સોલંકી કે ચાલુક્ય વંશની ઝલક દેખાઇ તેવો ડ્રેસ બનાવવાનો આગ્રહડિઝાઇન ઇન્સ્ટીટ્યુટ દ્વારા તૈયાર કરાશે આ ડ્રેસ
ફેશનનો હંમેશાથી આસ્થા સાથે સંબંધ રહ્યો છે. એટલે જે જ્યારે ૧૨ આદિ જ્યોતિર્લિંગ પૈકીના એક સોમનાથ મંદિરના પૂજારીઓ માટે ડ્રેસ ડિઝાઈન કરવાની વાત આવી ત્યારે NIFT ગાંધીનગરે આ તક ઝડપી લીધી. પ્રભાસ પાટણ સ્થિત સોમનાથ મંદિરના પૂજારીઓને છાજે તેવા તેમજ મંદિરની પ્રતિષ્ઠાને શોભે તેવા વસ્ત્રો પૂજારીઓ માટે ડિઝાઈન કરવા માટે મંદિર ટ્રસ્ટે આ ડિઝાઈન ઈન્સ્ટીટ્યૂટનો સંપર્ક સાધ્યો છે. આ કદાચ પ્રથમ NIFT છે જેને આ પ્રકારનો પ્રોજેક્ટ મળ્યો છે.
NIFTએ શરૂઆતનો કોન્સેપ્ટ મંદિરના ટ્રસ્ટીઓ સમક્ષ મૂક્યો છે. NIFT (ગાંધીનગર)ના ડાયરેક્ટર અરિંદમ દાસે કહ્યું કે, સરકારી સંસ્થાઓ અને ઉદ્યોગો દ્વારા આપવામાં આવતા ડિઝાઈન ડેવલપમેન્ટ અને ક્ધસલ્ટંસીના પ્રોજેક્ટ અમે હાથમાં લઈએ છીએ. તાજેતરમાં જ સોમનાથ મંદિર ટ્રસ્ટે મંદિરના વિવિધ કક્ષાના પૂજારીઓ માટે ડ્રેસ ડિઝાઈન કરવાનું કામ સોંપ્યું છે.
પૂજારીઓના પરંપરાગત પોશાકની સાતત્યતા જળવાય સાથે જ મંદિરની સુંદરતાને શોભે તેવા વસ્ત્રો ડિઝાઈન કરવાનું સૂચન છે. પૂજારીઓના ડ્રેસમાં મંદિરના આર્કિટેક્ચરની જેમ જ સોલંકી કે ચાલુક્ય વંશની ઝલક દેખાવી જોઈએ તેવો આગ્રહ છે.
અરિંદમ દાસે વધુમાં કહ્યું કે, પૂજારીઓના વસ્ત્રો ભભકાદાર અને શિવજીના ઉપાસકને શોભે તેમજ પૂજા-અર્ચના કરવામાં સરળતા રહે તેવા તૈયાર કરાશે. હાલ સોમનાથ મંદિરના પૂજારીઓ સફેદ ઝભ્ભા સાથે પીળું, લાલ કે સફેદ પિતાંબર પહેરે છે. સોમનાથ મંદિર ટ્રસ્ટે NIFTનો સંપર્ક કરતાં મંદિરના પૂજારીઓના વસ્ત્રો મંદિરને શોભે તેવા હોય તે જરૂરી છે, તેમ લાગે છે.
અમદાવાદમાં આવેલા જગન્નાથ મંદિરના મહંત દિલીપદાસજી મહારાજે આ વિશે કહ્યું કે, હજારો ભક્તો મંદિરમાં દર્શનાર્થે આવે છે ત્યારે પૂજારીઓના વસ્ત્રો પણ મંદિરની ગરિમા જાળવે તેવા હોય તે જરૂરી છે. જો તેમના વસ્ત્રો અન્યોથી જુદા હશે તો ભીડમાં પણ પૂજારી અલગ તરી આવશે.
આમ તો વસ્ત્રો પાછળ વધારે પડતો ખર્ચો કરવાની જરૂર નથી પરંતુ વસ્ત્રો શોભે તેવા હોય તે પણ જરૂરી છે. જગન્નાથ મંદિરના પૂજારીઓ કચ્છા બોર્ડરવાળી ધોતી પહેરે છે. પ્રસંગ પ્રમાણે ધોતી સફેદ કે ભગવા રંગની હોય છે.
ઈસ્કોન મંદિરના પ્રમુખ જશોમતીનંદન દાસે જણાવ્યું કે, ઈસ્કોન મંદિરના પૂજારીઓ બે રંગના કપડાં પહેરે છે. અપરણીત પૂજારીઓ ભગવા રંગના અને પરણેલા પૂજારીઓ સફેદ રંગના વસ્ત્રો પહેરે છે. હરે ક્રિશ્ના ચળવળ શરૂ કરનારા અભય ચરનારવિંદ ભક્તિવેદાન્તા સ્વામિ પ્રભુપદાએ આ બધું નક્કી કર્યું હતું.
ખોરાકથી લઈને વસ્ત્રો સુધી બધું જ તેમણે નક્કી કર્યું હતું. એટલે જ દરેક ઈસ્કોન મંદિરમાં આ પ્રકારના વસ્ત્રોમાં પૂજારીઓ જોવા મળે છે. પૂજારીઓને કોઈપણ પ્રકારના સિવેલા વસ્ત્રો પહેરવાની અનુમતિ નથી. અમને ક્યારેય આમાં ફેરફાર કરવાની જરૂર લાગી નથી.
ગઢડા સ્વામિનારાયણ મંદિરના મહંત એસ.પી. સ્વામીએ કહ્યું કે, અમારો સંપ્રદાય ભગવાન સ્વામિનારાયણે શિક્ષાપત્રીમાં આપેલી સૂચનાઓનું પાલન કરે છે. શિક્ષાપત્રી પ્રમાણે, પૂજારીઓ ભગવા રંગની ધોતી અને તે જ રંગનું ઉપવસ્ત્ર પહેરે છે. તો સેવકો સફેદ વસ્ત્રો પહેરે છે. બધા જ સંતોના કપડાંના રંગ એકસરખા છે, પહેરવાની રીત જુદી હોઈ શકે છે. ફક્ત સ્વામિનારાયણ ભગવાનના વસ્ત્રોની જ ડિઝાઈન અલગ હોય છે, જે સંપ્રદાયના સંતો અને સેવકો તૈયાર કરે છે.