ગુજરાતની માધ્યમિક તેમજ ઉચ્ચતર માધ્યમિક ગ્રાન્ટેડ શાળાઓના વર્ગ વધારાની પ્રક્રિયામાં ધરખમ ફેરફાર કરાયો છે. વર્ગ વધારાના નિર્ણયની પ્રક્રિયા હવે દર વર્ષે 31 ઓગસ્ટ સુધીમાં જ પૂર્ણ કરી દેવાની રહેશે. નિર્ણયની પ્રક્રિયા સરળ કરી દેવાઇ છે. જેમાં આધારબેઝ્ડ ડાયસ સિસ્ટમ અને ચાઇલ્ડ ટ્રેકિંગ સિસ્ટમ ઓનલાઇન પોર્ટલ પરથી વર્ગ વધારાની સંખ્યા નક્કી કરાશે. આ વખતે શિક્ષણ વિભાગ દ્વારા પ્રાથમિક શાળાઓમાં ડ્રોપ આઉટ રેશિયો ઘટીને પાંચ ટકા થયો છે. જેના પગલે આગામી શૈક્ષણિક વર્ષથી નવા વર્ગ વધારાની જરૂરિયા ઉભી થશે.
ચાઇલ્ડ ટ્રેકિંગ સિસ્ટમ ઓનલાઇન પોર્ટલથી જરૂર છે કે કેમ તેનો નિર્ણય લેવાશે
અત્યારસુધી જૂની પ્રક્રિયા મુજબ વર્ગ વધારા માટે સ્કૂલ ઓફ કમિશનર કચેરી દ્વારા શિક્ષણ વિભાગમાં બજેટ માટે દરખાસ્ત કરાતી હતી. 1 એપ્રિલથી બજેટ અમલમાં આવે તે દરમિયાન જો કોઇ મહત્ત્વની બાબત આવી જાય તો વર્ગ વધારાની દરખાસ્ત વિલંબમાં પડતી હતી. આ પછી બજેટ મંજૂર થયા બાદ વધારાની જાહેરાત આપવામાં આવતી.આ જાહેરાતના પગલે શાળાઓએ ડીઈઓ કચેરીમાં અરજી કરવી પડતી હતી.
આ પછી ડીઈઓ કચેરી દ્વારા સ્થળ તપાસ થતી અને ત્યારબાદ સ્કૂલ ઓફ કમિશ્નર કચેરીમાં વિગત અપાતી. સ્કૂલ ઓફ કમિશ્નર કચેરીમાં વિગત આવ્યા બાદ પરંપરા મુજબ ત્યાંથી મંજૂરી મેળવવામાં ખાસ્સો સમય થઇ જતો હતો. આમ, આ જૂની પ્રક્રિયાને કારણે ગુજરાતની અનેક ગ્રાન્ટેડ શાળાઓના પાટીયા પડી ગયા હતા.