આજી ડેમ ચોકડી, બેડી નાકા અને મરચાપીઠ પાસે આવેલા રેન બસેરાના સંચાલનની મુદત લંબાવવા સ્ટેન્ડિંગમાં દરખાસ્ત..
સુપ્રિમ કોર્ટના આદેશ અનુસાર રાજકોટ મહાનગરપાલિકા દ્વારા શહેરી ઘર વિહોણા લોકો માટે શહેરમાં અલગ અલગ પાંચ સ્થળોએ રેનબસેરા બનાવવામાં આવ્યા છે. આ રેન બસેરા અત્યાર સુધી દિવસ દરમિયાન માત્ર સાંજના ૭ થી સવારના ૭ વાગ્યા સુધી એમ ૧૨ કલાક જ ખુલ્લા રહેતા હતા. હવે રેન બસેરા ૨૪ ડ્ઢ ૭ ખુલ્લા રહેશે. ત્રણ રેનબસેરાના સંચાલનની મુદત વધારવા સ્ટેન્ડિંગ કમીટી સમક્ષ દરખાસ્ત કરવામાં આવી છે.
આ અંગે વધુ માહિતી આપતા સ્ટેન્ડિંગ કમીટીના ચેરમેન પુષ્કરભાઈ પટેલે જણાવ્યું હતું કે, મહાપાલિકા વિસ્તારમાં હાલ પાંચ રેનબસેરા કાર્યરત છે. જે પૈકી ૧ માત્ર ભોમેશ્ર્વરમાં આવેલું રેન બસેરા ૨૪ કલાક ખુલ્લુ રહે છે. હવે બીજા ત્રણ રેનબસેરા પણ ૨૪ કલાક ખુલ્લા રાખવામાં આવશે. આજી ડેમ ચોકડી પાસે, બીડી નાકા અને જૂના મરચાપીઠ પાસે આવેલું રેન બસેરાનું સંચાલન સંભાળતી સંસ્થાની મુદતમાં ૩ માસનો વધારો કરવા સ્ટેન્ડિંગ કમીટીમાં દરખાસ્ત રજૂ કરાઈ છે.