વડાપ્રધાનની મન કી બાત માં એક દિવસ માટે પેટ્રોલ-ડીઝલનો ઉપયોગ ન કરવાની અપીલના આધારે ૧૪ મે થી દર રવિવારે આઠ રાજયોમાં ૨૦,૦૦૦ પેટ્રોલ પંપ બંધ રહેશે
હવે, ૧૪ મેથી દેશના આઠ રાજયોમાં પેટ્રોલપંપ દર રવિવારે રજા પાળશે. આ નિર્ણય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા મન કી બાત રેડીયો કાર્યક્રમમાં કરવામાં આવેલી અપીલના આધારે લેવામાં આવ્યો છે. જેમાં વડાપ્રધાને ઇંધણ બચાવવા માટે દેશવાસીઓને એક દિવસ પેટ્રોલ-ડીઝલનો ઉપયોગ ન કરવાની વાત કરી હતી. પેટ્રોલ પંપ ડીલર્સના એક સંગઠને જણાવ્યું કે, તામિલનાડું, કેરળ, કર્ણાટક, પોડુંચેરી, આંધ્રપ્રદેશ, તેલગાંણા, મહારાષ્ટ્ર અને હરિયાણાના ૨૦,૦૦૦ પેટ્રોલ પંપ ૧૪ મેથી દર રવિવારે બંધ રહેશે.
ભારતીય પેટ્રોલીયમ ડીલર્સ એસોસિએશનની એકઝીકયુટીવ કમીટીના સભ્ય સુરેશકુમારે કહ્યું કે, થોડા વર્ષો પહેલા અમે નકકી કર્યુ હતું કે દર રવિવારે અમે પેટ્રોલ પંપ બંધ રાખીશું પરંતુ ઇંધણ કંપનીઓએ તે સમયે અમને સહકાર આપ્યો નહિ અને આ નિર્ણય પર પુર્નવિચાર કરવા કહ્યું હતું આથીત્યારે આ નિર્ણયને લાગુ કરી શકયા નહિ પરંતુ હવે અમે દર રવિવારે પેટ્રોલપંપ બંધ રાખવાનો નિર્ણય કરી લીધો છે.
સુરેશ કુમારે કહ્યું કે, એસોસિએકને આ નિર્ણય પ્રધાનમંત્રી મોદી દ્વારા મન કી બાત કાર્યક્રમમાં ઇંધણની બચત કરવાની અપીલને ઘ્યાનમાં રાખીને લેવાયો છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પર્યાવરણને બચાવવા માટે દેશવાસીઓને એક દિવસ માટે પેટ્રોલ ડીઝલનો ઉપયોગ ન કરવાની અપીલ કરી હતી.