કોરોના સમયગાળામાં કોવિડ -19  રસીના સપ્લાયમાં પણ મુશ્કેલીઓ ઊભી થઈ છે.  પરિવહનની સમસ્યાઓ જોતાં સરકાર હવે અન્ય વિકલ્પોની શોધ કરી રહી છે.  દરમિયાન, નાગરિક ઉડ્ડયન મંત્રાલયે એક નવું સૂચન કર્યું છે અને ડ્રોનના ઉપયોગ અંગે વિચારણા કરવામાં આવી રહી છે.

નાગરિક ઉડ્ડયન મંત્રાલયે ઈન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ (આઈસીએમઆર)ને કોવિડ -19 રસીને ડ્રોનથી પહોંચાડવાની શક્યતાનો અભ્યાસ કરવાની મંજૂરી આપી દીધી છે.  મંત્રાલયે જારી કરેલી પ્રેસ રિલીઝ અનુસાર, આઇસીએમઆર આ અભ્યાસ આઈઆઈટી (ભારતીય ટેકનોલોજી), કાનુપરના સહયોગથી કરશે. મંત્રાલયે જણાવ્યું હતું કે તેણે ડ્રોન દ્વારા કોવિડ-19 રસી પહોંચાડવાની શક્યતાનો

અભ્યાસ કરવા માટે માનવરહિત ઉડ્ડયન સિસ્ટમ (યુએએસ) નિયમો, 2021 હેઠળ ’શરતી મંજૂરી’ આપી છે.  તે જણાવે છે કે, આ મુક્તિ એક વર્ષના સમયગાળા માટે અથવા પછીના ઓર્ડર સુધી અસરકારક છે.  મહત્વનું છે કે, કેન્દ્ર સરકારે ત્રણ દિવસ અગાઉ જાહેરાત કરી દીધી છે કે, 1 મેથી રસીકરણના ત્રીજા તબક્કામાં 18 વર્ષ કે તેથી વધુ ઉંમરના તમામ લોકોને દેશભરમાં રસી આપવામાં આવી શકે છે. અધિકારીઓએ ગુરુવારે જણાવ્યું હતું કે, બધા પુખ્ત વયના (18અને તેથી વધુ વયના) રસીકરણ માટે કોવિન અને આરોગ્ય સેતુ એપ પર નોંધણી 28 એપ્રિલથી શરૂ થશે.  ગુરુવારે દેશમાં કોવિડ -19 ના 3.14 લાખથી વધુ કેસ નોંધાયા છે, જે એક દિવસમાં કોઈ પણ દેશમાં સૌથી વધુ કેસ છે.  દેશમાં અત્યાર સુધીમાં કુલ 1,59,30,965લોકો સંક્રમિત થયાની પુષ્ટિ થઈ છે. નાગરિક ઉડ્ડયન મંત્રાલયે ગુરુવારે કહ્યું કે તેણે ચાર શહેરો દહેરાદૂન, હલ્દવાણી, હરિદ્વાર અને રૂદ્રપુરની મહાનગર પાલિકાઓને ડ્રોનનો ઉપયોગ કરીને સંપત્તિનો ડેટાબેસ અને ઇલેક્ટ્રોનિક ટેક્સ રજિસ્ટર તૈયાર કરવા શરતી મંજૂરી આપી છે.  કોટા અને કટનીથી સંચાલિત પશ્ચિમ મધ્ય રેલ્વેને પણ ટ્રેન અકસ્માતની જગ્યાનું નિરીક્ષણ કરવા અને રેલ્વેની સંપત્તિને સુરક્ષિત રાખવા સમાન મંજૂરી આપવામાં આવી છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.