કોંગ્રેસ દ્વારા હવે ગરીબોના હિત માટે આંદોલન ચલાવવામાં આવશે. પોટેકશન ઓફ લાઇવી હુડ અને સ્ટ્રીટ વેન્ડર એકટની અમલવારી માટે કોંગ્રેસ દ્વારા લડત ચલાવવામાં આવશે.
ભાજપ સરકારની બેદરકારીના પાપે અમદાવાદમાં જ 28,819 ફેરિયાઓ ગાયબ: સાત વર્ષથી સર્વે નહીં
તત્કાલીન કેન્દ્રની કોંગ્રેસ સરકાર દ્વારા પ્રોટેક્શન ઓફ લાઈવીહૂડ એન્ડ સ્ટ્રીટ વેન્ડર એક્ટ લાવવામાં આવ્યો હતો. બીજીબાજુ ભાજપ સરકાર-કોર્પોરેશન, નગરપાલિકાના સત્તાતંત્રોની મનમાની-દાદાગીરીને લીધે ગરીબ, સામાન્યવર્ગ ભોગ બની રહ્યાં હોવાનો આક્ષેપ કરતા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ મીડીયા ક્ધવીનર અને પ્રવક્તા ડો. મનિષ દોશીએ જણાવ્યું હતું કે, આઠ મહાનગરપાલિકા અને 157 નગરપાલિકામાં સરકારની ઈચ્છા શક્તિ નો સ્પષ્ટ અભાવ દેખાય રહ્યો છે. અમદાવાદ મ્યુનિ. કોર્પોરેશન દ્વારા 2016 પછી શહેરમાં સ્ટ્રીટ વેન્ડરોનો સરવે કરવામાં આવ્યો હતો જેમાં કુલ 67,197 સ્ટ્રીટ વેન્ડરની નોંધણી કરી હતી પછી ફરી સ્થળે મુલાકાત કરી તો 28,819 ફેરિયાઓ ગાયબ થઇ ગયા હતા. 32,426 ફેરિયાઓની અરજીઓ મંજુર છે. ગુજરાતના 10 શહેરોમાં ફેરિયાઓ ગાયબ થવામાં અમદાવાદ શહેર મોખરે છે.
દેશમાં ત્રીજા ક્રમે છે. સ્થાનિક સત્તામંડળો એટલે કે, મહાનગરપાલિકાએ ફેરિયાઓને જગ્યા ફાળવીને તેમને વસાવવા પડશે અને તેમના રોજગારના અધિકારનું જતન કરવું પડશે. જોકે, આજદિન સુધી આ દિશામાં કોઇ ચોક્કસ પગલાં લેવાયા નથી. અમદાવાદ મ્યુનિ. કોર્પોરેશને આજદિન સુધી ફેરિયાઓનો સરવે કરીને તેની માહિતી જાહેર કરી નથી, ટાઉન વેન્ડીંગ કમિટીની રચના કરી નથી, ટાઉન સ્ટ્રીટ વેન્ડર્સ પ્લાન બનાવ્યો નથી, ટાઉન વેન્ડિંગ પ્લાનની અમલવારી કરી નથી, સ્ટ્રીટ વેન્ડરોને જગ્યાની ફાળવણી કરી નથી. અમદાવાદ મ્યુનિ. કોર્પોરેશનના અધિકારીઓએ છેલ્લા એક દાયકાથી અમદાવાદ શહેરમાં સ્ટ્રીટ વેન્ડરોના હીતમાં કોઇ નિર્ણય લેવાયો નથી. કોઇ સ્ટ્રીટ વેન્ડરોને તેમનો અધિકાર આપવામાં આવ્યો નથી.
