રેલવે બોર્ડે રેલવે સ્ટેશનો પરના બુક સ્ટોલ માટેની નીતિનો સરક્યુલર જારી
– તમામ ઝોનલ રેલવેને નવી સ્ટોલ નીતિ અંતર્ગત પ્લેટફોર્મ પરના કિઓસ્ક-સ્ટોલમાં ભારતીય સંસ્કૃતિ અને નૈતિકતા અંગેના પુસ્તકો વેચાણ માટે રાખવા માટે ફરજિયાત બનાવવામાં આવ્યું છે.
રેલવે બોર્ડના પાંચમી સપ્ટેમ્બરના કમર્શિયલ સર્ક્યુલરમાં સૂચના આપવામાં આવી છે કે તમામ જનરલ મેનેજર્સ એ સુનિશ્ચિત કરે કે આ પ્રકારના પુસ્તકો રેલવે સ્ટોલ્સ પર પ્રાપ્ત થાય. આ નિર્ણય નવી મલ્ટી પર્પઝ સ્ટોલ (એમપીએસ) પોલિસી અંતર્ગત લેવામાં આવ્યો છે.સર્ક્યુલર પ્રમાણે, ‘ઝોનલ રેલવે દ્વારા એ સુનિશ્ચિત કરવાનું રહેશે કે તમામ એમપીએસ દ્વારા ભારતીય પરંપરા, સંસ્કૃતિ, મૂલ્યો અને ઈતિહાસ અંગેની કથાઓ ધરાવતા પુસ્તકો વેચાણ માટે ફરજિયાત મૂકવાના રહેશે.’આ સરક્યુલર પ્રમાણે તમામ પરચૂરણ, ક્યુરિયો સ્ટોલ્સ, બૂકસ્ટોલ્સ, કેમિસ્ટ સ્ટોલ્સ હવે મલ્ટી પર્પઝ સ્ટોલ્સ અંતર્ગત સામેલ કરાશે.આ નવી નીતિ અગાઉની ૨૦૦૪ની બૂકસ્ટોલ નીતિને સુપરસીડ કરે છે જેમાં અગાઉ ફરજિયાત બનાવાયું હતું કે સ્ટોલ્સમાં સાહિત્ય, ઈતિહાસ, બાળ સાહિત્ય, ફિક્શન, પ્રવાસ, હળવું સાહિત્ય, કલા, સંસ્કૃતિ, સાંપ્રત પ્રવાહો, વ્યાવસાયિક હિતો, રાષ્ટ્રીય એક્તા વગેરેના પુસ્તકો અંગ્રેજી, હિન્દી અને પ્રાદેશિક ભાષાઓમાં રાખવાના રહેશે.