- અગાઉ છીનવાયેલ સત્તા પરત સોંપવા વ્યાપક રજુઆતો મળ્યાના પગલે મૂળ પધ્ધતિ
- યથાવત રાખવા રાજ્ય પોલીસ વડાનો આદેશ
આશરે 2 માસ પૂર્વે રેન્જ આઈજી પાસેથી પોલીસમેનની આંતર જિલ્લા બદલીની સતા લઇ લેવાયા બાદ ફરીવાર હવે રેન્જ આઇજીને આંતર જિલ્લા બદલીની સતા પરત આપી દેવામાં આવી છે. અગાઉ રેન્જ આઈજી જાહેર હિત તેમજ શિક્ષાત્મક પગલાં સ્વરૂપે પોલીસમેનની આંતર જિલ્લા ફેરબદલી કરી શકતા હતા પણ બે માસ પૂર્વે આ સતા છીનવી લઇ પોલીસ કર્મચારીઓ-અધિકારીઓની આંતર જિલ્લા બદલીના હુકમ માત્ર ડીજીપી જ કરી શકશે તેવી સત્તાવાર જાહેરાત કરી દેવાઈ હતી.
ગુજરાત પોલીસમાં ફરજ બજાવતા પોલીસનાં કર્મચારીઓ તથા અધિકારીઓની બદલી માટેનો રાજ્ય સરકાર દ્વારા બે માસ પૂર્વે એક નિર્ણય કરવામાં આવ્યો હતો. જેમાં પોલીસ કર્મચારીઓની આંતરિક જીલ્લા બદલીની તમામ સત્તા રાજ્ય પોલીસ વડાને સોંપવામાં આવી હતી. ગુજરાત પોલીસ વિભાગમાં બદલીની સતા રાજય પોલીસ વડાના પાસે રહેશે પોલીસ કર્મચારીઓની એકથી બીજા જિલ્લામાં અથવા એક રેન્જમાંથી બીજી રેન્જમાં બદલી કરવાની સત્તા અગાઉ રેન્જ ડીઆઈજી પાસે હતી, પરંતુ તેમની પાસેથી તે સત્તા આંચકી લેવાઈ હતી.
આંતર જિલ્લા માટેની તમામ બદલીઓ રાજ્ય પોલીસ વડા હસ્તક જ રહેશે તે પ્રકારનો નિર્ણય બેક માસ પૂર્વે કરવામાં આવ્યો હતો. ઉલ્લેખનીય છે કે અગાઉ એક જ રેન્જમાં આંતરિક બદલીઓ રેન્જ આઇજીને સોંપાઈ હતી પરંતુ બદલીઓ માટે અગાઉ કરવામાં આવેલા તમામ પરિપત્ર રદ કરી દેવાયા હતા. આ સંદર્ભમાં પોલીસ કમિશ્નરો, જિલ્લા પોલીસ વડાઓ અને રેન્જ આઇજી સહિતના અધિકારીઓને જાણ કરવામાં આવી હતી.
અગાઉ જાહેર કરવામાં આવેલ પરિપત્રમાં ઉલ્લેખ કરવામાં આવ્યો હતો કે, રાજ્ય પોલીસ દળમાં ફરજ બજાવતા પોલીસ અધિકારી/કર્મચારીઓની આંતર જીલ્લા બદલી કરવા બાબતે ગુજરાત પોલીસ એક્ટ-1951ના નિયમ- 28(1) તથા ગુજરાત પોલીસ મેન્યુઅલ ભાગ-1 ના નિયમ-153, નિયમ-154 (3) અન્વયે પોલીસ મહાનિદેશક અને મુખ્ય પોલીસ અધિકારી, ગુજરાત રાજ્ય, ગાંધીનગરનાઓને સત્તા આપવામાં આવેલ છે. જે જોગવાઈ અનુસંધાને રાજ્ય પોલીસ દળના પોલીસ અધિકારી/ કર્મચારીઓની જાહેર હિતમાં બદલી કરી શકાશે. જેથી પોલીસ અધિકારી/કર્મચારીઓની આંતરજીલ્લા બદલી કરવા બાબતે અત્રેની કચેરી તરફથી અગાઉ પરિપત્રિત કરવામાં આવેલ તમામ સૂચનાઓ આથી રદ કરવામાં આવે છે.
આ આદેશ બાદ રાજ્યભરમાંથી આંતર જિલ્લા બદલીની સતા રેન્જને પરત સોંપવા વ્યાપક રજુઆતો થયાંનું સૂત્રો જણાવી રહ્યા છે. ત્યારે આ મામલે મળેલી રજૂઆતોને ધ્યાને રાખી ડીજીપી વિકાસ સહાય દ્વારા મૂળ પદ્ધતિ રટલે આંતર જિલ્લા બદલીન્જ સતા રેન્જને આપવાની જોગવાઈ યથાવત રાખવા આદેશ આપવામાં આવ્યો છે. જેથી ફરીવાર હવે પીઆઈથી માંડી તમામ તમામ પોલીસમેનની બદલી રેન્જ આઇજી કરી શકશે.
સત્તા છીનવાઈ જતાં ઘોંચમાં પડેલી બદલીના આદેશની પુન:સમીક્ષા કરાશે
અગાઉ રેન્જ દ્વારા બદલીનો આદેશ આપવામાં આવ્યો હોય પણ બદલીની સતા છીનવાઈ જતાં ઓર્ડર ઘોંચમાં પડ્યો હોય તેવા ઓર્ડરની હવે ફરીવાર સમીક્ષા કરવામાં આવશે તેવું પોલીસ સૂત્રો જણાવી રહ્યા છે. એકવાર ઓર્ડર થયાં બાદ ડીજીપીના પરિપત્રને કારણે બદલીનો આદેશ ઘોંચમાં પડ્યો હોય પણ હવે સતા પરત મળતા જે તે રેન્જ આઇજી દ્વારા તે ઓર્ડરની પુન:સમીક્ષા કરીને બદલીનો ફાઇનલ ઓર્ડર કરવામાં આવશે તેવું જાણવા મળી રહ્યું છે.