ગુજરાત માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણ બોર્ડના સંયુક્ત નિયામક દ્વારા ધોરણ 9 અને ધોરણ 11ના વિદ્યાર્થીઓના હીત માટે એક પરિપત્ર જાહેર કરવામાં આવ્યો છે જેમાં ધોરણ 9 અને 11 માં નાપાસ થયેલા વિદ્યાર્થીઓ માટે મોટો નિર્ણય લેવાયો છે. હવે ધો. ૯ અને 11માં નાપાસ થયેલા વિદ્યાર્થીઓની રીટેસ્ટ લેવામાં આવશે.
આ વર્ષે ધો. 9 અને 11માં 50 થી 60 ટકા વિદ્યાર્થીઓ સ્કુલે લીધેલી પરીક્ષામાં નાપાસ થતાં સ્કુલ સંચાલ મંડળે રિટેસ્ટ લેવાય તેવી સરકાર પાસે રજુઆત કરી હતી. ગુજરાત રાજ્ય શાળા સંચાલક મહામંડળ દ્વારા કરાયેલી રજૂઆત બાદ શિક્ષણ વિભાગે બાળકોના હિતમાં નિર્ણય લીધો છે. 13 જૂનથી શાળાઓ શરૂ થાય ત્યારે નાપાસ વિદ્યાર્થીઓની શાળા કક્ષાએ પરીક્ષા લેવા આદેશ કરાયો છે.
શૈક્ષણિક વર્ષ 2021 – 22 દરમિયાન ધોરણ 9 અને 11 માં નાપાસ થયેલા વિદ્યાર્થીઓને એક તક અપાશે. શિક્ષણ બોર્ડ દ્વારા જણાવાયુ કે, સમગ્ર કાર્યવાહી જિલ્લા શિક્ષણાધિકારીના તાબા હેઠળ કરવાની રહેશે. રી – ટેસ્ટ માટે પરીક્ષાનું સંપૂર્ણ આયોજન શાળા કક્ષાએથી કરવાનું રહેશે. શિક્ષણ વિભાગના આ નિર્ણયથી વિધાર્થીઓના અભ્યાસનું 1 વર્ષ બચશે.
ઉલ્લેખનીય છે કે કોરોનાકાળ દરમિયાન શૈક્ષણિક વર્ષ 2021 – 22 માં ધોરણ 9માં અંદાજે 45 ટકા, જ્યારે કે ધોરણ-11 માં 40 વિદ્યાર્થીઓ નાપાસ થયા હોવાનો દાવો કરાયો હતો. ધોરણ 8 માં માસ પ્રમોશન મેળવી ધોરણ 9 માં આવેલા વિદ્યાર્થીઓનું નબળું પરિણામ આવ્યુ હતુ. જેથી મહામંડળ દ્વારા વિદ્યાર્થીઓનું વર્ષ ના બગડે એ માટે રી-ટેસ્ટ લેવા રજૂઆત કરાઈ હતી.