રાજકોટ સહિત દેશના છ શહેરોમાં લાઈટ હાઉસ પ્રોજેક્ટનું ઈ-ખાતમુહૂર્ત કરતા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી
૨૦૨૨ સુધીમાં હાઉસિંગ ફોર ઓલનું સપનું સાકાર કરવા ઝડપથી આવાસનો નિર્માણ થાય તે માટે નવી ટેકનોલોજી અપનાવવા યુનિવર્સિટીઓ અને એન્જિનિયરોને આહવાન કરતા વડાપ્રધાન
અગાઉ કેન્દ્ર સરકારની પ્રાથમિકતા ક્યારેય આવસ યોજના ન હતી,છેલ્લા છ વર્ષમાં સરકારે ગરીબ અને મધ્યમ વર્ગની ચિંતા કરી:નરેન્દ્ર મોદી
કેન્દ્ર સરકાર દ્વારા ૨૦૨૨ સુધીમાં દેશના દરેક નાગરિકને સુવિધાસભર ઘરનું ઘર મળી રહે તે માટે હાઉસિંગ ફોર ઓલ મિશન હેઠળ પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત અલગ-અલગ કેટેગરીના આવાસ બનાવવામાં આવી રહ્યા છે.આવાસ નિર્માણનું કામ ઝડપથી થાય ગરીબ અને મધ્યમવર્ગીય પરિવારોને ઝડપથી ઘર મળી તે માટે વિશ્વભરની શ્રેષ્ઠ ટેક્નોલોજીનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે.આજે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી દ્વારા રાજકોટ સહિત દેશના અલગ અલગ છ શહેરોમાં ગ્લોબલ હાઉસિંગ ટેકનોલોજી ચેલેન્જ-લાઈટ હાઉસ પ્રોજેક્ટનું વર્ચ્યુઅલ શિલાન્યાસ કર્યું હતું.રાજકોટમાં ફ્રાન્સની ટનલ ફોર્મ વર્ક ટેકનોલોજી થકી માત્ર એક જ વર્ષમાં ૧૧૪૪ આવાસોનું નિર્માણ કરવામાં આવશે.જે શહેરોમાં લાઈટ હાઉસ પ્રોજેક્ટનો અમલ કરવામાં આવ્યો છે. તે તમામ છ શહેરોમાં વાતાવરણ અને સ્થિતિને ધ્યાનમાં રાખી અલગ અલગ દેશની ટેક્નોલોજીનો ઉપયોગ કરવામાં આવ્યો હોવાનું વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી જણાવ્યું હતું
ગુજરાતના રાજકોટ,ઉત્તર પ્રદેશના લખનઉ ,ઝારખંડના રાંચી,ત્રિપુરાના અગરતલા મધ્યપ્રદેશના ઇન્દોર અને તમિલનાડુના ચેન્નઈ શહેરમાં લાઈટ હાઉસ પ્રોજેક્ટના ઈ-ખાતમુહૂર્ત કર્યા બાદ વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીએ દેશવાસીઓને ૨૦૨૧ના વર્ષની મંગલ શુભકામના પાઠવી હતી. તેઓએ જણાવ્યું હતું કે આજે નવા વર્ષે સૌ સંકલ્પ બનીએ કે તેજ ગતિથી આગળ વધીશું.ગરીબ અને મધ્યમ વર્ગના લોકોને ઘરનું ઘર મળી રહે તે માટે આવાસ યોજનામાં નવી ટેકનોલોજીનો ઉપયોગ કરવામાં આવ્યો છે.તમામ સેક્ટરમાં હાલ સરકાર દ્વારા નવી ટેકનોલોજી લાવવામાં આવી રહી છે. વર્ષ ૨૦૨૨ સુધીમાં દેશના દરેક નાગરિકને ઘરનું ઘર મળી રહે તે માટે આવાસ નિર્માણનું કામ ઝડપથી થાય તેવા આશય સાથે અલગ અલગ રાજ્યોના અલગ-અલગ શહેરોમાં આવાસ નિર્માણ માટે વાતાવરણ અને સ્થિતિ અનુસાર વિવિધ દેશોની ટેક્નોલોજીનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે.લાઈટ હાઉસ પ્રોજેક્ટ થકી એક વર્ષમાં એક સાઇટ પર ૧૦૦૦ આવાસ બનાવવામાં આવશે. એટલે કે રોજ ત્રણ અને એક મહિનામાં આશરે ૯૦ થી ૧૦૦ જેટલા આવાસનો નિર્માણ થશે.તેઓએ ઉમેર્યું હતુ કે રાજકોટ શહેરમાં આવાસ નિર્માણ માટે ફ્રાન્સની ટેક્નોલોજીનો ઉપયોગ કરવામાં આવશે.આવાસ યોજનાનું કામ મોનોલીથીક પ્રકારનું બાંધકામ ટનલ ફોર્મ વર્ક ટેકનોલોજીના આધારે કરવામાં આવશે.ફ્રાન્સની આ ટેકનોલોજી થકી રાજકોટમાં એક વર્ષમાં ૧૧૪૪ આવાસનું બાંધકામ પૂર્ણ થશે.
