વિશ્વની સૌથી વધુ યુઝર ધરાવતી મેસેજિંગ સર્વિસ વૉટ્સએપ પર હવે ‘સેન્ટ’ મેસેજને પણ ડીલિટ કરી શકાશે. એટલે કે કોઈ ગ્રૂપ કે કોઈ વ્યક્તિને ભૂલથી મોકલી દેવાયેલો મેસેજ પણ ડીલિટ કરી શકાશે. અત્યાર સુધી માત્ર વોટ્સએપમાં કોઈ વ્યક્તિ સાથેની ચેટ કે રિસીવ થયેલા મેસેજને ડીલિટ કરી શકાતા હતા. વોટ્સએપના લેટેસ્ટ વર્ઝનમાં ફીચર સામેલ કરાશે. જોકે નવું વર્ઝન ક્યારથી ઉપલબ્ધ બનશે હજુ સ્પષ્ટ નથી.
યુઝર વોટ્સએપની મોબાઇલ સ્ક્રીન પર મેસેજ પર આંગળી દબાવી રાખ્યા બાદ ડીલિટના મેનુમાંથી તેને ડીલિટ કરી શકશે. મોકલાયેલો મેસેજ માત્ર સાત મિનિટની અંદર ડીલિટ કરી શકાશે. નવા ફીચર વિશે યુઝર્સને જાણકારી મળે માટે વોટ્સએપે પોતાના ‘એફએક્યુ’ પેજને પણ અપડેટ કર્યું છે. પેજમાં જણાવાયું છે કે ‘યુઝર વ્યક્તિગત કે ગ્રૂપમાં મોકલાયેલા મેસેજને ડીલિટ કરી શકશે. ખાસ કરીને ભૂલથી મોકલી દેવાયેલા મેસેજને ફીચર દ્વારા રદ કરી શકાશે. જોકે સાત મિનિટ પછી ‘સેન્ટ’ મેસેજને ડીલિટ કરી શકાશે નહીં.
સેન્ટ મેસેજ ડીલિટ કરવા માટે સૌપ્રથમ વોટ્સએપ ઓપન કરી ચેટ બોક્સમાં જે મેસેજ ડીલિટ કરવો હોય તેને સિલેક્ટ કરીને મેનુમાંથી ડીલિટ કરી શકાશે.એકવાર ડીલિટ કરી દેવાયા બાદ તમારા ચેટ બોક્સમાં ‘ધીસ મેસેજ વોઝ ડીલિટેડ’ લખાણ વાંચવા મળશે.જો મેસેજના સ્થાને ધીસ મેસેજ વોઝ ડીલિટેડ વાંચવા મળે તો તેનો અર્થ છે કે મોકલનારે મેસેજ ડીલિટ કરી દીધો છે.
દુનિયાભરમાં વોટ્સએપના એક અબજથી વધારે એક્ટિવ યુઝર છે. 2016ના ચોથા ક્વાર્ટરના આંકડા મુજબ વોટ્સએપના સૌથી વધારે એક્ટિવ યુઝર મલેશિયામાં છે. ટોચના પાંચ દેશમાં મલેશિયા બાદ જર્મની, બ્રાઝિલ, સાઉદી અરેબિયા તથા મેક્સિકો છે. સૌથી વધારે વોટ્સએપ યુઝર ધરાવતા દેશોમાં ભારત 9મા ક્રમે છે.