હવે અમરેલીમાં ‘ટચુકડા’ પ્લેનો ઉડતા થઈ જશે. કારણકે એરો ફ્રેયર ઇન્ક કોર્પોરેશન દ્વારા અમરેલી ખાતે વિમાન ઉત્પાદન પ્રોજેક્ટ સ્થપવામા આવી રહ્યો છે. ગઇકાલે તેનું ખાતમુહૂર્ત પણ કરવામાં આવ્યું હતું.
ભારતમાં સૌ પ્રથમ વખત નાનામાં વિમાનના ઉત્પાદન અને એરક્રાફટ મેન્ટેનન્સ,રિપેરિંગ અને ફ્લાઇટ ટ્રેનિંગ ઓર્ગેનાઇઝેશનનું પ્લાન્ટનું અમરેલી ખાતે ભૂમિ પૂજન કરાયું હતું. આ પ્લાન્ટમાં પ્રથમ વર્ષે 2, 4 અને 6 સિટરના 25 વિમાનો બનાવવાનું લક્ષ્યાંક રાખવામાં આવ્યું છે. સાથે પાયલોટ ટ્રેનિંગ એકેડમી પણ સ્થપાશે. અહીં 400 થી વધુ લોકોને રોજગારી મળી રહેશે.
એરો ફ્રેયર ઇન્ક કોર્પોરેશનના પ્રોજેક્ટનું ખાતમુહૂર્ત : પ્રથમ વર્ષે 2, 4 અને 6 સિટરના 25 વિમાનો બનાવવાનું લક્ષ્યાંક : પાયલોટ ટ્રેનિંગ એકેડમી પણ સ્થપાશે
ભારતમાં સૌ પ્રથમવાર અમરેલી જિલ્લામાં ટુ સિટર, ફોર સિટર અને સિક્સ સિટર વિમાનના ઉત્પાદન અને એરક્રાફટ મેન્ટેનન્સ,રિપેરિંગ અને ફ્લાઇટ ટ્રેનિંગ ઓર્ગેનાઇઝેશનનું વલ્લભ કુલભુષણ વૈષ્ણવાચાર્ય ગોસ્વામી ૧૦૮ વ્રજ કુમારજીએ ભૂમિ પૂજન કર્યું હતું. આ તકે ગુજરાત પ્રદેશ ભાજપ પ્રમુખ સી.આર પાટિલ અને કેન્દ્રીયમંત્રી પરષોત્તમ રૂપાલાની પ્રેરક ઉપસ્થિતી રહી હતી. અમરેલી જિલ્લાના કૌશિક વેકરીયા સહિત પાંચેય ધારાસભ્યો તેમજ અમરેલીનાં સાંસદ , પોરબંદર સાંસદ રમેશ ધડુક પણ હાજર રહ્યા હતા. સાથે જિલ્લા ભાજપની ટીમ ઉપસ્થિતિ રહી હતી.
એરો ફ્રેયર ઇન્ક કંપની દ્વારા એક વર્ષનાં સમય ગાળામાં ટુ સિટર,ફોર સિટર અને સિક્સ સિટર વિમાનના ઉત્પાદન અને એરક્રાફટ મેન્ટેનન્સ,રિપેરિંગ અને ફ્લાઇટ ટ્રેનિંગ ઓર્ગેનાઇઝેશન પ્લાન્ટ શરૂ થઈ જશે જેમાં 100 નું ઇન્સ્વેસ્ટમેન્ટ કરવામાં આવ્યું છે અને પછી 500 કરોડનું ટર્નઓવર સુધી આ કંપનીને લઈ જશે જેમાં પહેલા વર્ષે 25 જેટલા નાના વિમાનો બનાવવામાં આવશે ત્યાર બાદ ઑર્ડર મુજબ વિમાનો બનાવવામાં આવશે.
વર્ષ 2015માં પણ વાયબ્રન્ટ ગુજરાતમાં આવો જ પ્રોજેકટ મુકાયો હતો, પણ સાકાર ન થયો
વર્ષ 2015ના વાયબ્રન્ટ ગુજરાતમાં આનંદીબેન પટેલ વખતે આવો જ એક પ્રોજેકટ મુકવામાં આવ્યો હતો. જો કે વહીવટી પ્રક્રિયામાં આ પ્રોજેકટ આગળ વધી શક્યો ન હતો. આ પ્રોજેક્ટમાં પણ નાના વિમાનો તેમજ ડ્રોનનું નિર્માણ અને તેનું મેઈન્ટેનન્સની કામગીરીનો સમાવેશ થતો હતો. આ પ્રોજેક્ટ જો ત્યારે આગળ ધપ્યો હોત, તો અત્યારે ફૂલ ફ્લેઝમાં પ્લાન્ટ કાર્યરત પણ થઈ ગયો હોત.
દેશ- વિદેશમાં વિમાન વેચાશે
અમરેલીમાં જે નાના વિમાનોનું ઉત્પાદન કરવામાં આવશે. તે વિમાનો દેશ-વિદેશમાં વેચવામાં આવશે. આ પ્રોજેક્ટ ગુજરાતના અર્થતંત્રમાં મહત્વની ભૂમિકા ભજવશે. જેમ ઓર્ડર વધતા જશે તેમ આ પ્રોજેક્ટનું ટર્નઓવર વધતું જશે. જેથી અહીં મોટા પ્રમાણમાં રોજગારીનું પણ સર્જન થશે. ઉપરાંત વિદેશી હૂંડિયામણ પણ મોટા પ્રમાણમાં આવશે.
વિશ્વભરમાં ચાર્ટર્ડ પ્લેનની ડિમાન્ડમાં ભારે ઉછાળો
લોકોની લાઇફસ્ટાઇલ સતત સુધરી રહી છે. ઉપરાંત માલેતુજાર લોકોની સંખ્યામાં પણ ધરખમ વધારો થતો જઈ રહ્યો છે. તેવામાં હવે ઉદ્યોગકારો પોતાનું નાનું ચાર્ટર્ડ પ્લેન રાખવાના પણ શોખીન બન્યા છે. આમ વિશ્વભરમાં નાના પ્લેનનો ક્રેઝ વધ્યો છે. જેથી તેની ડિમાન્ડમાં પણ ઉછાળો નોંધાયો છે.