મોરવાહડફ વિધાનસભા બેઠકની પેટા ચૂંટણી માટે પણ ચૂંટણી ઈન્ચાર્જની નિમણૂક કરાઈ
છ મહાનગરપાલિકા, 31 જિલ્લા પંચાયત, 231 તાલુકા પંચાયત અને 81 નગરપાલિકાની ચૂંટણીમાં ભાજપને મળેલી ઐતિહાસિક જીત બાદ હવે પાટનગર ગાંધીનગર મહાપાલિકામાં કમળ ખીલવવા માટે ભાજપે તૈયારી શરૂ કરી છે.
ગાંધીનગર મહાપાલિકાની સામાન્ય ચૂંટણી માટે આજે પ્રદેશ ભાજપ પ્રમુખ સી.આર.પાટીલ દ્વારા ચૂંટણી ઈન્ચાર્જના નામોની સત્તાવાર ઘોષણા કરી દેવામાં આવી છે. આ ઉપરાંત મોડવાહડફ વિધાનસભા બેઠકની પેટા ચૂંટણી માટે પણ ચૂંટણી ઈન્ચાર્જની નિમણૂંક કરવામાં આવી છે.
ગાંધીનગર મહાનગર પાલિકાની સામાન્ય ચૂંટણી માટે રાજ્ય સરકારના સીનીયર કેબીનેટ મંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમા, ગુજરાત પ્રદેશ ભાજપ મહામંત્રી રજનીભાઈ પટેલ અને પૂર્વ મંત્રી અમિતભાઈ ઠાકરની ચૂંટણી ઈન્ચાર્જ તરીકે નિમણૂંક કરવામાં આવી તો મોડવાહડફ વિધાનસભા બેઠકની પેટા ચૂંટણી માટે રાજ્ય સરકારના ગૃહમંત્રી પ્રદિપસિંહ જાડેજા, પ્રદેશ ભાજપ મહામંત્રી ભાર્ગવભાઈ ભટ્ટ અને પરાક્રમસિંહ જાડેજાની ચૂંટણી ઈન્ચાર્જ તરીકે વરણી કરવામાં આવી હોવાનું પ્રદેશ ભાજપ મીડિયા ક્ન્વીનર ડો.યજ્ઞેશભાઈ દવેએ જણાવ્યું હતું.