ઈ-ટોલટેક્ષ માટે રૂ.૫૦,૦૦૦ કરોડના કોન્ટ્રાકટ: મસમોટા શહેરોમાં એડવાન્સ ટોલટેક્ષથી કરોડોની આવક થશે: વાહન ચાલક ભુલેચુકે ફાસ્ટેગ લેનમાં ઘુસી જશે તો ડબલ ટોલટેક્ષ ભરવો પડશે
નેશનલ હાઈ-વે પર ટોલકાનામાં ટેકસ ઉઘરાવતી વખતે વાહન ચાલકોને સરળતા રહે અને પુરેપૂરું કલેકશન મળે તે હેતુથી સરકાર દ્વારા ફાસ્ટેગ પધ્ધતિનો અમલ કરવાની તૈયારી છે. આ પધ્ધતિની અમલવારી બાદ ટોલનાકા પર એડવાન્સ પૈસા ભરી વાહન ચાલક સડસડાટ પસાર થઈ શકશે. રૂ.૫૦,૦૦૦ કરોડના કોન્ટ્રાકટ આપવામાં આવશે. બેંગ્લોર, મુંબઈ, દિલ્હી સહિતના મસમોટા શહેરોમાં એડવાન્સ પૈસા ઉઘરાવવાથી તંત્રને મોટી કમાણી થશે. નેશનલ હાઈવે ઓથોરીટી ઓફ ઈન્ડિયાએ ઈ-ટોલટેક્ષ માટે અધિકારીઓની નિમણૂંક કરી છે.
આગામી તા.૧ ડિસેમ્બરથી જે વાહનમાં ફાસ્ટેગ (ઈલેકટ્રોનીક ટોલ કલેકશન) ફીટ નહીં હોય તે વાહન ફાસ્ટેગની લેનમાંથી પસાર થશે તો બે ગણો ટોલ ચૂકવવો પડશે. નેશનલ હાઈવે પરના ટોલ પ્લાઝાએ આ પધ્ધતિના કારણે વાહન ચાલકોના સમયની બચત થશે. બીજી તરફ અઢળક નાણા પણ સરકારની તિજોરીમાં જશે. ગુજરાતની કંપનીઓ ઈ-ટોલટેક્ષ ઉઘરાવવાના ટેન્ડર ભરી રહી છે. ટોલ પ્લાઝામાં નોન સ્ટોપ મુવમેન્ટ અને કેશલેસ પેમેન્ટની પધ્ધતિથી ઈંધણની પણ બચત થશે. આ સીસ્ટમથી ન્યાયાધીશો, મુખ્યમંત્રીઓ કે કેબીનેટ મંત્રીઓની ગાડીઓ પણ બાકાત રહેશે નહીં. આવા વાહનોને ઝીરો બેલેન્સ ફાસ્ટેગ ફાળવવામાં આવશે.
ફાસ્ટેગ લેવાની ઈચ્છા રાખતા વાહન ચાલકોએ ઓનલાઈન નોંધણી કરવાની રહેશે. અથવા તો બેંકોનો સંપર્ક સાધી શકશે. આ ફાસ્ટેગ મેળવવા માટે વાહન ચાલકોએ આરસી બુક, ડ્રાઈવીંગ લાયસન્સ સહિતના દસ્તાવેજો જમા કરાવવાના રહેશે. રૂ.૫૦૦ પણ આપવા પડશે. જેમાં રૂ.૨૫૦ રિફંડેબલ છે. રૂ.૧૦૦ ટેગ માટે અને ૧૫૦ સર્વિસ ચાર્જ તરીકે ઉઘરાવાશે. જ્યારે જ્યારે વાહન ચાલક ટોલટેક્ષમાંથી પસાર થશે ત્યારે તેને એસએમએસ પ્રાપ્ત થશે. જો આ પ્રયોગ નેશનલ હાઈવે પર સફળ જશે તો રાજ્ય સરકાર હસ્તગતના ટોલ પ્લાઝામાં પણ આ પધ્ધતિની અમલવારી થઈ શકે તેવું માનવામાં આવી રહ્યું છે.
સરકાર કેશલેસ ઇકોનોમી તરફ પાપા પગલી આગળ વધી રહી છે. આવા સંજોગોમાં નેશનલ હાઇવે પરના ટોલ પ્લાઝામાં ઇ ટોલટેક્સ ઉઘરાવવાથી ઇંધણનો બચાવ થશે બીજીતરફ બારોબાર પગ કરી જતાં ટેક્સને પણ સરકાર બચાવી શકશે. હાલ તો સરકારના આ પ્રોજેક્ટમાં ગુજરાતની બે કંપનીઓ દ્વારા ટેન્ડર પ્રક્રિયામાં ભાગ લેવામાં આવ્યો છે. દેશભરના નેશનલ હાઇવે ટૂંકા ગાળામાં ફાસ્ટ ટેગથી સંચાલીત થવા લાગશે. વાહનચાલકને લાંબી કતારોમાં ઉભા રહેવું પડશે નહીં જો કે આ વ્યવસ્થાથી અજાણ હોય તેવા વાહનચાલક જો ફાસ્ટ ટેગની લેનમાં ઘૂસી જશે તો તેને ડબલ ટેક્સ ભરવો પડશે તેવું વિશ્ર્વસનીય સૂત્રો પાસેથી જાણવા મળી રહ્યું છે.