વડાપ્રધાને વધુમાં જણાવ્યું હતું કે એક સમયે આવાસ યોજના કેન્દ્ર સરકારની પ્રાથમિક્તા ન હતી.પરંતુ છેલ્લા છ વર્ષમાં સ્થિતિમાં ફેરફાર આવ્યો છે.આવાસ નિર્માણ સાથે અમે ક્વોલિટી પર પણ ધ્યાન આપીએ છીએ.ગરીબ અને મધ્યમ વર્ગીય લોકોને ઘરનું ઘર ઝડપથી કઈ રીતે પ્રાપ્ત થાય તે માટે ગ્લોબલ હાઉસિંગ ટેકનોલોજીનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે.જેના માટે અલગ-અલગ દેશની સૌથી સર્વશ્રેષ્ઠ ટેક્નોલોજીનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે.ભારત ચોક્કસ વિવિધ દેશોની ટેકનોલોજી અપનાવી રહ્યું છે.પરંતુ તેના ઉપયોગ આંખો મીંચીને નહીં પરંતુ સમજદારી સાથે કરવામાં આવી રહ્યો છે.મધ્યમ અને ગરીબ વર્ગના લોકોને સમયસર સુવિધા સભર આવાસ મળી રહે તે અમારી પ્રથમ પ્રાથમિકતા છે.હાઉસિંગ ફોર ઓલ લક્ષ્યની પ્રાપ્તિ ચોક્કસ થશે તેનો મને વિશ્વાસ છે.રિયલ એસ્ટેટને પ્રોત્સાહિત કરવા માટે પણ અનેક પગલા લેવામાં આવી રહ્યા છે.આવાસ નું કામ ઝડપી બને તે માટે દેશની વિશ્વવિદ્યાલયો અને ઇજનેરોને નવી નવી ટેકનોલોજીનો ઉપયોગ કરવા તેઓએ આહવાન કર્યું હતું.સાથોસાથ એવી પણ અપીલ કરી હતી કે જે છ શહેરોમાં લાઈટ હાઉસ પ્રોજેક્ટનો આજે શિલાન્યાસ કરવામાં આવ્યો છે.તેની સમીક્ષા માટે ઇજનેરોએ ત્યાં એક એક સપ્તાહ સુધી રોકાવું જોઈએ અને સ્થાનિક સરકારે પણ ઇજનેરોનને યોગ્ય માહિતી મળી રહે તે માટે વ્યવસ્થા કરવી જોઈએ. સરકાર દ્વારા અનેક રાહતો પણ આપવામાં આવી છે.અગાઉ સસ્તા ઘરો પર ૮ ટકા જીએસટી વસુલવામાં આવતો હતો તે હવે માત્ર એક ટકો કરવામાં આવ્યો છે. જ્યારે સામાન્ય કેટેગરીમાં આવતા ઘર પાસેથી ૧૨ ટકા વસૂલાતો જીએસટી હવે માત્ર પાંચ ટકા જ લેવામાં આવી રહ્યો છે. રિયલ એસ્ટેટને પ્રોત્સાહિત કરવા માટે હવે આ સેક્ટરને ઇન્ફ્રાસ્ટ્રક્ચરની માન્યતા આપવામાં આવી છે. બાંધકામ પરમીશન આપવા માટે કરવામાં આવેલા સુધારાને કારણે એક સમયે રિયલ એસ્ટેટમાં પરમીશન આપવા અંગે ભારતનો વિશ્વમાં રેન્કિંગ ૧૮૫ હતો,જે સુધારા બાદ હવે ૨૭ એ પહોંચ્યો છે જે સાબિત કરે છે કે જે સુધારા લાવવામાં આવ્યા તેને લોકોએ સ્વીકાર્યો છે .પ્રથમ વખત ઘરનું ઘર ખરીદનાર વ્યક્તિને સરકાર દ્વારા સબસિડી આપવામાં આવી રહી છે.આ યોજનાને પણ સારો એવો પ્રતિસાદ મળ્યો છે.રિયલ એસ્ટેટ આગામી દિવસોમાં વધુ મજબૂત બને તે માટે સુધારા યથાવત રાખવામાં આવશે.કોરોનાના સંકટ બાદ કેન્દ્ર સરકાર દ્વારા એક નવુ કદમ ઉઠાવવામાં આવ્યું છે.