કોરોના સિવાયના દર્દીઓને પણ ઝડપથી સારવાર મળી રહે તે માટે લેવાયો નિર્ણય: નાયબ મુખ્યમંત્રી
રાજય સહિત દેશભરમાં કોરોનાના નવા રાઉન્ડની દહેશતના પગલે આરોગ્ય વિભાગે પરીક્ષણ અને ઓપીડી વિભાગની સવલતો આખો દિવસ મળી રહે તે માટે મહત્વનો નિર્ણય લીધો છે. નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલે જાહેરાત કરી છે કે, કોવિડ-૧૯ના દર્દીઓને લઈને સરકારી હોસ્પિટલોમાં હવે સાંજે પણ ઓપીડી ચાલુ રાખવામાં આવશે. એક તરફ સમગ્ર વિશ્ર્વમાં કોરોનાનો નવો વાયરો શરૂ થવાની દહેશત વ્યકત કરવામાં આવી છે. કોરોનાના નવા વર્ઝન સ્ટ્રેઈન સાથે યુરોપનાં દર્દીઓ ભારતમાં આવી પહોંચ્યા છે અને આ મુસાફરો ગુજરાતમાં પણ આવ્યા હોવાની શકયતાના પગલે સરકારી આરોગ્ય તંત્ર વધુ સચેટ બન્યું છે.
સરકારી હોસ્પિટલોમાં કોરોનાનાં લક્ષણ ધરાવતા વ્યકિતઓની સારવાર અને પરીક્ષણમાં વેગ મળે તે માટે સરકારી હોસ્પિટલોમાં સાંજે પણ ઓપીડી ચાલુ રાખવાનો નિર્ણય કર્યો છે. નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલે કરેલી જાહેરાતના પગલે રાજકોટ સહિત સૌરાષ્ટ્રની સરકારી હોસ્પિટલોમાં પણ આગામી દિવસોમાં આઉટ ડોર પેશન્ટ ડિસ્પેન્સરી એટલે કે ઓપીડી ચાલુ થાય તેવું મનાઈ રહ્યું છે.