વરસાદ બાદ રાજમાર્ગો પરના ખાડા હવે મોરમ કે પેવિંગ બ્લોકથી નહિં બૂરાય: ડામરથી ખાડો સંધાશે
ચોમાસાની સિઝનમાં ભારે વરસાદ બાદ શહેરના રાજમાર્ગો પર ડામરનું ધોવાણ થઇ જાય છે. રોડ પર મસમોટા ખાડા પડી જાય છે. વરસાદ વિરામ લેતાની સાથે જ આ ખાડા બૂરવા માટે મોરમ કે પેવિંગ બ્લોક નાંખવામાં આવે છે. પરંતુ ફરી જ્યારે વરસાદ આવે ત્યારે સ્થિતિ ‘જૈસે થ’ે તેવી બની જાય છે. હવે કોર્પોરેશનની નવી ટેકનિક અપનાવવા જઇ રહ્યું છે. જેમાં વરસાદમાં પણ પેચવર્ક કરી શકાશે. જેટ પેચર ટેકનિકની મદદથી ડામર કરી ખાડાને સાંધી દેવામાં આવશે. જે ફરી દોઢ થી બે વર્ષ તૂટશે નહિં. આ વર્ષથી જ નવી ટેકનિકનો ઉપયોગ શરૂ કરી દેવામાં આવશે.
આ અંગે વધુ માહિતી આપતા મેયર ડો.પ્રદિપ ડવે જણાવ્યું હતું કે મુંબઇ મહાનગરપાલિકા દ્વારા ચોમાસા સિઝન દરમિયાન રોડ પર પડેલા ખાડાઓ બૂરવા માટે જેટ પેચર ટેકનિકનો ઉપયોગ કરવામાં આવે છે. જેમાં એક પ્રકારનું એવું લીક્વીડ હોય છે જેની મદદથી રોડ ભીનો હોય કે ખાડા પાણી ભરેલું હોવા છતાં તે ખાડો બૂરી શકાય છે. જેને જેટ પેચર ટેકનિક કહેવામાં આવે છે. રાજકોટમાં પણ ત્રણેય ઝોનમાં ચોમાસાની સિઝનમાં રોડ પર પડતા ખાડા બૂરવા માટે આ વર્ષે કોર્પોરેશન દ્વારા આ ટેકનિકનો ઉપયોગ કરવામાં આવશે. દોઢ કરોડના ખર્ચે પેચવર્ક કામ કરાશે. આ માટે ટેન્ડર હાલ ફાઇનલ સ્ટેજ પર છે. ટૂંક સમયમાં સ્ટેન્ડિંગ કમિટી સમક્ષ દરખાસ્ત રજૂ કરવામાં આવશે ત્યારબાદ આ ટેકનિકનો ઉપયોગ શરૂ કરી દેવાશે. તેઓએ ઉમેર્યું હતું કે અત્યાર સુધી વરસાદ બાદ રાજમાર્ગો પરના ખાડા મોરમ કે પેવિંગ બ્લોકથી બૂરી દેવામાં આવતા હતા. બીજીવાર જ્યારે વરસાદ પડે ત્યારે ફરી આ ખાડા ખૂલ્લી જતા હતા અને સ્થિતિ યથાવત થઇ જતી હતી. નવી જેટ પેચર સિસ્ટમથી વાહનચાલકોને મોટો ફાયદો થશે.
રોડ પરના ખાડા બૂરવા, ડ્રેનેજ મેઈન હોલ અને સ્ટ્રોંમ વોટર લાઇન સાફ કરવા મેયર-ચેરમેનનો આદેશ
ગઇકાલે શહેરમાં માત્ર એક કલાકમાં જ અઢી ઇંચ જેટલો વરસાદ વરસી ગયો હતો. શહેરમાં ક્યા-ક્યા વિસ્તારોમાં વરસાદી પાણી ભરાયા છે. તેનું નિરિક્ષણ કરવા માટે મેયર ડો.પ્રદિપભાઇ ડવ ખૂદ ફીલ્ડમાં નિકળ્યા હતા. તેઓએ લક્ષ્મીનગર અન્ડરબ્રિજ અને મહિલા કોલેજ બ્રિજની તપાસ કરી હતી. રેસકોર્સ રિંગ રોડ, કાલાવડ રોડ, યુનિવર્સિટી રોડ, કોઠારિયા રોડ સહિતના વિસ્તારોમાં તેઓએ ફેરણી કરી હતી.
દરમિયાન આજે તેઓએ ત્રણેય ઝોનના સિટી એન્જીનીંયરોને તાત્કાલીક અસરથી શહેરના રાજમાર્ગો પર પડેલા ખાડા બૂરવા માટે તાકિદ કરી હતી. હાઇવે ઓથોરિટીમાં આવતા માર્ગોના ખાડા બૂરવા પણ સૂચના આપી દેવામાં આવી હોવાનું તેઓએ જણાવ્યું હતું. દરમિયાન સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન પુષ્કરભાઇ પટેલે મ્યુનિ.કમિશનર આનંદ પટેલ સાથે ટેલિફોનિક વાતચિત કરી હતી. તેઓએ કમિશનરને જણાવ્યું હતું કે શહેરમાં પ્રથમ વરસાદમાં મોટી માત્રામાં કચરો ડ્રેનેજ મેન હોલ અને સ્ટ્રોંમ વોટર પાઇપલાઇનમાં સફાઇ ગયો છે. જે યુદ્વના ધોરણે સાફ કરવા અધિકારીઓને દોડાવવામાં આવે તેવી સૂચના આપી છે.