જેમાં એફોર્ડબલ રેન્ટલ હાઉસિંગ કોમ્પ્લેક્ષ સ્કીમ અમલમાં મુકવામાં આવી છે. જે અંતર્ગત બહારના રાજ્યોમાંથી આવતા શ્રમિકોને સસ્તા ભાડે સુવિધાસભર આવાસ ભાડે મળી રહે તે માટે ની યોજના છે.જેની અમલવારી દેશના અનેક રાજ્યો અને સ્થાનિક સ્વરાજ્યની સંસ્થા દ્વારા કરવામાં આવી છે.અગાઉ ઘરનું ઘર ખરીદવાનું વ્યક્તિનું સપનું માત્ર કાગળ પર જ રહેતું હતું.પૈસા ભરવા છતાં તેને ઘરનું ઘર મળશે કે કેમ તેનો વિશ્વાસ ન હતો.બિલ્ડર સાથે કોઈ કારણોસર ઝઘડો થાય તો કાનૂન સાથ આપશે કે કેમ તેની પણ શંકા ઉદભવતી હતી.દરમિયાન રેરાનો કાનૂન લાવી અમે ઘરના ઘરના સપનાને વધુ મજબૂત કર્યું છે.
લાઈટ હાઉસ પ્રોજેક્ટ અંતર્ગત રાજકોટ મહાનગરપાલિકા દ્વારા શહેરના સ્માર્ટ સિટી એરિયા ટીપી સ્કીમ નંબર ૩૨ રૈયામાં પરશુરામ મંદિર પાસે તળાવ નજીક ૧૧૮ કરોડના ખર્ચે ૧૧૪૪ આવાસ બનાવવામાં આવી રહ્યા છે. જેમાં ફ્રાન્સની મોનોલીથીક બાંધકામના ફોર્મ વર્ક ટેકનોલોજીના આધારે આવાસ બાંધવામાં આવશે.જેનું કામ એક વર્ષમાં પૂર્ણ થઇ જશે સામાન્ય રીતે ઇડબલ્યુએસ બે કેટેગરીના આવાસ લાભાર્થીને રૂ ૫.૦ લાખમાં આપવામાં આવતા હોય છે પરંતુ ટેકનોલોજી ઇનોવેશન માટે કેન્દ્ર સરકાર દ્વારા કોર્પોરેશનને પ્રતિ આવાસ ચાર લાખની વિશેષ ગ્રાંટ આપવામાં આવી હોય આ આવાસ લાભાર્થીને માત્ર રૂ ૩.૪૦ લાખ માં જ આપવામાં આવશે આ પ્રથમ અને છેલ્લી એવી આવાસ યોજના હશે કે જેમાં રસોડામાં પ્લેટફોર્મ ની નીચે કેબિનેટ અને એક બેડ રૂમમાં કબાટ જેવા ફર્નિચરની સુવિધા આપવામાં આવશે સાથોસાથ પંખા અને એલઈડી લાઈટ ની સુવિધા પણ લાભાર્થી અને આપવામાં આવી રહી છે.
આ શુભ અવસરે મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી , કેન્દ્ર સરકારના આવાસ અને શહેરી બાબતોના વિભાગના મંત્રી હરદીપસિંહ પુરી, ગુજરાતના નર્મદા અને શહેરી ગૃહ નિર્માણ વિભાગના મંત્રી યોગેશભાઈ પટેલ, સાંસદ મોહનભાઈ કુંડારીયા, ગુજરાત મ્યુનિસિપલ ફાઇનાન્સ બોર્ડ ચેરમેન ધનસુખભાઈ ભંડેરી, ધારાસભ્ય ગોવિંદભાઈ પટેલ, અરવિંદભાઈ રૈયાણી, લાખાભાઈ સાગઠીયા, શહેર ભાજપ પ્રમુખ કમલેશભાઈ મીરાણી, પ્રદેશ ભાજપ અગ્રણી નીતિનભાઈ ભારદ્વાજ, પૂર્વ મેયર બિનાબેન આચાર્ય, જિલ્લા કલેકટર રેમ્યા મોહન અને પોલીસ કમિશનર મનોજ અગ્રવાલ, હાઈસિંગ અને નિર્મળ ગુજરાત, શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ વિભાગના સેક્રેટરી લોચન સહેરા અને મ્યુનિ. કમિશનર ઉદિત અગ્રવાલ ઉપસ્થિત રહ્યા હતાં.