વીધાનસભાના આગામી સત્રમાં જ બિલ રજૂ કરી દેવાય તેવી પ્રબળ શક્યતા પીઆઈએલની સુનાવણી બાદ રાજ્ય સરકારને કાયદો ઘડવા હાઇકોર્ટનો આદેશ
અંધશ્રદ્ધા અનેક પરિવારનો માળો વિખેરી નાખતો હોય, અનેક નિર્દોષ લોકોના ભોગ લેતો હોય તેવા અહેવાલ છાસવારે સામે આવતા હોય છે ત્યારે હવે અંધશ્રદ્ધા અને તાંત્રિક વિધિ કરનારાઓનું આવી બનશે. રાજ્ય સરકાર ટૂંક સમયમાં જ અંધશ્રદ્ધા વિરુદ્ધ એક કાયદો અમલમાં લઇ આવનાર છે. હાઇકોર્ટના આદેશ બાદ આગામી વિધાનસભા સત્રમાં જ આ બિલ રજૂ કરી દેવામાં આવે તેવી પ્રબળ શક્યતાઓ છે. ગુજરાતમાં આવનારા વિધાનસભા સત્રમાં રાજ્ય સરકાર એક મહત્વપૂર્ણ બિલ લાવવા જઈ રહી છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની સરકાર રાજ્યમાં અંધશ્રદ્ધા સામે કાયદો બનાવવા વિધાનસભામાં બિલ લાવશે. બિલ પાસ થતા રાજ્યમાં કાળા જાદુ, અઘોરી પ્રવૃત્તિ અને અમાનવીય પ્રવૃત્તિઓ સામે કડક કાયદો બનશે.
પ્રાપ્ત વિગત અનુસાર બનાસકાંઠાના એક અરજદારે ગુજરાત હાઈકોર્ટમાં જાહેરહીતની અરજી દાખલ કરી હતી. જેમાં માંગ કરાઈ હતી કે ગુજરાતમાં અંધશ્રદ્ધાના નિર્મૂલન માટે કાયદો બનાવવા કોર્ટ સરકારને નિર્દેશ આપે. આ માટે અરજદારે કોર્ટ સમક્ષ ગુજરાતમાં બનેલા 30 બનાવો પણ મૂક્યા હતા.જેમાં ગુજરાતના કેટલાક બનાવોમાં એક 2 વર્ષની બાળકીને ગરમ સળિયાથી ડામ આપતા તેનું મૃત્યુ નીપજ્યું હતું. બીજા એક કેસમાં એક વ્યક્તિને કંકુ વાળું પાણી પીવા ફરજ પાડવામાં આવી હતી. અન્ય એક કેસમાં એક દિવ્યાંગ વ્યક્તિને ફક્ત માથું જ જમીનની બહાર રહે તેમ દાટી દેવામાં આવ્યો હતો. એક ખેડૂત દંપતીએ અંધશ્રદ્ધામાં દેહત્યાગ કર્યો હતો. એક સગીરા ઉપર દુષ્કર્મ આચરવામાં આવ્યું હતું. અરજદારે અરજીમાં વધુ જણાવ્યું કે, ગુજરાતમાં પછાત અને આદિજાતિ લોકોમાં અંધશ્રદ્ધા વધુ પ્રચલિત છે. જેનો ભોગ બન્યા હોય તે લોકો ફરિયાદ માટે ઓથોરિટી સમક્ષ જઈ પણ શકતા નથી. અંધવિશ્વાસનો સૌથી વધુ ભોગ મહિલાઓ અને બાળકો બને છે. આ કાયદાનો હેતુ સામાજિક જાગૃતિ અને સામાન્ય લોકોને અંધશ્રદ્ધાથી બચાવવાનો છે. હાઈકોર્ટના આદેશને પગલે સરકાર અને ગૃહ વિભાગના ઉચ્ચ અધિકારીઓએ ગહન ચર્ચા કરીને અંધશ્રદ્ધાને ડામવા બિલ લાવવાનું નક્કી કર્યું છે.