એક સમયે આતંકીઓનો જન્મદાતા બનનાર દેશ હવે તેનાથી પીછો નથી છોડાવી શકતો
એક સમયે આતંકીઓને જન્મ આપનારું પાકિસ્તાન અત્યારે માથે ઓઢીને રોવે છે. અને ભારતની જેમ જ તે હવે લડત આપીને આતંકીના સાયાને દૂર કરવા માંગે છે. પરંતુ હવે પાણી માથા ઉપરથી ચાલ્યું ગયું હોય પાકિસ્તાન કઈ કરી શકે તેમ નથી. પાકિસ્તાન અત્યારે માત્રને માત્ર અફસોસ કરી રહ્યું છે.
પેશાવર મસ્જિદ આત્મઘાતી હુમલા બાદ હવે પાકિસ્તાનને પોતાની હરકતો પર પસ્તાવો થઈ રહ્યો છે. પાકિસ્તાનના ગૃહ પ્રધાન રાણા સનાઉલ્લાહે નેશનલ એસેમ્બલીમાં સ્વીકાર્યું હતું કે મુઝાહિદ્દીનને યુદ્ધ માટે તૈયાર કરવું એ એક મોટી ભૂલ હતી. મંગળવારે સંસદના ઉપલા ગૃહને સંબોધિત કરતા સનાઉલ્લાહે કહ્યું, “અમારે મુજાહિદ્દીનને તૈયાર કરવાની જરૂર નહોતી. અમે મુજાહિદ્દીનની રચના કરી અને પછી તેઓ આતંકવાદી બન્યા. ”
આ પહેલા પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફે નેશનલ એસેમ્બલીમાં બોલતા કહ્યું હતું કે, દેશની રાષ્ટ્રીય સુરક્ષા સમિતિ આતંકીઓ વિરુદ્ધ ઓપરેશન પર નિર્ણય લેશે. ગૃહ પ્રધાને એવો પણ દાવો કર્યો હતો કે પૂર્વ વડા પ્રધાન ઇમરાન ખાનની સરકારે પ્રતિબંધિત તહરીક-એ-તાલિબાન પાકિસ્તાન અથવા પાકિસ્તાની તાલિબાન આતંકવાદીઓને મુક્ત કર્યા હતા, જેમને મૃત્યુદંડની સજા ફટકારવામાં આવી હતી.
પાકિસ્તાનના ગૃહ પ્રધાન સનાઉલ્લાહનું આ નિવેદન પેશાવરમાં 30 જાન્યુઆરીએ થયેલા મસ્જિદ હુમલા પછી આવ્યું છે, જેમાં 100 લોકો માર્યા ગયા હતા અને 220 થી વધુ લોકો ઘાયલ થયા હતા. બપોરની નમાજ દરમિયાન મસ્જિદના સેન્ટ્રલ હોલમાં એક આત્મઘાતી હુમલાખોરે પોતાની જાતને ઉડાવી દીધી હતી. પ્રતિબંધિત ટીટીપીએ આ હુમલાની જવાબદારી સ્વીકારી હતી. પાકિસ્તાનના ગૃહ પ્રધાને એ માન્યતાનો સ્વીકાર કર્યો હતો કે ટીટીપી અફઘાન-પાકિસ્તાન સરહદ પર કાર્યરત વિવિધ ઇસ્લામિક સશસ્ત્ર આતંકવાદી જૂથોનું પ્રબળ જૂથ છે. તેમણે કહ્યું કે, આ વિચારવું ખોટું છે કે આતંકવાદીઓ હથિયાર હેઠા મૂકી કાયદા સામે ઝૂકી જશે.