મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીનો મહત્વનો નિર્ણય : દરેક હાઈરાઈઝડ બિલ્ડીંગ, ઊંચા મકાનો, વાણિજ્યક સંકુલ, કોલેજ-હોસ્પિટલ, ઔદ્યોગિક એકમોને દર છ મહિને સરળતાથી એનઓસી રિન્યુઅલની સુવિધા મળશે
સિવિલ, મિકેનીકલ, ઇલેક્ટ્રિકલ, ફાયર, ડિઝાસ્ટર મેનેજમેન્ટ સહિતના ક્ષેત્રના યુવા એન્જીનીયર્સને સ્વરોજગારીની નવી તકો મળશે
ખાનગી યુવા ઇજનેરોને જરૂરી તાલીમ બાદ ફાયર સેફટી ઓફિસર તરીકે પ્રેક્ટિસ કરવા પરવાનગી અપાશે : નગરો- મહાનગરોમાં સ્વતંત્ર પ્રેક્ટિસ કરતા ફાયર સેફટી ઓફિસરોની પેનલ તૈયાર કરવામાં આવશે
રાજયમાં મિલકતોન જાન-માલ-મિલ્કતને આગથી સંરક્ષણ આપવા માટે ગુજરાત સરકાર દ્વારા મહત્વની જાહેરાત કરાઈ છે. આ જાહેરાત મુજબ, રાજ્યમાં દરેક હાઈરાઈઝ બિલ્ડિંગ, ઉંચા મકાનો, વાણિજ્યક સંકુલ, સ્કૂલ, કોલેજ-હોસ્પિટલ્સ, ઔદ્યોગિક એકમો માટે ફાયર સેફટી (એન.ઓ.સી. મેળવવાનું અને દર છ મહિને તેનું રિન્યુઅલ ફરજિયાત કરવામાં આવ્યું છે.
ગુજરાત સરકારના આ નિર્ણયથી સિવિલ, મિકેનિકલ, ઈલેક્ટ્રિકલ, ફાયર, ડિઝાસ્ટર મેનેજમેન્ટ ક્ષેત્ર સહિતના યુવા એન્જિનિયર્સને સ્વરોજગારીની નવી તકો મળતી થશે.
તેમજ શહેરીકરણના વધતા વ્યાપ સામે આવા ફાયર સેફ્ટી ઓફિસરની સેવાઓ વ્યાપક સ્તરે મળતી થવાથી એનઓસી મેળવવાનું અને રિન્યુએબલ પણ સરળતાથી થઈ શકશે. બિલ્ડિંગના પ્રકાર અને ઉપયોગના આધારે ફાયર સેફ્ટીને લગતી તમામ પ્રકારની તાલીમ માટે રાજ્ય સરકાર ઓફલાઇન અને ઓનલાઇન સર્ટિફિકેટ તાલીમ મોડ્યુલ વિકસાવશે.
રાજ્યમાં આવેલા અંદાજે ૫ લાખથી વધુ મકાનો, વાણિજ્યિક સંકુલ, શાળા-કોલેજો, હોસ્પિટલ, ઔદ્યોગિક એકમોને રાજ્ય સરકારના આ નિર્ણયથી એન.ઓ.સી. મેળવવાનું અને દર છ માસે રિન્યુઅલ કરાવવાનું ખૂબ જ સરળ બનશે.
મિલકત માલિકો-કબજેદારો પોતાની પસંદગી મૂજબના ફાયર સેફ્ટી અધિકારીની સેવાઓ મેળવી શકશે.
નગરો અને મહાનગરોમાં આવા સ્વતંત્ર પ્રેક્ટિસ કરતા ફાયર સેફ્ટી ઓફિસરની પેનલ તૈયાર કરવામાં આવશે. ફાયર સેફ્ટી એક્ટની કલમ ૧૨ મુજબ આવા ફાયર સેફ્ટી ઓફિસરોની નિમણૂંક કરવામાં આવશે. જેનાથી રાજ્યમાં વ્યાપક રોજગારીની તકો ઉભી થવાની સાથે લોકોની સુરક્ષા પણ જળવાશે અને સાથે મિલકતધારકોને એનઓસી મેળવવું પણ ખૂબ સરળ બનશે
છાસવારે બનતા આગના બનાવો ઘટાડવા સરકારનો પ્રેરક નિર્ણય
રાજ્યમાં આગના બનાવો છાસવારે બની રહ્યા છે. નાની- મોટી બેદરકારીના પગલે આગની દુર્ઘટના સર્જાઈ છે. જેના કારણે ભૂતકાળમાં પણ અનેક લોકોના મોત પણ નિપજ્યા છે. જો કે અગાઉ જાગ્યા ત્યારથી સવાર તેમ માનીને આગની કોઈ મોટી દુર્ઘટના સર્જાઈ ત્યારે રાજ્યભરમાં થોડા સમય માટે ફાયર સેફટીની ચેકીંગ ઝુંબેશ ચલાવવામાં આવતી હતી. પરંતુ હવે સરકાર દ્વારા આ બાબતને ગંભીરતાથી લઈને દર છ મહિને ફાયર સેફટી એનઓસી રિન્યુઅલનો નિયમ લાગુ કરવામાં આવ્યો છે.