ ઘણું નુકસાન સહન કરવું પડે છે. લોકોની આ સમસ્યાનું સમાધાન કરવા માટે સરકાર એક ડિજિટલ ટેક્નોલોજી પર કામ કરી રહી છે. સરકાર એક એવી એપ લાવવાની તૈયારી કરી રહી છે જેનાથી નકલી નોટોની ઓળખ કરી શકાશે. આ એપ્લિકેશન બનાવવાની જવાબદારી RBIને સોંપવામાં આવી છે.
નાણા મંત્રાલયના અધિકારીએ જણાવ્યું કે, નકલી નોટોની ઓળખ માટે એપ્લિકેશન બનાવવા માટે એજન્સીની પસંદગીની પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે. અધિકારીનું કહેવું છે કે, એજન્સીની પસંદગી થતાં જ એપ્લિકેશન તૈયાર થવાની જાણકારી મળી જશે. એકવાર એપ્લિકેશન તૈયાર થઈ જાય પછી કોઈપણ વ્યક્તિ મોબાઇલ ફોન દ્વારા આ એપ્લિકેશનની મદદથી બનાવટી ચલણી નોટો ઓળખી શકશે.
ભારતીય રિઝર્વ બેન્ક નકલી નોટ ઓળખવાના હેતુથી દૃષ્ટિહીન લોકો માટે પણ એક ખાસ એપ્લિકેશન બનાવી રહી છે. નાણા મંત્રાલયના સૂત્રોના જણાવ્યા અનુસાર દૃષ્ટિહીન લોકો માટે બની રહેલી આ એપમાં પણ નકલી નોટોની ઓળખની સુવિધા પૂરી પાડવામાં આવશે. દૃષ્ટિહીન લોકો માટે બની રહેલી આ એપ જણાવશે કે આ નોટ ભારતીય છે કે નહીં અને તે કેટલા રૂપિયાની છે.