હાલમાં પણ કોરોના પ્રવર્તી રહ્યો છે. પરંતુ સાવચેતી જાળવીને શિક્ષણકાર્ય શરૂ કરવામાં આવ્યું છે. ઓફલાઇન વર્ગો શરૂ થયા છે. રાબેતા મુજબ શૈક્ષણિક કાર્ય શરૂ થતા હવે પરીક્ષા પદ્ધતિ પણ વર્ષ 2019-2020 મુજબની કરવામાં આવી છે. ગુજરાત શિક્ષણ બોર્ડ દ્વારા વર્ષ 2022-2023ની વાર્ષિક તેમજ અન્ય પરીક્ષાઓ માટે વર્ષ 2019-2020 મુજબની પરીક્ષા પદ્ધતિનું અમલીકરણ કરવાનો આદેશ આપવામાં આવ્યો છે.

ગુજરાત શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ 9થી 12ના વર્ગોની પરીક્ષા પદ્ધતિમાં ફેરફાર કરવામાં આવ્યો છે. હવેથી પરીક્ષામાં 20 ટકા એમસીક્યુ અને 80 ટકા વર્ણનાત્મક પ્રશ્નો પૂછાશે. મહત્વનું છે કે કોરોના મહામારીને કારણે પરીક્ષા પદ્ધતિમાં ફેરફાર કરવામાં આવ્યો હતો.જે મુજબ 30 ટકા MCQ પ્રશ્નો પૂછવાનો નિર્ણય કરાયો હતો. આ ફેરફાર ધોરણ 9થી 12 વિદ્યાર્થીઓ માટે કરવામાં આવ્યો હતો.

વર્ષ 2019-2020ની શું છે પરીક્ષા પદ્ધતિ

વર્ષ 2019-2020 મુજબની પરીક્ષા પદ્ધતિ વિશે વાત કરીએ તો ધોરણ 10માં 100 માર્કસના પેપરમાં શાળાના આંતરિક મૂલ્યાંકનના 20માર્ક જ્યારે બોર્ડનુ પેપર 80 માર્કનું રહેશે. જેમાં 20માર્કસમાંથી 7 અને 80માંથી 26 એમ કુલ 33 માર્કસ મેળવનાર વિદ્યાર્થી પાસ ગણાશે. જ્યારે ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહમાં 100 માર્કના પ્રશ્નપત્રમાં 20 માર્ક હેતુલક્ષી પ્રશ્ન અને 80 માર્કના ટૂંકા, લાંબા અને નિબંધ પ્રકારના પ્રશ્નો પુછાશે. ધોરણ 12 સામાન્ય પ્રવાહમાં 100 ટકા થીયરી પ્રકારના પ્રશ્નો મુજબના પ્રશ્નપત્રનું પરિરૂપનો અમલ યથાવત રહેશે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.