નવી સુવિધા માટે કેન્દ્રીય આરોગ્ય મંત્રી મનસુખભાઈ માંડવીયાને અભિનંદન પાઠવતા કોર્પોરેશનના પદાધિકારીઓ
કોરોનાની વેક્સિન લીધા બાદ સર્ટીફિકેટ મેળવવા નાગરિકોને કોઈપણ પ્રકારની હાલાકી ન ભોગવવી પડે તે માટે કેન્દ્ર સરકાર દ્વારા નવી સુવિધા ઉભી કરવામાં આવી છે. હવે મોબાઈલમાં વોટ્સએપ દ્વારા વેક્સિનેશન અંગેનું સર્ટીફીકેટ પ્રાપ્ત કરી શકાશે.
આ અંગે મેયર ડો.પ્રદિપ ડવ, ડેપ્યુટી મેયર ડો.દર્શિતાબેન શાહ, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન પુષ્કરભાઈ પટેલ, શાસકપક્ષ નેતા વિનુભાઈ ઘવા, શાસકપક્ષ દંડક સુરેન્દ્રસિંહ વાળાએ જણાવ્યું હતું કે, મહાપાલિકાના આરોગ્ય વિભાગ દ્વારા દરેક આરોગ્ય કેન્દ્રો ઉપર કોરોના વેક્સીન આપવામાં આવે છે. વેક્સિનના બંને ડોઝ લીધા પછી સરકાર તરફથી એક વધુ્ સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવેલ છે. જેમાં વેકસીન લીધાનું સર્ટિફિકેટ હવે તમારા વોટ્સએપ ઉપર આવી જશે.
જે માટે સૌપ્રથમ તમારા કોન્ટેક્ટમાં 9013151515 નંબર ઉમેરો. તમને યોગ્ય લાગે તે નામ આપો. વોટ્સએપ ચાલુ કરીને આ કોન્ટેક્ટ શોધો. Download Certificate લખીને મોકલો. તરત જ તમારા રજીસ્ટર્ડ મોબાઈલમા OTP આવશે. વોટ્સએપમાં આ OTP આપો. તમારા મોબાઇલ ઉપર જેટલા મેમ્બર રજીસ્ટર થયા હોય તે્નુ લિસ્ટ આવશે. જે સર્ટિફિકેટ જોઈતું હોય તે મેમ્બરનો નંબર મોકલો. સર્ટિફિકેટ આવી જશે. કોરોના સર્ટીફિકેટ મેળવવા અંગેની સરકાર દ્વારા આપવામાં આવેલ નવતર સુવિધાને લીધે કોરોના વેક્સીન મેળવવા માગતા દેશના કરોડો લોકોનો સમય વેડફાતો અટકશે.
આ સુવિધાને ઉપલબ્ધ કરાવવા માટે કેન્દ્ર સરકારના આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રી મનસુખભાઈ માંડવીયાને તેઓએ અભિનંદન પાઠવ્યા હતા.