કોરોનાથી બચવા હાલ દરેક ક્ષેત્રે રસી પર જ ભાર મુકાઈ રહ્યો છે. ત્યારે રસીકરણ પણ ટેકનોલોજીને સહારે ઉડાન ભરશે..!! હાલ રસીના ડોઝ લેવા માટે આરોગ્ય કેન્દ્ર, હોસ્પિટલ અથવા તો અન્ય ઉભા થયેલા કેન્દ્રો સુધી લાબું થવું પડે છે પરંતુ આગામી ટૂંક જ સમયમાં એવી પણ સુવિધા ઉભી થઇ જશે કે તમારે રસી લેવા કેન્દ્રો પર નહીં જવું પડે. “કોરોના કવચ” તમારી ઘરે ખુદ આવી જશે અને આ કામ કરશે આધુનિક જમાનાનો ડોન એટલે કે “ડ્રોન”..!!
રસીના ડોઝ જરૂરિયાતમંદ સુધી પહોંચે તે માટે ડ્રોનનો ઉપયોગ થશે. પૂર્વોત્તર રાજ્યોમાં આ માટે પરીક્ષણ શરૂ કરવામાં આવ્યું છે. આંદામાન અને નિકોબાર ટાપુઓ, મણિપુર તેમજ નાગાલેન્ડના દૂરના વિસ્તારોમાં 3 કિલોમીટરની ઊંચાઈ પર ઉડી ડ્રોન રસી પહોંચાડે તે માટે ટ્રાયલ શરૂ થયું છે. ઇન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ અને IIT- બોમ્બેને આ વિસ્તારોમાં જ્યાં સુલભતા એક પડકાર છે ત્યાં રસી વિતરણ માટે વિઝ્યુઅલ લાઈન ઓફ દૃષ્ટિ (BVLOS) ટ્રાયલ કરવાની મંજૂરી આપી છે.
નાગરિક ડ્રોન વપરાશ માટે મહત્તમ મર્યાદા 3,000 મીટરની ઊંચાઇ છે. ડિજીસીએ અને કેન્દ્રીય ઉડ્ડયન મંત્રાલય દ્વારા ગત શનિવારે તેલંગાણામાં ડ્રોન દ્વારા રસીઓ પહોંચાડવાની ભારતમાં પ્રથમ અજમાયશ કરવામાં આવી હતી જેના બે દિવસ બાદ પૂર્વોતરમાં પણ પરવાનગી મળી છે.