વેપારીઓ સાથે છેતરપિંડી કરનાર નાઈઝીરીયન ગેંગ પાસેથી ભારતીય નાગરિકને મળતા આધારના પુરાવા મળ્યા
સામાન્ય રીતે ભારતીય લોકોને જ આધારકાર્ડ સાથે જોડવામાં આવ્યા છે. પરંતુ પોલીસના નાકમાં દમ કરનારી નાઈઝીરીયન ગેંગ પાસેથી પણ આધારકાર્ડ મળી આવ્યા છે. એટલે હવે આધારે પણ ‘આધાર’ ગુમાવ્યો છે.
નાઈઝીરીયન ગેંગની તપાસ દરમિયાન તપાસ કરનાર અધિકારીઓને ચોંકાવનારા પુરાવા મળ્યા છે. આ નાઈઝીરીયન ગેંગ પાસેથી ભારતીય નાગરિકને જ મળતા આધારકાર્ડ મળ્યા છે. અમદાવાદ સાયબર સેલે જેકશન નામના એક નાઈઝીરીયન શખ્સની તેના છ સાથીઓ સાથે છેતરપિંડીના કેસમાં ધરપકડ કરી હતી અને તેના પાસેથી તેના જ નામનું આધારકાર્ડ મળી આવ્યું છે. નામ સાથે તેનો ફોટો અને મુંબઈનું એડ્રેસ તેમજ ફોન નંબર પણ સરકારી રેકોર્ડમાં મેચ થાય છે અને આ આધારના પુરાવાઓને લઈને જ નાઈઝીરીયન જેકશન અમખોલીએ તેની આગવી ઓળખનું પ્રુફ આપ્યું.
મહત્વનું છે કે તાજેતરમાં જ બે શહેરોમાં વેપારીઓ સાથે છેતરપિંડી કરી રૂ.૩૦ લાખ પડાવનાર આ નાઈઝીરીયન ગેંગ દ્વારા કેન્સરની દવાના બહાને ફાર્મા કંપનીઓ પાસેથી પૈસા પડાવ્યા હતા. આ ગેંગના જણાવ્યાનુસાર તેઓ યુકે ફાર્મા કંપનીની દવાઓનું રો-મટીરીયલ વેંચતા હતા.
ઉલ્લેખનીય છે કે, આ નાઈઝીરીયન ગેંગ ભારતમાં ગેરકાયદેસર વસવાટ કરતા હતા અને તેમની પાસે આધારકાર્ડ કેવી રીતે આવ્યા તે પણ વિચારવા લાયક બાબત છે. આધારકાર્ડ સાથે તેમની પાસે ફેક પાસપોર્ટ અને ફેક વીઝા સ્ટેમ્પ પણ મળી આવ્યા છે.
આ અંગે વધુ જણાવતા સાયબર સેલના ડીસીપી રાજદીપસિંહ ઝીલાએ જણાવ્યું કે, જેકશનના આધારની વિગતો સરકારી રેકોર્ડ સાથે પણ મેચ થાય છે. આધારમાં તેનો ફોટો, મુંબઈનું એડ્રેસ અને ફોન નંબર પણ છે. આ નાઈઝીરીયન ગેંગે પોતાની ખોટી ઓળખને સાચી સાબીત કરવા લોકલ નેટવર્ક મજબૂત કર્યું હતું. આ અંગે વધુ તપાસ કરવા મુંબઈ સાયબર સેલ પણ સહકાર આપ્યો છે.
મહત્વનું છે કે, સાયબર સેલ દ્વારા જે વ્યક્તિઓની ધરપકડ કરવામાં આવી છે. જેમાં બે નાઈઝીરીયન, એક યુગાન્ડા અને ત્રણ ભારતીયોનો સમાવેશ થાય છે.
આ નાઈઝીરીયન ગેંગના મુખ્ય સૂત્રધારે જણાવ્યું કે તેની ગેંગ ખોટા એડ્રેસ સાથે ૨૦ બેંકોમાં એકાઉન્ટ ધરાવે છે અને વેપારીઓની સાથે છેતરપિંડી કરતી આ ગેંગે સાત બેંકોમાં એક જ નામના ખાતા ખોલાવ્યા છે. જેમાં ત્રણ શહેરોનો સમાવેશ થાય છે. જયપુર, બેંગાલુર અને મુંબઈ અને આ ગેંગના ત્રણ શખ્સો કાયમી એડ્રેસ ધરાવે છે જેનો સાયબર સેલે પકડી લીધા છે.