નવા શૈક્ષણિક સત્ર ૨૦૨૧-૨૨માં ૨૭ ટકા બેઠક રિઝર્વ રખાશે
સરકાર દ્વારા સૈનિક સ્કુલ સોસાયટીને ધ્યાને લઈ એક મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે જેમાં ડિફેન્સ સચિવ અજયકુમારે જણાવતા કહ્યું હતું કે, શૈક્ષણિક સત્ર ૨૦૨૧-૨૨ દરમિયાન સૈનિક સ્કુલમાં ઓબીસી માટે ૨૭ ટકા બેઠક અનામત રાખવામાં આવશે. અત્યાર સુધી સૈનિક સ્કુલમાં અનામત રાખવામાં આવતું ન હોવાથી સરકાર દ્વારા એક મહત્વપૂર્ણ નિર્ણય લીધેલ છે. રક્ષાસચિવે જણાવ્યું હતું કે, નવા સત્રથી સૈનિક સ્કુલમાં અન્ય પછાત વર્ગોને પણ નિયમ મુજબ અનામત રાખવામાં આવશે. સૈનિક સ્કુલમાં અનામત બેઠકો માટે જાહેર કરવામાં આવેલા પરીપત્રમાં જણાવાયું છે કે, સૈનિક સ્કુલની ૬૭ ટકા બેઠક વિદ્યાર્થીઓ માટે રીઝર્વ છે જે કેન્દ્રશાસિત પ્રદેશ કે રાજયોમાંથી આવતા હોય. સાથો સાથ બાકી રહેતી ૩૩ ટકા બેઠક એ વિદ્યાર્થીઓ માટે છે કે જે રાજયો કે કેન્દ્રશાસિત પ્રદેશ બહારના હોય જેથી આ બંને યાદીઓને સૈનિક સ્કુલ દ્વારા લીસ્ટ-એ અને લીસ્ટ-બી તરીકે ઓળખવામાં આવે છે.
સૈનિક સ્કુલ સોસાયટી રક્ષા મંત્રાલય હેઠળ કામ કરે છે અને દેશમાં લગભગ ૩૩ જેટલી સૈનિક સ્કુલોને તેના નિયંત્રણમાં રાખે છે. નવા નિયમો મુજબ આશરે ૨૭ ટકા બેઠક ઓબીસી કેટેગરી માટે અનામત રાખવામાં આવશે જેની અમલવારી નવા શૈક્ષણિક સત્રથી થશે. રાષ્ટ્રીય પરીક્ષા એજન્સી એટલે કે એનટીએ પહેલી વખત સૈનિક સ્કુલમાં પ્રવેશ પરીક્ષાનું આયોજન કરશે ત્યારે આગામી શૈક્ષણિક સત્ર માટે પ્રવેશ પ્રક્રિયા પણ શરૂ થઈ ગઈ છે અને આ પરીક્ષા આગામી ૧૦ જાન્યુઆરી ૨૦૨૧ના રોજ યોજાશે.
આગામી વર્ષથી જે સૈનિક સ્કુલમાં ઓબીસીને અનામત આપવાના આદેશ કર્યા છે ત્યારે રીઝર્વેશનની વર્તમાન સ્થિતિને પણ જાણવી એટલી જ જરૂરી છે. અત્યારે ૧૫ ટકા બેઠક શેડયુલ કાસ્ટ અને ૭.૫ ટકા બેઠક એસ.ટી. માટે અનામત રાખવામાં આવી છે. આ ઉપરાંત ૨૫ ટકા બેઠક એ વિદ્યાર્થીઓ માટે અનામત રખાઈ છે કે ડિફેન્સ સાથે સંકળાયેલા કર્મચારીઓના સંતાનો હોય જયારે બાકી રહેલી તમામ સીટો અન્ય વિદ્યાર્થીઓ માટે પણ ખુલ્લી મુકવામાં આવી છે જેના પર કોઈ પણ પ્રવેશ માટે અરજી કરી શકે છે. જાણવું જરૂરી છે કે સૈનિક સ્કુલ ખાતે પ્રવેશ મેરીટ આધારે આપવામાં આવતું હોય છે.