કેન્દ્રની કોંગ્રેસ સરકારે વડાપ્રધાન ડો. મનમોહનસિંઘજી અને યુપીએ ચેરપર્સન સોનિયા ગાંધીના નેતૃત્વમાં સામાન્ય માણસને સન્માન સાથે રોજગાર મળી શકે તે માટે અમદાવાદ શહેર સહિત દેશભરના શહેરોમાં રોડ ઉપર ધંધો કરતાં કે રોડ ઉપર પાથરણા બિછાવીને ચીજવસ્તુઓનું વેચાણ કરતાં કે પછી લારી કે રેકડી લઇને ફરતાં ફેરિયાઓને તેમના રોજગારનું રક્ષણ મળે તે માટે મહત્વનો કાયદો બનાવેલો છે. કેન્દ્ર સરકારે વર્ષ 2014માં દેશભરમાં સ્ટ્રીટ વેન્ડર્સ પ્રોટેક્શન ઓફ લાઇલીહુડ એન્ડ રેગ્યુલેશન ઓફ સ્ટ્રીટ વેન્ડિંગ એક્ટ 2014 બનાવીને અમલી બનાવી દીધો છે પણ વાસ્તવિકતા એ છે કે, અમદાવાદ મ્યુનિ. કોર્પોરેશન અને અન્ય સત્તાધિશો દ્વારા છેલ્લાં એક દાયકાથી અમદાવાદ સહિતના શહેરમાં સ્ટ્રીટ વેન્ડિંગ એક્ટની કડક અમલવારી કરવામાં આવી રહી નથી. એક તરફ ભારત સરકાર સ્વનિધિથી સમુદ્ધિ એવી યોજના લાવી છે જેમાં ફેરિયાઓને પ્રથમ તબક્કામાં 10 હજાર, બીજા તબક્કામાં 20 હજાર અને ત્રીજા તબક્કામાં 50 હજારની સહાય આપવા માટે યોજના બનાવી છે. કેન્દ્ર સરકાર દ્વારા શહેરોમાં ફેરિયાઓને શોધીને તેમને સ્વનીધિના નામે 10 હજાર રુપિયાની લોન આપે છે અને બીજી તરફ, અમદાવાદ મ્યુનિ. કોર્પોરેશન દ્વારા ફેરિયાઓનો રોજગાર છીનવવામાં આવી રહ્યો છે,
દૈનિક ધોરણે ફેરિયાઓને પરેશાન કરવામાં આવે છે. તેમની લારીઓ ઉઠાવી લેવામાં આવે છે. તેઓને કનડગત કરવામાં આવે છે સાથે તેઓની સાથે ભેદભાવ કરવામાં આવી રહ્યો છે. કેન્દ્ર સરકારની સ્વનીધિ યોજના અંતર્ગત અમદાવાદ મ્યુનિ. કોર્પોરેશન દ્વારા એક લાખ ફેરિયાઓને લોન આપવામાં આવી છે અને તેની વાહવાહી લેવામાં આવી રહી છે પણ ફેરિયાઓ સવાલ પુછી રહ્યાં છે કે, અમને 10 હજાર રુપિયાની લોન આપો છો પછી અમારી લારી ઉપાડી લો છો તો પછી અમે કેવી રીતે હપ્તા ભરીશું ? ફેરિયાઓને લોન આપીને તેમનો રોજગાર છીનવવામાં આવી રહ્યો છે. કેન્દ્ર સરકારના સ્ટ્રીટ વેન્ડિંગ એક્ટની અમલવારી કરવામાં આવી રહી નથી. પોલીસ, કોર્પોરેશનના દબાણ વિભાગ ગેરકાયદેસર રીતે લારીગલ્લા-ખુચ્ચા-પાથરણાવાળા ગરીબ લોકો પાસે હપ્તા વસૂલવાનું નેટવર્ક ચાલી રહ્યું છે જેનો ભોગ ગરીબ, સામાન્યવર્ગના નાગરિકો બની રહ્યાં છે.
પ્રોટેક્શન ઓફ લાઇલીહૂડ અને સ્ટ્રીટવેન્ડર એક્ટનો સારી રીતે અમલ થાય તે માટે કોંગ્રેસ તમામ જગ્યા પર પ્રદર્શન કરશે. લારી ગલ્લા અને ખુચ્ચાવાળા સહિત તમામ લોકો સન્માન સાથે ડર, ભય વિના આજીવીકા મેળવી શકે તે માટે લડત કરવામાં આવશે.